Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કે. ટી. ચિલ્ડ્રન વોર્ડમાં કાયમી દવાબારી ચાલુ કરોઃ કોંગીના કુંડલીયાની રજૂઆત

તબિબી અધિક્ષક સત્વરે યોગ્ય ન કરે તો આંદોલનની ચિમકી

રાજકોટ તા. ૨: સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાયમી દવાબારી ખોલવા કોંગ્રેસના જાગૃત કાર્યકર કલ્પેશ કુંડલીયાએ રજૂઆત કરી છે. મુખ્ય દવાબારી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં છે જે બાળકોની હોસ્પિટલથી ઘણી દુર છે. આ કારણે બાળ દર્દીઓના સ્વજનોને ભારે હેરાન થવું પડે છે. બહારગામના દર્દીઓને તો દવા બારી શોધવામાં ઠેર-ઠેર ભટકવું પડે છે.

રજૂઆતમાં કુંડલીયાએ આગળ જણાવ્યું છે કે અગાઉ અહિ દવા બારી કાર્યરત હતી જ. પરંતુ હાલમાં કાયમી દવાબારીની સુવિધા નથી. કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં બાળ દર્દીનું તબિબ પાસે નિદાન કરાવાયા બાદ જે દવા લખી આપવામાં આવે છે તે લેવા માટે છેક ઓપીડી બિલ્ડીંંગ સુધી ધક્કો ખાવો પડે છે. બાળ દર્દીને લઇને જો એક જ વાલી આવ્યા હોય તો તેમને દવા મેળવવા માટે લાંબી કતારમાં ઘણો સમય ઉભા રહેવું પડે છે. આ વખતે બાળ દર્દીની હાલત પણ કફોડી થઇ જાય છે. આવું ન થાય એ માટે કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દવાબારી તાકીદે શરૂ કરવામાં આવે અને કાયમી ધોરણે આ દવાબારી યથાવત રહે તે માટે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા સત્વરે બાળ દર્દીઓના હિતમાં નિર્ણય લે તે જરૂરી છે. જો યોગ્ય નહિ થાય તો આંદોલનનો માર્ગ અપનાવતાં અચકાશું નહિ તેવી ચિમકી પણ કલ્પેશ કુંડલીયાએ ઉચ્ચારી છે. (૧૪.૧૨)

(1:25 pm IST)