Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જીમ સંચાલક પ્રજાપતિ યુવાન મેહુલ ડાભીનો ફાંસો ખાઇ આપઘાતઃ ૨૨મીએ સગાઇ હતી

માલધારી સોસાયટીના ડાભી પરિવારમાં કલ્પાંતઃ સવારે બહેન ઉઠાડવા ગઇ ત્યારે ભાઇ લટકતો જોવા મળ્યોઃ કારણ બહાર ન આવ્યું

રાજકોટ તા. ૨: માલધારી સોસાયટીમાં રહેતાં જીમ સંચાલક પ્રજાપતિ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાનની આગામી ૨૨મી તારીખે સગાઇ થવાની હતી.

જાણવા મળ્યા મુજબ માલધારી સોસાયટીમાં રહેતાં મેહુલ ધનજીભાઇ ડાભી (ઉ.૨૬) નામના યુવાને એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલા અને હરપાલસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મેહુલ બે ભાઇ અને  એક બહેનમાં નાનો હતો. તેના ભાઇના કહેવા મુજબ મેહુલ મોરબી રોડ પર જીમ ચલાવતો હતો. તેની સગાઇ એક વર્ષ પહેલા નક્કી થઇ ગઇ હતી અને આગામી ૨૨મીએ સગાઇ કરવાની હતી. આજે સવારે બહેન તેને ઉઠાડવા માટે ગઇ ત્યારે તે લટકતો જોવા મળ્યો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:47 pm IST)