Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વરસાદી વિરામ : દેશમાં સપ્તાહ બાદ ચોમાસાને બાય... બાય...

સિવાય કે કયાંક ઝાપટા વરસી જાય : તા.૬ સુધી સવારે ભેજ રહેશે, પશ્ચિમી પવન ફૂંકાશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨ : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત ઉપર સિસ્ટમ્સ આવી હતી તે લોપ્રેશર પૂર્વ એમ.પી. ઉપર અને તેના આસપાસ વિસ્તારમાં તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૪.૫ના લેવલ સુધી છે. એક ટ્રફ ૦.૯ કિ.મી.ના લેવલે પંજાબથી આસામ સુધી જાય છે અને તે ટ્રફની અંદર ત્રણેક અપરએર સાયકલોનીક સરકયુલેશન અલગ અલગ લેવલે સામેલ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન, અફઘાનિસ્તાન નજીક ૧.૫ કિ.મી.ના લેવલે છે. બીજુ પશ્ચિમ જમ્મુ કાશ્મીર ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૨ થી ૯ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તા.૬ સુધી સવારે ભેજનું પ્રમાણ રહેશે. જનરલ વાતાવરણમાં તડકો જોવા મળશે. જયારે દિવસના મધ્યમ રહેશે. તા.૭ થી ૯ (સવારે અને દિવસ દરમિયાન) ભેજનું પ્રમાણ ઘટી જશે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં કયાંક કયાંક છુટાછવાયા ઝાપટા પડી શકે. વલસાડથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીના વિસ્તારમાં હળવો મધ્યમ વરસી શકે.

સામાન્ય રીતે ચોમાસુ વિદાય માટે મુખ્ય ત્રણ પરિબળો જોવામાં આવતા હોય છે. જે (૧) ઉત્તર પશ્ચિમ ભારતના પશ્ચિમ ભાગોમાં (પશ્ચિમ રાજસ્થાન) સળંગ પાંચ દિવસ વરસાદની ગેરહાજરી (૨) ૧.૫ કિ.મી.ના લેવલે નોર્થ વેસ્ટ ઈન્ડિયામાં એન્ટી સાયકલોનીક સરકયુલેશન હોવુ જોઈએ. (અપરએર સાયકલોનીક સરકયુલેશન થી ઉંધુ) (૩) આ વિસ્તારમાં સેટેલાઈટમાં ભેજનું પ્રમાણ ઘટી જવુ જોઈએ. હાલના અનુમાનો મુજબ હજુ આ બધા પરિબળો આગાહી બાદના સમયમાં પૂરો થાય પછી થવાની શકયતા છે.

(3:03 pm IST)