Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કોર્પોરેશનના અનામત પ્લોટમાંથી પાંચ ગેરકાયદે બાંધકામોનો કડુસલોઃ ૪પ કરોડની જમીન ખુલ્લી

૧૫૦ ફુટ રીંગ રોડ-શિતલ પાર્ક ચોક વિસ્તારમાંથી ઓરડી અને કમ્પાઉન્ડ વોલ તોડી પડાઇઃ પોપટપરા આવાસ યોજના વિસ્તારમાંથી બે ઓરડી, છાપરા અને ફેન્સીંગના દબાણો દુર કરાયા

રાજકોટ, તા., ૨: મ્યુનીસીપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ  વિભાગ દ્વારા આજે શહેરના વોર્ડ નં. ૨ અને ૩ ના ૧પ૦ ફુટ રીંગ, શિતલ પાર્ક, પોપટ પરા રેલનગર આવાસ યોજના વિગેરે સ્થળોએ ટીપી સ્કીમના અનામત પ્લોટમાંથી ગેરકાયદે ચણતર કરાયેલ કંમ્પાઉન્ડ વોલ, છાપરા, ઓરડીઓ અને ફેન્સીંગના દબાણો દુર કરી કુલ ૧ર૬૦૧ ચો.મી. જમીન કે જેની અંદાજીત કિંમત રૂ. ૪પ.ર૦ કરોડ જેટલી થાય છે. તેને ખુલ્લી કરાવી હતી.

આ અંગેે ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ આજે સવારે વોર્ડ નં. ર ની ટીપી સ્કીમ ૯ના મૂળ ખંડ નં. ૩ર/૭ હેઠળ  ૧પ૦ ફુટ રીંગ રોડ પરથી કમ્પાઉન્ડ વોલ અને ઓરડીને તોડી પાડી ૧પ૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી. તેવી જ રીતે વોર્ડ નં. રમાંથી શિતલ પાર્ક, ચોક પાસે રહેણાંક હેતુના વેચાણ માટેના અનામત પ્લોટમાંથી કંમ્પાઉન્ડ વોલ તોડી પાડી અને  પ૩૪૬ ચો.મી. જમીન ખુલ્લી કરાવઇ હતી.

આ ઉપરાંત વોર્ડ નં. ૩ માં ટીપી સ્કીમ નં. ર૩ હેઠળ સ્કુલ અને પ્લે ગ્રાઉન્ડના  ર પ્લોટમાંથી ર ઓરડીનું દબાણ દુર કરાયું હતું અને કુલ ર૭પપ ચો.મી. જમીન ખુલ્લી કરાવાયેલ. તેમજ આજ વિસ્તારમાંથી છાપરા તથા ફેન્સીંગના દબાણો દુર કરી ૩૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવેાયેલ.  વોર્ડ નં. ૩ ના ઉપરોકત તમામ દબાણો રેલનગર, પોપટપરા  આવાસ યોજના વિસ્તારમાં કોર્પોરેશનની માલીકીના અનામત પ્લોટમાંથી દુર કરાયા હતા.

આ દબાણ હટાવ કામગીરી મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાનીની સુચનાથી સેન્ટ્રલ ઝોન ટીપી વિભાગના અધિકારીઓ તથા જગ્યા રોકાણના સ્ટાફ દ્વારા હાથ ધરાઇ હતી.  સ્થળ ઉપર વિજીલન્સ પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો. જેથી કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. (૪.૧૦)

 

(3:32 pm IST)