Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભાજપ સરકારે ૭૦ વર્ષ જુની કલમ ૩૭૦ હટાવતા દેશવાસીઓ ખુશ : ભરત પંડયા

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા યોજાયુ પ્રબુધ્ધ સંમેલન

રાજકોટ જિલ્લા ભાજપ આયોજીત પ્રબુધ્ધ સંમેલનમાં ભરત પંડયાએ દીપ પ્રાગટય કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત છે.

રાજકોટ તા ૨  : જીલ્લા ભાજપ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે વરસાદી મોસમમાં વિશાળ સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે. સખીયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ સંમેલનનામુખ્ય વકતા ગુજરાત પ્રદેશ  પ્રવકતા શ્રી ભરતભાઇ ,ંડયા, તેમજ જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, જીલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતા પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠાીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, પ્રવીણભાઇ માંકડિયા, જનજાગૃતિ સંમેલનના સંયોજક રાજુભાઇ ધારૈયા,સહ-સંયોજક ચંદુભાઇ શિંગાળા ઉપસિથત રહી ભારતમાતાની પ્રતિમા સમક્ષ દિપપ્રાગટય કરી પ્રબુદ્ધ નાગરિક સંમેલનને ખુલ્લુ મુકયું હતું.

પ્રબુદ્ધ નાગરીક સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપા પ્રવકતાશ્રી ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, હ્રદય અને આત્માને ત્રણ વાત સ્પર્શતી હોય છે. ઇશ્વર સાધના, દેશભકિત અને જન સેવા થકી કોઇની ખુશીના ભાગીદાર બનીએ છીએ અને સેવા કર્યાનો આનંદ અનુભવીએ છીએ. કોંગ્રેસે કાશ્મીરમાં ૩૭૦મી કલમ નાખીને કાશ્મીરના પ્રશ્નને પેચીદો બનાવ્યો હતો. જેને ભારતીય જનતા પાર્ટીની સરકારે ૭૦ વર્ષ જુનો કાયદો હટાવીને ભારતની દેશપ્રેમી જનતાને ખુશી મળી છે, ૩૭૦ અને ૩૫-એ કલમ હટાવ્યો એટલે આપણે ૭૦ વર્ષ જુના પાસવર્ડને હટાવ્યો છે.

''જહા હુએ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હૈ'' ભાજપાની લડાઇ આંતકવાદ સામેની લડાઇ છે. આંતકવાદને ખતમ કરવા ૩૭૦ નાબુદ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તથા મહામંત્રી અમિતભાઇ શાહે ઐતિહાસીક નિર્ણય લઇને આજે કાશ્મીરમાં શાંતિ સ્થપાય છે, જેનાથી આપણું નેતૃત્વ વિશ્વમાં સરાકત બન્યું છે. ભારત વિશ્વગુરૂ બનવાની દિશામાં જઇ રહ્યું છે. ૩૭૦ જે સરદર્દ હતું તે આજે ''મુકુટ'' બન્યું છે.આ તકે પ્રભારી પ્રકાશભાઇ સોનીએ સંગઠનાત્મક માહિતી તથા બુથ સમિતીની કામગીરીની છણાવટ તેમજ ૩૭૦ કલમ અંગેની સમજ આપી હતી.

જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડી.કે. સખીયાએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહએ ૩૭૦ અને ૩૫-એ કલમને દુર કરીને કાશ્મીરમાં શાંતિ સ્થાપી છે. કાશ્મીરની પ્રજા આજે સુખ-ચેનથી રહી શકે છે.

ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટે પ્રદેશના આગામી કાર્યક્રમોની માહીતી આપી હતી. રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપાના સંગઠનાત્મક કાર્યક્રમો હોય કે સરકારના નિર્ણયાત્મક નિર્ણયોને આવકારતા કાર્યક્રમોને સફળતાપુર્વક પાર પાડીને તમામ કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહી ભાજપાના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી છે.

સંમેલનની વ્યવસ્થા અલ્પેશભાઇ અગ્રાવત, હિરેનભાઇ જોશી, દીપકભાઇ ભટ્ટ, જયેશભાઇ પંડયા, અમૃતલાલ દેવમુરારી, દિનેશભાઇ વિરડા, વિવેક સાતા, ઉત્સવ મહેતા, કિશોર ચાવડાએ સંભાળી હતી. તેમ જીલ્લા મિડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ જણાવે છે.

(3:41 pm IST)