Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

તા. ૮મીએ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં : નમો ઇ-ટેબલેટનું વિતરણ

મુખ્યમંત્રી બાદ સૌ પ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંગણે સત્તાવાર મુલાકાત લેશે : થનગનાટ યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ કરાવશે : હજારો છાત્રો ઉપસ્થિત રહેશે : કુલપતિ નિલાંબરીબેનના વડપણ હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસંસ્કૃતિ અને સંસ્કારોના વારસાની જાળવણી માટે તેમજ યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ઙ્ગ આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૪૮મો યુવક મહોત્સવ 'થનગનાટ ૨૦૧૮' આગામી તારીખ ૮ ૯ અને ૧૦ ઓકટોબરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮મા યુવક મહોત્સવનું ઉદઘાટન તારીખ ૮ ઓકટોબરના રોજ સવારે ૯.૩૦ કલાકે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થનાર છે. જેમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી બિહારીભાઇ હેમુભાઇ ગઢવી તેમજ હસ્યસમ્રાટ શ્રી ધીરૂભાઈ સરવૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ યુવક મહોત્સવમાં વિવિધ ૩૩ જેટલી સ્પર્ધાઓમાં આશરે ૩૨૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે. યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં આ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જુદી જુદી ૩૩ જેટલી સ્પર્ધાઓમાં જે તે ક્ષેત્રના તજજ્ઞશ્રીઓ નિર્ણાયક તરીકેની સેવાઓ આપશે.

આ યુવક મહોત્સવમાં યુવક મહોત્સવની સાથે-સાથે ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા ૧૦૦૦ ના ટોકન દરે નમો ઈ ટેબલેટનું વિતરણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી-જુદી કોલેજોનાઙ્ગ આશરે ૩૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આ ટેબલેટ યોજનાનો લાભ મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ યુવક મહોત્સવને સફળ બનાવવા સિન્ડિકેટ સભ્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓની મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ઙ્ગયુવક મહોત્સવમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધકો ભાગ લે તેના માટે પ્રથમવાર કોલેજોમાં 'ફલેસ મોબ'નું આયોજન તેમજ દરેક વિદ્યાર્થીઓને યુવક મહોત્સવની માહિતી સરળતાથી પ્રાપ્ય બને તે માટે પ્રથમવાર એસ.એમ.એસ, વોઈસ કોલ તેમજ વોટ્સ એપ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના મોબાઈલમાં યુવક મહોત્સવની માહિતી પ્રાપ્ય બનશે.

આ યુવક મહોત્સવમાંઙ્ગ આવનાર તમામ વિદ્યાર્થીઓ ને યુનિવર્સિટી દ્વારાઙ્ગ'ફૂડ પેકેટ' આપવામાં આવશે.

આ યુવક મહોત્સવનું લાઈવ વેબકાસ્ટિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ www. saurashtrauniversity.edu પરથી કરવામાં આવશે.

(4:04 pm IST)