Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

૬ સભ્યોની DDO પાસે ઓળખ પરેડ કરાવાશે,સામાન્ય સભા નહિ, હાઇકોર્ટમાં જ ધા નખાશે

જિલ્લા પંચાયતમાં પ્રમુખ પાસે પૂરતી બહુમતી હોવાનો અર્જુન ખાટરિયાનો દાવો

રાજકોટ તા. ર :.  જિલ્લા પંચાયતમાં વિપક્ષ ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખ સામે મૂકેલ અવિશ્વાસ દરખાસ્તને શાસક જુથના અગ્રણી પૂર્વ કારોબારી સભ્ય અર્જુન ખાટરીયાએ પડકારી છે.

જે સભ્યોની સહીનો વિવાદ છે તેને ટૂંક સમયમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રચાર માધ્યમો સમક્ષ ઓળખ પરેડ કરાવવાનું તેમજ બળાબળના પારખા માટે સામાન્ય સભા બોલાવવાના બદલે હાઇકોર્ટમાં ધા નાખવાનું નકકી કર્યુ છે. તેમના કહેવા મુજબ બાગીઓ અને વિપક્ષ પાસે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઇ શકે તેટલુ સંખ્યા બળ જ નથી.

અર્જુન ખાટરીયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે જે ર૪ સભ્યોના નામ અવિશ્વાસ દરખાસ્તમાં મૂકવામાં આવ્યા છે તેમાના ૬ સભ્યો અમારી સાથે છે. તેમની અગાઉની  અન્ય હેતુ માટેની સહીનો અવિશ્વાસ દરખાસ્તમાં ઉપયોગ કરાયો છે. અમે આ ૬ સભ્યો અમારી સાથે હોવાનો દાવો સાચો પૂરવાર કરવા ડી. ડી. ઓ. સમક્ષ ઓળખ પરેડ કરાવશું. વિપક્ષ ભાજપ જેને પોતાની સાથે ગણાવે છે તે ર૪ પૈકી ૧ર સભ્યો સામે પક્ષાંતર ધારાનો કેસ હાઇકોર્ટમાં પડતર છે. જેના  સભ્યપદ અંગે પણ અનિશ્ચિતતા છે તે અવિશ્વાસ દરખાસ્તમાં કઇ રીતે ભાગ લઇ શકે ? આ મુદે અમે હાઇકોર્ટમાં અરજી કરશું. ભાજપ સતાના જોરે જિલ્લા પંચાયત તોડવા માંગે છે. સભ્યોને ગુમરાહ કરવા પ્રયાસ કરે છે પણ સફળ થશે નહિં.

(3:47 pm IST)