Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

નવા થોરાળાની સર્વોદય સોસાયટીમાં જુના મનદુઃખને લીધે બઘડાટીઃ છરીથી હુમલો, સોડા બોટલોના ઘાઃ પાંચ ઘવાયા

ચેતન સારેસા, કરણ રાઠોડ, નિલેષ ખીમસુરીયા, મિતુલ ખીમસુરીયા અને દિલીપ રાઠોડે સારવાર લીધીઃ અવલો, સદામ, નવઘણ મેવાડા, શબ્બીર સહિતના બે વર્ષ પહેલાના ડખ્ખાનો ખાર રાખી તૂટી પડ્યા : વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવો પડ્યોઃ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો

જ્યાં માથાકુટ થઇ તે નવા થોરાળા સર્વોદય સોસાયટી રોડ, તથા ઘાયલ થયેલા પૈકીના બે યુવાન અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨: નવા થોરાળાની સર્વોદય સોસાયટીમાં મોડી રાત્રે સાડા બારેક વાગ્યે પાંચ યુવાનો પર ત્રણ મુસ્લિમ શખ્સ તથા એક ભરવાડ શખ્સે મળી છરી-તલવારથી હુમલો કરી તેમજ સોડા બોટલોના આડેધડ ઘા કરતાં પાંચેયને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બે વર્ષ પહેલા થયેલી માથાકુટનું મનદુઃખ રાખી આ હુમલો કરવામાં આવ્યાનું તપાસમાં ખુલતાં થોરાળા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ઘાયલ થયેલા પાંચ યુવાનોએ સારવાર બાદ વહેલી સવારે હોસ્પિટલમાંથી રજા લીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રોડ  વિસ્તારના સોહમનગર-૪માં રહેતો વણકર યુવાન ચેતન ભરતભાઇ સારેસા (ઉ.૨૧) તથા મિત્રો કરણ તરૂણભાઇ રાઠોડ (ઉ.૨૨), નિલેષ સવજીભાઇ ખીમસુરીયા (ઉ.૨૪), મિતુલ સવજીભાઇ ખીમસુરીયા (ઉ.૨૯) અને દિલીપ કિશનભાઇ રાઠોડ (ઉ.૨૦) રાત્રીના સાડા બારેક વાગ્યે નવા થોરાળા ન્યુ સર્વોદય સોસાયટી-૩માં મેઇન રોડ પર હતાં ત્યારે અવલો, સદામ, શબ્બીર અને નવઘણ મેવાડાએ આવી તલવાર-છરીથી હુમલો કરી ચેતનને હાથમાં, નિલેષને આંખ ઉપરના ભાગે, ીમતુલેન કાણી પાસે, પ્રવિણને જમણા હાથ ઉપર અને દિલીપને છાતીમાં છરકા જેવી ઇજા કરતાં પાંચેય સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને પ્રદિપસિંહે થોરાળા પોલીસને જાણ કરતાં પી.આઇ. બી. ટી. વાઢીયા, એએસઆઇ જે. કે. જાડેજા, દેવરાજભાઇ, પ્રવિણસિંહ જાડેજા તથા ડી. સ્ટાફની ટીમો વિસ્તારમાં અને હોસ્પિટલે દોડી ગયા હતાં. રોડ પર સોડા બોટલોના બેફામ ઘા થયા હોઇ અને દેકારો મચી ગયો હોઇ ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે મામલો થાળે પાડી ટોળા વિખેર્યા હતાં અને સવાર સુધી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

હોસ્પિટલના બિછાને પહોંચેલા પાંચ પૈકીના ચેતન સારેસાની ફરિયાદ પરથી અવલા સહિતના ચારેય સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ચેતને ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા તેને અવલો, સદામ સહિતના સાથે વારંવાર માથાકુટ થઇ હતી. દરમિયાન ગઇકાલે રાત્રે સાડા દસેક વાગ્યે ચેતન સોરઠીયા વાડી સર્કલ પાસે હતો ત્યારે ત્યાં અવલા સહિતને જોઇ જતાં તે ભાગીને મિત્રોના ઘર તરફ નવા થોરાળા સર્વોદયમાં આવી ગયો હતો. એ પછી રાત્રીના સાડા બારેક વાગ્યે ચેતન સહિતના સર્વોદય-૩માં હતાં ત્યારે અવલો, સદામ, નવઘણ અને શબ્બીર આવ્યા હતાં અને ગાળો ભાંડી 'તું કેમ સોરઠીયા વાડી સર્કલ પાસેથી ભાગીગયો?' તેમ કહી ગાળો દેતાંગાળો બોલવાની ના પાડતાં તેના પર તલવારનો ઘા કરાયો હતો.

ચેતનને બચાવવા બીજા ચાર યુવાનો વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરવામાં આવ્યા હતાં અને સોડા બોટલોના ઘા કરવામાં આવ્યા હતાં. તેમજ ટોળા ભેગા થતાં હુમલાખોરો ભાગી ગયા હતાં અને જતાં-જતાં જો હવે તું મારી સામે આવીશ તો જાનથી મારી નાંખીશ...તેવી ધમકી પણ આપતાં ગયા હતાં. એસસીએસટી સેલના એસીપીશ્રી એસ. ડી. પટેલની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(1:24 pm IST)