Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જંગલેશ્વરમાં ૩૫૭ કિલો ગાંજો જેમાં આવ્યો હતો તે ટ્રક સાથે ચાલક અખ્તર ઝડપાયો

અગાઉ ઝડપાયેલા વિજય, ચેતનસિંહ અને મુકેશગીરીની પુછતાછમાં માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચ-એસઓજીએ પકડી લીધો

રાજકોટ તા. ૨: જંગલેશ્વરમાંથી એસઓજીએ ૩૫૭ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ સંયુકત તપાસ હાથ ધરી ગાંજા સપ્લાયનું આખુ નેટવર્ક ઉઘાડુ પાડી દીધુ હતું. અગાઉ ઝડપાયેલા સુત્રધાર વિજય કુલપતિ, ચેતનસિંહ ઝાલા, મુકેશગીરી ગોસ્વામીના રિમાન્ડ દરમિયાન વિશેષ પુછતાછ થતાં ગાંજાનો જથ્થો એક ટ્રક મારફત ખંભાતના ડાલીથી રાજકોટ કુવાડવા રોડ પર આવ્યાની માહિતી મળતાં આજે ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે આ ટ્રકને કબ્જે કરી ચાલકને ઝડપી લીધો છે.

ગાંજાનો જથ્થો જીજે૨૪યુ-૪૦૯૫ નંબરના ટ્રકમાં કુવાડવા રોડ પર યાતાયાત પંપ સુધી લાવવામાં આવ્યો હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. તેના આધારે તપાસ કરી ટૂકડીએ આ ટ્રક શોધી કાઢી તેના ચાલક અખ્તર મહમદભાઇ પિંઢારા (રહે. ગામ ચાંદેસર તા. સિધ્ધપુર જી. પાટણ)ને પકડી લઇ ૮ લાખનો ટ્રક કબ્જે કર્યો છે. ડ્રાઇવરને સુત્રધાર વિજય સાથે કેવી રીતે ઓળખાણ થઇ? અને કયાં-કયાં ગાંજો સપ્લાય કરવામાં આ ટ્રકનો ઉપયોગ થયો હતો? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એસઓજીના વિજયભાઇ શુકલા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી, વિજેન્દ્રસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, મેહુલભાઇ મઢવી સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:46 pm IST)