Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ધારાસભ્યો-કોર્પોરેટરોના ગજવા ભરી દેવાયા અને લોહી રેડી સફાઇ કરનારા વાલ્મિકી સમાજનું આર્થિક શોષણ

મિત્ર મંડળનાં સફાઇ કામદારોને લઘુતમ વેતન આપોઃ કામદાર યુનિયનની માંગ

મિત્ર મંડળનાં સફાઇ કામદારોનું આર્થિક શોષણ બંધ કરવાની માંગણી અંગે રાજકોટ કામદાર યુનિયનનાં હોદેદારોએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો રજૂ કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : વિક્રમ ડાભી)

રાજકોટ તા. ર :.. સફાઇ કામદારોને લઘુતમ વેતનની માંગ રાજકોટ કામદાર યુનિયને ઉઠાવી છે. આ અંગે યુનિયનનાં હોદેદારોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે   તાજેતરમાં ધારાસભ્યો અને કોર્પોરેટરોનાં માનદ વેતન અને ભથ્થા વધારી દેવાયા છે. જયારે લોહી રેડીને સફાઇ કરતાં વાલ્મિકી સમાજનાં કામદારોનું હજૂ આર્થિક શોષણ થઇ રહ્યુ છે તે બંધ થવુ જોઇએ.

આ અંગે યુનિયનની યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ મહાનગર પાલિકામાં ૯ વર્ષથી ૧૫૦ મિત્ર મંડળો સફાઇ કામ કરી રહયા છે. જેમાં આશરે ૧૫૦૦ સફાઇ કામદારો જોડાયેલા છે. નવ નવ વર્ષથી પોતાની કામગીરી પુરી નિષ્ઠા અને ઇમાનદારીથી કરવા છતાં હજી સુધી તમામ સફાઇ કામદારો લઘુતમ વેતનથી વંચિત છે. જયારે તંત્રને મોટા કોન્ટ્રાકટરો સાથે લઘુતમ વેતન આપવામાં કોઇપણ જાતનો વાંધો નથી. જો વાંધો હોય તો ફકત મિત્ર મંડળના સફાઇ કામદારો સાથે. કારણ કે રા.મ.ન.પા દ્વારા ૨૦૧૦માં મિત્ર મંડળની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી રૂ. ૧૦૦/- અને ૨૦૧૪ થી હાલ સુધી રૂ. ૧૨૦/- રોજ ચુકવવામાં આવે છે. જે લઘુતમ ધારા મુજબ ખુબ જ ઓછો છે. નામદાર કોર્ટ દ્વારા ૨૦૧૬માં સમાન કામ અને સમાન વેતનની જોગવાઇ કરવામાં આવી છતાં તમામ નીતિ-નિયમોને નેવે મુકીને રા.મ.ન.પા. દ્વારા સફાઇ મિત્ર મંડળના કામદારોને રૂ. ૧૨૦/- આપીને અન્યાઇ થઇ રહયો છે. નિવેદનમાં જણાવ્યું છેકે હાલ રા.મ.ન.પા. દ્વારા ૧૮ વોર્ડના કોર્પોરેટરના પગાર અને ભથ્થામાં આશરે ૪૦૦% જેટલો વધારો કરવામાં આવ્યો જેમાં રૂ. ૧૫૦૦૦/- જેવો ભારે પગાર આપવામાં આવશે. કોઇપણ કોર્પોરેટર દ્વારા આ પગારનો વિરોધ કરવામાં આવ્યો નથી. એટલું જ નહી જનરલ બોર્ડની મીટીંગમાં પણ હાજરી પુરાવીને જતા રહે છે તેવા કોર્પોરેટરોને પગાર તો મળશે જ. જયારે બીજી તરફ સફાઇ મિત્ર મંડળોમાં કામ કરતા કામદારો જો એક પણ દિવસની રજા પાડવામાં આવે તો તેનું રોજ તાત્કાલિક કાપી લેવામાં આવે છે. ત્યારે આવો અન્યાય દલિત વાલ્મિકી સફાઇ કામદારો  સાથે શું કામ ? આ ઉપરાંત હાલમાં ગુજરાતના તમામ ધારાસભ્યોનો તગડો પગાર વધારો કરવામાં આવ્યો જેમાં રૂ.૧.૧૬ લાખથી ૧.૩ર લાખ જેવો જંગી પગાર આપવામાં આવશે. જેમાં એક પણ ધારાસભ્યએ પગાર વધારાનો વિરોધ કરવામાં આવ્યો નથી. જયારે સફાઇ કામદારો કામ કરી રહ્યા છે. તે લોકોને નથી પી.એફ. આપવામાં આવતો નથી. ઇ.એસ.આઇ. આપવામાં આવતો નથી લઘુતમ વેતન આપવામાં આવતુંફકત રૂ. ૧ર૦ જેવુ મામુલી વેતન આપવામાં આવે છે. અને તંત્ર દ્વારા નવા નવા ફતવા દ્વારા મિત્ર મંડળને બંધ કરવા હાલ તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં તંત્રએ એવો ઉલ્લેખ કર્યો છેકે અમુક મિત્ર મંડળ દ્વારા તેઓના સભ્યોને સમયસર પેમેન્ટ ચુકવવામાં આવતુ નથી તેમજ તેઓની કામગીરી બંધ કર્યાબાદ તેઓના સભ્યોને પેમેન્ટ ચુકવવાની ફરીયાદો ધ્યાનમાં આવેલ છે તેથી આ તમામ કાર્યરત મિત્ર મંડળો પાસેથી રૂ.૧૦,૦૦૦ જેવી જંગી રકમ બેંકના ફીકસ ડીપોઝીટમાં જમા કરવાની રહશે. ત્યારે જો તંત્ર આ રીતે પોતાની જીદ ઉપર ઉભો રહેશે તો તમામ મિત્ર મંડળો દ્વારા સફાઇ કામગીરી બંધ કરી રસ્તાઓ ઉપર ઉતરીને વિરોધ કરવામાં આવશે. આથી રાજકોટ મહાનગર પાલીકાના સત્તાધીશો અને અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રશ્નને ગંભીરતાથી લઇ યોગ્ય ન્યાય  આપી કામદારોને લઘુતમ વેતન આપવા માંગ છે.

(4:01 pm IST)