Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

નવરાત્ર વ્રતનું શાસ્ત્રોકત મહાત્મ્ય

કોઇપણ ધર્મ કાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાના મહત્વ વિશે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧૬, શ્લોક ર૩ અને ર૪માં આજ્ઞા આપી છે. તેથી નવરાત્રના વ્રત વિશે પણ શાસ્ત્રની આજ્ઞા જાણવી જોઇએ.

તા. ર૯/૯/ર૦૧૯થી તા. ૭/૧૦/ર૦૧૯ શારદીય નવરાત્રીનું વ્રત કરવામાં આવે છે.

નવરાત્રના વ્રત વિશે શાસ્ત્રમાં પ્રમાણઃ- શ્રીમદ્ ભગવતી ભાગવતના સ્કંધ ત્રીજામાં અધ્યાય ર૬ થી ૩૦ અંતર્ગત નવરાત્રના વ્રત વિશે માહિતી આપવામાં આવે છે. જેમાં જન્મેજય રાજાના પૂછવાથી શ્રી વેદ વ્યાસ ભગવાન નવરાત્રના વ્રત વિશે કહે છે.

નવરાત્રના વ્રત વિશે શ્રી વેદ વ્યાસની આજ્ઞાઃ હે રાજન ! વસંત ઋતુ અને શરદ ઋતુમાં નવરાત્રનું વ્રત ખાસ વિધિપૂર્વક અવશ્ય કરવું જોઇએ. કારણ કે આ બંને ઋતુઓ 'યમની દાઢ' એ નામે સર્વલોકમાં કહેવાય છે. આ લોકમાં તે બંને ઋતુઓ પ્રાણીઓ માટે વિતાવવી કઠીન ગણાય છે. તેથી મનુષ્યએ આ વ્રત કાળજીથી કરવું જોઇએ.

ચૈત્ર અને અશ્વિન માસમાં ભકિતપૂર્વક ચંડિકા દેવીનું પૂજન કરવું જોઇએ.

નવરાત્ર વ્રત વિધિઃ વ્રત કરનાર મનુષ્યએ વ્રતના આગલા દિવસે (અમાવસ્યાએ) એક વાર સાદુ અને હલકુ જમવું.

નવરાત્રના પ્રથમ દિવસે ઘરે અથવા તિર્થ સ્થળે વિધિપૂર્વક સ્નાન કરવું.

દેવીની સૌમ્ય, અત્યંત સુંદર, શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરતાં સિંહ ઉપર બેઠેલા રત્નો મોતીના હારથી શોભાતા ચંદ્રજગોથી સ્તવન કરાતા શ્રી દેવીને સિંહાસન પર સ્થાપવા અથવા અઢાર ભુજાવાળા સનાતની દેવીને પૂજા માટે લઇ શકાય.

દેવીના પાઠ કરવા માટે નવ, પાંચ, ત્રણ કે એક બ્રાહ્મણ કહેલ છે.

પ્રથમ ઉપવાસ, રાત્રિ ભોજન અથવા દિવસમાં એક વખત ભોજનનો નિયમ લેવો પૂજા કરવી અને શ્રી શિવાદેવીને આમ પ્રાર્થના કરવી.

હે માતા ! હું સર્વોતમ નવરાત્ર વ્રત કરીશ, માટે હે માતા ! હે દેવી જગદંબા! તમે મને સંપૂર્ણ સહાય કરજો.

શ્રી દુર્ગામાતાનું પૂજનઃ ચંદન, અગરૂ, કપુર, કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના પુષ્પો, સુંદર બિલ્લીપત્ર, ધૂપ તથા દિપકો વડે વિધીથી માતાજીનું પૂજન કરવું.

શ્રી દુર્ગા માતાને નાળીયેર, બીજોરા, દાડમ, કેળા, નારંગી, ફણસ, બીલા તથા ઋતુ અનુસાર અમૃત જેવા સ્વાદિષ્ઠ ફળો અર્પણ કરવાં.

કુમારીકાઓનું પૂજન કરવું.

નવરાત્ર વ્રતમાં કુમારીકાઓનું પૂજનઃ શ્રી વેદ વ્યાસ કહે છે કે, બે વર્ષથી લઇને દશ વર્ષ સુધીની કન્યાને પૂજનમાં લેવી.

જેમાં બે વર્ષની કન્યાને કુમારીકા કહી છે.

કુમારીકાના પુજનનો મંત્રઃ જે દેવી કુમારના તત્વોને અને બ્રાહ્મણાદિ દેવોને લીલાથી સરજે છે તે કુમારીકા દેવીનુ હું પૂજું છું.

ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂરત કહી છે.

ત્રિમૂરતના પુજનનો મંત્રઃ- જે શકિત સ્વરૂપવાળા માતા સત્વ વગેરે ત્રણ મૂર્તિવાળા તે જ ગુણો વડે અનેક સ્વરૂપોથી મુકત અને ત્રણેય કાળમાં વ્યાપ છે તે ત્રિમૂર્તિરૂપ દેવીને હું પૂજું છું.

ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહી છે.

કલ્યાણીના પૂજનો મંત્રઃ- હંમેશાા પૂજેલા જે દેવી ભકતોનું કલ્યાણ કરનારા તથા કામનાઓ આપનાર છે તે કલ્યાણિ દેવીને હું ભકિતથી પૂજું છું.

પાંચ વર્ષની કન્યાને રોહિણી કહી છે.

રોહિણીના પુજનનો મંત્રઃ - જે દેવી સર્વ જીવોએ પૂર્વ જન્મમાં એકઠા કરેલા (કર્મરૂપ) બીજોને ઉગાડનાર છે, તે રોહિણીને હું પૂજું છું.

છ વર્ષની કન્યાને કાલીકા કહી છે.

કાલીકાના પૂજનનો મંત્રઃ- જે કાલીકાદેવી સૃષ્ટિના પ્રણ્ય સમયે સ્થાવર-જંગમ સહિત સર્વ બ્રહ્માંડોનો નાશ કરે છે તે કાલીકાને હું પૂજું છું.

સાત વર્ષની કન્યાને ચંડિકા કહી છે.

ચંડિકાના પૂજનનો મંત્રઃ જે ચંડિકા દેવી ઉગ્ર પાપોનો હરનારા છે તે ચંડિકાદેવીને હું પૂજું છું.

આઠ વર્ષની કન્યાને શાંભવી કહી છે.

સાંભવી દેવીના પૂજનો મંત્રઃ- જે દેવી સ્વરૂપ વેદોએ દેવીની ઉત્પતિ અકારણથી કહી છે જેમની ઉત્પતિ પોતાની જ છે, બીજા કોઇ કારણથી નથી તે સુખ આપનારા શાંભવી દેવીને હું પૂજું છું.

નવ વર્ષની કન્યાને દુર્ગા કહી છે.

દુર્ગા દેવીના પૂજનોદ મંત્રઃ- જે દેવી ભકતોને પડેલી મુશ્કેલી પડાઓનો નાશ કરનારા તથા ભકતોનું સદા રક્ષણ કરનારા છે તથા સર્વ દેવોને જે જાણવા મુશ્કેલ છે તે દુર્ગાદેવીને હું પૂજુ છું.

દશ વર્ષની કન્યાને સુભદ્રા કહી છે.

સુભદ્રા દેવીના પૂજનનો મંત્રઃ- પૂજેલા જે દેવી સદા ભકતોના શ્રેષ્ઠ કલ્યાણ કરે છે તથા અગણિતનો સદા નાશ કરે છે તે સુભદ્ર દેવીને હું પૂજું છું.

આ નવ મંત્રો નવ કન્યાઓના પુજન વખતે બોલવાના છે.

આ મંત્રો વડે મનુષ્યઓેએ વસ્ત્રો, અલંકારો, પુષ્પો તથા જાતજાતના સુગંધી દ્રવ્યો તથા પદાર્થોથી કન્યાઓનું પૂજન કરવું તથા અન્નદાન વગેરે દાન આપવું.

પૂજનમાં રોજ એક કન્યા વધારતા જઇ પૂજવી અથવા રોજ બે ગણી કે ત્રણ ગણી કન્યા વધારવી અથવા રોજ નવ-નવ કન્યાઓનું પૂજન કરવું.

ખૂબ ભકિતથી પૂજન કરનારને શ્રી દુર્ગામાતાની કૃપાથી ધર્મ, અર્થ, કામથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થઇ શકે છે.

અશકત મનુષ્યો માટે નવરાત્ર વ્રતઃ શ્રી વેદ વ્યાસ કહે છે ''હે રાજન! નવરાત્રના વ્રતમાં (દરરોજ) ઉપવાસ કરવાં પણ જેઓ અશકત હોય તેઓ માટે (આંતરે આંતરે) ત્રણ ઉપવાસો કહૃયા છે. તે પણ શાસ્ત્રોમાં કહયાં મુજબનું ફળ આપે છે.

સાતમ, આઠમ, અને નોમના દિવસે ખૂબ ભકિતભાવ તથા શ્રધ્ધાથી શ્રી દુર્ગામાતાનું પૂજન કરવાથી સર્વ ફળ મળે છે.

નવરાત્ર વ્રતનું ફળઃ પૂજા, હોમ, કુમારીકાઓનું પૂજન તથા બ્રહ્મભોજન કરવવાથી આ વ્રત સંપૂર્ણ થયેલું કહેવાય છે. શ્રી વેદ વ્યાસ કહે છે કે, આ વ્રત સ્વર્ગદાયી તથા ધનધાન્ય, સુખ, આરોગ્ય, વિર્ધા, યશ, સૌભાગ્ય આપનાર છે, તેથી મનુષ્યએ આ વ્રત શાસ્ત્રવિધિ મુજબ ખૂબ શ્રધ્ધા ભકિતપૂર્વક શ્રી દુર્ગામાતાનું આ કલ્યાણકારી નવરાત્ર વ્રત કરવું.

સંકલનઃ નિશીથ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલ્ટન્ટ અને એસ્ટ્રોલોજર

(1:27 pm IST)