Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ પ્રથમ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા બીનખેતી ઓનલાઈન પ્રક્રિયા શરૃઃ અરજદારનું ઈ-મેઈલ આઈ.ડી. ફરજીયાત

એનઓસી ઓનલાઈન જે તે ખાતા તરફથી મળશેઃ પ્રોસેસ ફી ૧ ચો.મી.ના ૫૦ પૈસાઃ એ પણ નોનરીફંડેબલ

રાજકોટ, તા. ૨ :. રાજ્ય સરકારે બીનખેતી ઓનલાઈન પ્રોજેકટ અમદાવાદ, ગાંધીનગર, સુરતથી શરૂ કર્યો તેને જબરી સફળતા મળતા મહેસુલ ખાતાએ રાજકોટ કલેકટરને પણ ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દેવા અંગે સૂચના આપી હતી.

આખરે રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ ૩૦ હજાર જેટલી બીનખેતી કેસોની પ્રક્રિયા ડેટાબેઈઝ કરી લેવાયા બાદ આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ પ્રથમ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા બીનખેતી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે આ પ્રોજેકટને સફળતા મળતા જ સોમવારથી સત્તાવાર ઢબે કાર્યવાહી થશે.

ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ હવે બીનખેતી સંપૂર્ણ પારદર્શક વહીવટ થઈ જશે. મેન્યુઅલી તમામ પ્રક્રિયા સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે.

બીનખેતી માટે અરજી કરનારે પોતાનું ઈમેઈલ-આઈડી અને મોબાઈલ નંબર ફરજીયાત દેખાડવા પડશે અને અરજી કર્યા બાદ મામલતદાર - રૂડા - ડે. કલેકટર વિગેરેના એનઓસી પણ જે તે ખાતામાં ફરજીયાત ઓનલાઈન આપવાના રહેશે, તો મંજુર થયેલ પ્લાન પણ સબમીટ કરવાનો રહેશે.

અધિકારી સાધનોએ ઉમેર્યુ હતુ કે, આ બીનખેતી ઓનલાઈન પ્રક્રિયામાં પ્રોસેસ ફી ૧ ચો.મી.ના ૫૦ પૈસા રખાઈ છે. જો બીનખેતી અરજી નામંજુર થશે તો પૈસા પાછા નહીં મળે, ટુંકમાં અનરીફંડેબલ ફી છે.

બીનખેતી પ્રક્રિયામાં જે રૂપાંતર કર આવે તે પણ ઓનલાઈન ભરવાનો રહેશે. મંજુરી પણ માત્ર ૮ થી ૧૦ દિવસમાં ઓનલાઈન મળી જશે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે, જે જમીનની બીનખેતીની માંગણી થઈ હોય તેના નકશા, તેના લેટેસ્ટ ફોટા, જમીનની હાલની સ્થિતિ વગેરે ખાસ મુકવાના રહેશે.

આ ઉપરાંત બીનખેતીની અરજી પહેલા જે તે અરજદારે ડાયરેકટ કે પોતાના એડવોકેટ મારફત બેંકમાં પેમેન્ટ જમા કરવુ પડશે, તો જ અરજી સ્વીકારાશે. આ માટે કલેકટર તંત્ર દ્વારા દરેક વકીલોને પણ કહેવાઈ ગયું છે.

(7:06 pm IST)