Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કુવાડવા પાસે ટ્રેકટર અને કાર અથડાતાં રિપબ્લીકન પાર્ટીના પ્રમુખ, મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખને ઇજા

અમદાવાદ ખાતે મંત્રી રામદાસ આઠવલેની મિટીંગમાં હાજરી આપી પરત આવતી વખતે બનાવ : કરસનભાઇ રાઠોડ, ઇન્દ્રજીતભાઇ પરમાર અને ગીતાબેન મકવાણા તથા ટ્રેકટર ચાલક શરીફખાન સારવારમાં

રાજકોટ તા. ૨: કુવાડવા જીઆઇડીસી નજીક વહેલી સવારે સાડા છએક વાગ્યે ટ્રેકટરની પાછળ વેગનઆર કાર અથડાતાં કાર ચાલક રાજકોટ રહેતાં અને રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાજકોટ જીલ્લાના પ્રમુખ, રાજકોટ જીલ્લા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટ્રેકટર ચાલક અમદાવાદના યુવાનને પણ ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ પેડક રોડ પર ગ્રામ લક્ષ્મી સોસાયટીમાં રહેતાં અને આરપીઆઇ (રિપબ્લીક પાર્ટી ઓફ ઇન્ડિયા)ના રાજકોટ જીલ્લા પ્રમુખ કરસનભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.૪૯) તથા ઉપપ્રમુખ રાધામીરા પાસે વૃજ ભુમિમાં રહેતાં ઇન્દ્રજીતભાઇ અનિલભાઇ પરમાર (ઉ.૪૨) અને કુવાડવા રહેતાં જીલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન જગાભાઇ મકવાણા (ઉ.૨૦) ગઇકાલે અમદાવાદ ખાતે મંત્રીશ્રી રામદાસ આઠવલેની મિટીંગ યોજાઇ હોઇ તેમાં હાજરી આપવા કાર લઇને ગયા હતાં. રાતે મિટીંગ પુરી થયે ત્રણેય રાજકોટ આવવા નીકળ્યા હતાં.

વહેલી સવારે કુવાડવા જીઆઇડીસી પાસે પહોંચ્યા ત્યારે આગળ જતાં ટ્રેકટરમાં પાછળ લાલ લાઇટ ન હોઇ તેના ચાલકે અચાનક વળાંક લેતાં તે ન દેખાતાં કાર તેની પાછળ અથડાતાં કરસનભાઇ સહિત ત્રણેયને ઇજા થઇ હતી અને કારમાં પણ ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત ટ્રેકટર ઉંધુ વળી જતાં તેના ચાલક અમદાવાદના શરીફખાન ઇસ્માઇલખાન મેવ (ઉ.૨૯)ને પણ ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(11:47 am IST)