Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો : ફ્રેડી દારૂવાલા

ગુજરાતી ફિલ્મ 'સૂર્યાંશ'માં એકશન, ડ્રામા, ઈમોશન બધુ જ જોવા મળશે : ફિલ્મના ડાયરેકટર કમલ પટેલ કહે છે આ ફિલ્મના એક ગીતને લાખો વ્યુઅર્સે નિહાળ્યું : અમદાવાદ, બાવળા, મુળીમાં શૂટીંગ : નવીન પ્રકારની ફિલ્મ દર્શકોને ગમશે : પાંચમી ઓકટોબરે સિનેમાઘરોમાં

રાજકોટ, તા. ૨ : વધુ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જો કે આ ફિલ્મ અન્ય ચીલાચાલુ ફિલ્મો કરતા જરા હટકે હશે. ''સૂર્યાંશ''ના એક ગીત રિલીઝ કરતા તેને યુ ટ્યુબ ઉપર લાખો વ્યુઅર્સ મળ્યાનો દાવો ડાયરેકટર શ્રી કમલ પટેલે કર્યો છે.

ગુજરાતી ફિલ્મ ''સૂર્યાંશ''ની ટીમ ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલ. આ તકે ડાયરેકટર શ્રી કમલ પટેલે જણાવેલ કે નવા ઝોનલ નવા વિચારો અને નવી સ્ક્રીપ્ટ સાથે ફિલ્મ બનાવવામાં આવી છે. તેઓએ જણાવેલ કે મહુવા કરીને એક ગીત રજૂ કરવામાં આવેલ. જેને માત્ર ૨૪ કલાકમાં ૧૦ લાખથી વધુ વ્યુઅર્સ મળ્યા. બીજુ એક ગીત આજે લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મમાં કુલ ચાર ગીતો છે. જે રિલીઝ અગાઉ લોન્ચ કરી દેવામાં આવશે. આ ફિલ્મમાં એકશન, ડ્રામા, ઈમોશન બધુ જ છે. અમદાવાદના પોળ વિસ્તારો, એલીસબ્રીજ, બાવળાના ફાર્મ હાઉસ, સુરેન્દ્રનગરના મુળી ગામે તેમજ જંગલના વિસ્તારોમાં શૂટીંગ થયું છે. દર્શકોને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મની સ્ટોરી કંઈક આવી છે.

કરણ એક બહાદુર અને પ્રામાણિક પોલીસ ઓફીસર છે. જે શહેરમાં થતા ગુનાઓને રોકવા તથા ગુનેગારોને પકડવાના મિશન પર હોય છે. શહેરમાં થતા ગુનાઓના કિંગ ગણાતા વિક્રમ રાણા, જે પોલીસની શંકાના ટોપ લીસ્ટમાં છે અને આ એ જ વ્યકિત છે જેને કરણ પોતાના ગુરૂ માને છે. કરણ શહેરમાં એક ખૂનની સાથોસાથ થઈ રહેલી અજીબ ઘટનાઓની પણ તપાસ કરે છે. જેમ જેમ તે તપાસ કરે છે તેમ તેમ તે વધારે જટીલ બનતુ જાય છે. તેણે જેટલા લોકો પર વિશ્વાસ કર્યો તે બધા જ લોકો ગુનામાં સામેલ હોય છે અને તેને તપાસનું કોઈ પરિણામ ના આવ્યું. કરણની આ સત્યની શોધમાં તેની સાથે એક પ્રેસ રીપોર્ટર અદિતિ તથા સબ ઈન્સ્પેકટર જહાંગીર ખાન જોડાય છે. તેથી આ ફિલ્મ એક થ્રીલરભરી રોલર કોસ્ટર રાઈડ છે. જેમાં એકશન, ડ્રામા, ઈમોશન, રહસ્ય અને એક એવો અંત જેની આગાહી કરવી મુશ્કેલ છે.

''સૂર્યાંશ'' ફિલ્મમાં એક પોલીસ ઓફીસરનું મુખ્ય પાત્ર ભજવનાર ફ્રેડી દારૂવાલાએ જણાવેલ કે આ ફિલ્મમાં મેં ખૂબ મહેનત કરી છે. ફિલમનું જેવું કેરેકટર છે તેવી જ મારી રીયલ લાઈફ પણ છે. આ અગાઉ હિન્દી ફિલ્મો હોલીડે, કમાન્ડો-૨, ફોર્સ, સલમાનની રેસ-૩ તેમજ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. મુળ સુરતના એવા ફ્રેડી જણાવે છે કે અગાઉના સમયમાં એક જ પ્રકારની ફિલ્મો બનતી. જયારે આજના જમાનામાં ગુજરાતીઓને ગમે તેવી ફિલ્મો બનવા લાગી છે. આગામી દિવસોમાં પણ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હશે.

આ ફિલ્મમાં હિરોઈનનું પાત્ર ભજવતી હિના આચ્છરાએ કહ્યું હતું કે મારી પ્રથમ જ મૂવી છે ફિલ્મમાં હું એક રીપોર્ટરની ભૂમિકા ભજવું છું. તેઓ મોડલ છે અને મોડેલીંગના અનેક વર્કશોપ કરી ચૂકયા છે. આ સાથે સહયોગી કલાકાર જય ભટ્ટ કે જેઓએ છેલ્લો દિવસ, શું થયું જેવી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે.

તસ્વીરમાં કલાકારો ફ્રેડી દારૂવાલા, હિના આચ્છરા, જય ભટ્ટ અને ડાયરેકટર કમલ પટેલ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:00 pm IST)