Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રિંગ રોડ(ર)ની કામગીરી પ્રગતિમાં: ૧ બ્રીજનું કામ પૂર્ણ

રૂડા અને મ્યુ. કોર્પોરેશનના વિકાસ કામોની સ્થળ મુલાકાત લેતા મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલ : અન્ય બે બ્રીજના કામ ઝડપભેર પૂર્ણ કરાશેઃ પાંચ બ્રીજના ટેન્ડરો ખોલવા પ્રક્રિયા : એનીમલ હોસ્ટેલમાં શેડ વધારવા કાર્યવાહી

રાજકોટ તા.૨:.. શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના ચેરમેન  ઉદિત અગ્રવાલે રાજકોટ શહેરની બહાર કાલાવડ રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા રિંગ રોડ-૨ ના ચાલુ કામો અને હવે હાથ ધરવાના કામો સંદર્ભે આજે  રિંગ રોડ-૨ ની સાઈટ વિઝિટ કરી હતી અને સ્થળ પર જ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ સાઈટ વિઝિટ વિશે વાત કરતા ચેરમેન  ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, રિંગ રોડ-૨ ઉપર હાલ ફેઇઝ-૨ અને ફેઇઝ-૩ના કામો ગુણવત્તાસભર થાય અને નાગરિકોને વિશેષ પરિવહન સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી યોજાયેલી આ સાઈટ વિઝિટ દરમ્યાન રિંગ રોડના આ કામો ઝડપભેર પરિપૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

ચેરમેનશ્રીએ વિશેષ માહિતી આપતા એમ કહ્યું હતું કે, રિંગ રોડ-૨ ના કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતા ૧૧.૨૦ કિમી. લંબાઈના ફેઇઝ -૨ માં રસ્તાના કામો મહદ અંશે પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જયારે આ ફેઇઝમાં કુલ ત્રણ બ્રિજ આવે છે જે પૈકી એક બ્રિજનું કામ પૂર્ણ થયું છે ને અન્ય બે બ્રિજનું કામ ચાલુ છે.

જયારે રિંગ રોડ-૨ ના ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ૪.૫  કિમી. લંબાઈના ફેઇઝ -૩ માં રસ્તાના કામો ચાલુ છે. બાકી રહેલા કામ ઝડપભેર આગળ ધપાવવા સૂચના અપાયેલ છે. જયારે આ ફેઇઝમાં કુલ પાંચ બ્રિજ બનાવવાના થાય છે અને તેના ટેન્ડર ખોલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ઉપરોકત તમામ કામોમાં શ્રેષ્ઠ ગુણવત્ત્।ા જાળવી રાખવા અને ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે તેમ પણ ચેરમેનશ્રીએ જણાવ્યું હતું.

ચેરમેનશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન રૂડા ના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા, પ્રોજેકટ ડાઇરેકટર  બી. એમ. મારૂ, અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ અને કોન્ટ્રાકટરઓ પણ સાથે રહયા હતાં.

વિશેષમાં આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે મહાનગરપાલિકા વિસ્તારના કામો અર્થે પણ કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં વોર્ડ નંબર-૧૮માં કોઠારિયા ચોકડી પાસે એનિમલ હોસ્ટેલમાં કેટલ શેડના એકસટેન્શન માટેના કામ અંગે કમિશનરશ્રીએ ત્યાંની સાઈટ વિઝિટ કરી હતી. આ ઉપરાંત વેલનાથ, જડેશ્વર વિસ્તારમાં કરવાના થતા સ્લેબ કલર્વટના કામ તેમજ વોર્ડ નંબર-૪મા રાધા-મીરાં પાર્કના રસ્તા મેટલના કામ બાબતે સાઈટ વિઝિટ કરી હતી. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા,  એડી. સિટી એન્જી.  એચ.યુ.દોઢિયા તથા અન્ય સંબંધિત અધિકારીઓ  પણ સાથે રહયા હતાં.

(3:53 pm IST)