Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કરેલા કર્મોની સજા ભોગવવી જ પડે...રાજકોટ જેલમાંથી મુકત થયેલા ૧૬ કેદીઓનું કથનઃ વહેલા છૂટ્યાનો હરખ

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમીતે રાજ્ય સરકારનો સજા માફીનો નિર્ણય : રાજ્યની જેલોમાં ૬૬ ટકા સજા ભોગવી ચુકેલા ૧૫૮ કેદીઓને સજા માફીઃ ૧૬માંથી ૬ કેદીઓ રાજકોટનાઃ જેલની સ્વચ્છતાના પણ કેદીઓએ વખાણ કર્યા

સજા માફી થતાં રાજકોટ જેલમાંથી બહાર આવેલા ૧૬ કેદીઓ અને માહિતી આપનારા જેલર શ્રી દેસાઇ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨: મહાત્મા ગાંધીજીની આજે ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે સંવેદના ભર્યો અભિગમ દાખવી  ૧૫૮ કેદીઓને રાજય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો હતો. ૬૬ ટકા જેટલી સજા ભોગવી ચુકેલા મોટી વયના કેદીઓને અલગ-અલગ જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતાં. તે પૈકી રાજકોટ જેલમાંથી આવા ૧૬ કેદીને બાકીની સજા માફ કરી જેલ મુકિત આપવામાં આવતાં આ કેદીઓમાં હરખ છવાઇ ગયો હતો. બહાર નીકળેલા કેદીઓએ સરકારનો આભાર વ્યકત કરી જેલ અધિકારીઓ અને સ્ટાફના વખાણ કર્યા હતાં અને પોતાને મુકિત મળ્યાનો આનંદ વ્યકત કરી હવે પછી ગુનાખોરીના માર્ગેથી દુર રહેશે તેવો સંકલ્પ વ્યકત કર્યો હતો. એક કેદીએ કહ્યું હતું કે કરેલા કર્મોની સજા ભોગવવી જ પડે છે, તો અન્ય કેદીઓએ કહ્યું હતું કે ગાંધીજી જેમ સ્વચ્છતાના હિમાયતી હતાં તેમ રાજકોટ જેલની સ્વચ્છતા પણ વખાણવા લાયક છે.

ગૃહ અને જેલ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજય માફી આપવામાં આવી છે. તે અંતર્ગત અગાઉ બે તબક્કામાં આવા કુલ ૨૨૯ કેદીઓને રાજય માફી આપી જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતાં. રાજય માફી મળવાપાત્ર હોય તેવા કેદીઓને મુકત કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને ગુજરાતના રાજયપાલશ્રીની અનુમતિ મળતાં હવે આજે ગાંધી જયંતિના દિવસે વધુ ૧૫૮ કેદીઓને જેલમુકત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ સાથે કુલ ૩૮૭ કેદીઓને રાજય માફીનો લાભ આપવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધીજીએ કારાવાસના કેદીઓ પણ મુકિત બાદ સમાજમાં પૂનઃપ્રસ્થાપિત થઇને સ્વમાનભેર બાકીનું જીવન જીવી શકે તેવા આશયને ફળીભૂત કરવા  વિજયભાઇ રૂપાણીએ આ માનવીય અભિગમયુકત નિર્ણય કરેલો છે તેમ શ્રી જાડેજાએ જણાવ્યું છે.ઙ્ગસરકારના આ નિર્ણય અંતર્ગત રાજકોટ જેલમાંથી ૧૬ કેદીઓને આજે મુકિત આપવામાં આવી હતી.

જેલ ઇન્ચાર્જ શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે વિવિધ ગુનામાં સજા ભોગવી રહેલા ૧૬ કેદીઓને સરકારશ્રીના નિર્ણય અનુસાર વહેલા મુકત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં વાસુભાઇ રવાભાઇ, મનજીભાઇ જેઠાભાઇ, શબ્બીર મહમદહુશેન સરધારવાળા, આસિફમિંયા મકબુલમિંયા કાદરી, યુસુફ ઉમરભાઇ, જીવરાજભાઇ બીજલભાઇ વાઢીયા, પ્રફુલભાઇ નારણભાઇ ધાણક, સંજય પાલાભાઇ પરમાર, ફિરોઝ અબુભાઇ, પ્રવિણ ઉર્ફ પરેશ ધનજીભાઇ, હેમંત હરિભાઇ વાઘેલા, જગદીશ બેચરભાઇ ચોટલીયા, પોલાભાઇ બેચરભાઇ સોલંકી, અકબરસિનગોર કથીરી, દિલીપ મગનભાઇ રાઠોડ અને મુકેશ સોનાજીભાઇ જીલવાણીયાનો સમાવેશ થાય છે. આ કેદીઓએ ૬૬ ટકા જેટલી સજા કાપી લીધી હોઇ તેમને જેલ મુકત કરાયા છે.

(3:33 pm IST)