Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

શુક્રવારથી રેસકોર્ષમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ

બંગાળની સંસ્કૃતિ રાજકોટમાં જીવંત થશે : સાત પ્રકારના ખાસ કલ્પ : દેશભરમાં ઉજવાશે : દશેરાએ મૂર્તિ વિસર્જન

રાજકોટ તા. ૨ : બંગાળી એસોસીએશન રાજકોટ દ્વારા તા. ૪ થી તા. ૮ સુધી બાલભવન, નરભેરામ ઓપન એર થીયેટર (રેસકોર્ષ) ખાતે ૪૭ મા દુર્ગા મહોત્સવનું આયોજન થયુ છે. આ પ્રસંગે દેવી પુજાનાં સાત પ્રકારના ખાસ કલ્પ હોય છે. તે પૈકી પહેલા કલ્પમાં તા. ૪ ના બોધન પુજા આગમનની છે. આદ્રા નક્ષત્રમાં આ બોધન એટલે ઉદબોધન દેવી દુર્ગાના આગમનની તૈયારી રૂપે પુજા અર્ચના કરવી તેવું થાય છે. આ ઉત્સવ દરમ્યાન સવાર સાંજ પૂજા, અર્ચના, અંજલી અને સંધ્યા આરતી દ્વારા સમગ્ર માહોલને ભકતિમય બનાવવામાં આવે છે. જાણે કે બંગાળની સંસ્કૃતિ રાજકોટ અને આખાય ગુજરાત ભરમાં ઉભરી આવશે.

આ મહોત્સવ નિમિત્તે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખાલેશ્વરાનંદુજી દ્વારા તા. ૪ ના શુક્રવારે રાત્રીના ૮.૩૦ કલાકે મહોત્સવના પ્રારંભમાં શ્રી શ્રી મા દુર્ગાની સ્તુતિ અન્વયે ધાર્મિક પ્રવચન આપશે. પ્રવચનમાં સર્વે જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. સાથોસાથ શ્રી મા દુર્ગાના આગમનને વધામણી કરવા પૂજા વિધિ રાખવામાં આવેલ છે. જેને બોધન આગમની, અધિવાસની વિધિ કહેવાય છે.

માં દુર્ગાની અજોડ પ્રતિમા (મૂર્તિ) રાજકોટમાંજ કોલકતાથી આવેલ ખાસ કારીગર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ વખતે માં દુર્ગાની મુર્તિને અનોખા રૂપથી તૈયાર કરવામાં આવેલ છે. આ ઉત્સવ દરમ્યાન બંગાળી પરિવારો દ્વારા તા.૫ થી તા.૭ સુધી દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. તા.૮ ના મંગળવારે દશેરા નિમિત્તે શ્રી શ્રી માં દુર્ગાની મૂર્તિનું વિસર્જન બપોરના ૪ વાગ્યે કરાશે.  સમગ્ર મહોત્સવને સફળ બનાવવા બંગાળી એસોસીએશન રાજકોટના હોદેદારો સર્વ દીલીપ સરકાર (પ્રમુખ), અતનુ દત્તા (ઉપપ્રમુખ), દુર્ગેશકુમાર નાથ

(મા.મંત્રી), દિપક દાસ (જોઇન્ટ સેક્રેટરી) સુકુમાર ઘોષ (જોઇન્ટ સેક્રેટરી), અભિજીત બકસી (ટ્રેઝરર), સોમનાથ પાલ તેમજ અશીમ ચેટર્જી, શ્યામલ સાસમલ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલા સભ્યોમાં શ્રીમતિ છંદા પાલ, ડો. સુષ્મિતા ગાંગુલી, શ્રીમતિ કાકોલી સાલમલ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. આ સાર્વજનિક દુર્ગા મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા બંગાળી એસો. દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

(3:40 pm IST)