Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

૬૦ હજારના કૂતરાના સોદામાં શ્રોફ રોડના આર્કિટેક સાથે મુંબઇના શખ્સની છેતરપીંડી

મુંબઇ રહેતી આર્કિટેક વિપુલભાઇ સંઘવીની દિકરીએ શેલ્ડન વાઝ નામના શખ્સ સાથે ડીલ કરી'તીઃ પણ ઓનલાઇન પૈસા મેળવી લીધા બાદ આ શખ્સે માલ્ટીઝ ડોગ ન મોકલ્યો અને નાણા પણ પાછા ન દીધાઃ પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨: શ્રોફ રોડ પર રહેતાં આર્કિટેકની દિકરીએ મુંબઇમાં રૂ. ૬૦ હજારનો કૂતરો ખરીદવાનું નક્કી કર્યા બાદ રાજકોટથી પિતાએ કૂતરો વેંચનારા મુંબઇના શખ્સને રૂ. ૬૦ હજાર આરટીજીએસથી ઓનલાઇન ટ્રાન્સફર કર્યા પછી આ શખ્સે કૂતરો પણ ન મોકલી અને પૈસા પણ પાછા ન આપી છેતરપીંડી કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

પોલીસે આ બારામાં શ્રોફ રોડ પર પ્રયાગ-ડી ફલેટ નં. ૧૧માં રહેતાં આર્કિટેક વિપુલભાઇ સુરેશભાઇ સંઘવી (ઉ.૫૨)ની ફરિયાદ પરથી મુંબઇના શેલ્ડન વાઝ નામના શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું આર્કિટેક તરીકે કામ કરુ છું અને મારા દિકરી શ્રેયા સંઘવીનો ગત જુલાઇમાં મુંબઇ ખાતે ઓનલાઇનથી પોઝ એન કલોઝ  મેડોગ્રીન બંગ્લોઝ ડોંબીવલી ઇસ્ટ ખાતેના શેલ્ડન વાઝ સાથે સંપર્ક થયો હતો. ફોન પર તેની સાથે વાત કરી દિકરીએ રૂ. ૬૦ હજારની કિંમતનો માલ્ટીઝ નામનો ડોગ (કૂતરો) ખરીદવા નક્કી કર્યુ હતું. સોદો પાક્કો થયા બાદ મેં તા. ૧૨/૭ના રોજ મારા એચડીએફસી બેંકના ખાતામાંથી રૂ. ૬૦ હજાર ઓનલાઇન આરટીજીએસથી શેલ્ડન વાઝના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતાં.

શેલ્ડને પૈસા જમા થઇ ગયાના એક અઠવાડીયા પછી માલ્ટીઝ ડોગની ડિલીવરી મળી જશે તેમ કહી વિશ્વાસ આપ્યો હતો. સાથોસાથ ઇ-મેઇલથી પણ ગેરેંટી આપી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે જો સોદો રદ થશે તો પુરેપુરા પૈસા પાછા મળી જશે. પરંતુ ૧૦ દિવસ રાહ જોવા છતાં શેલ્ડને ડોગ ન મોકલતાં તેની સાથે ફોન પર અને વ્હોટ્સએપ મારફત વાત કરતાં તેણે બહાના શરૂ કર્યા હતાં. તે ડોગ મોકલતો ન હોઇ તેના પરનો વિશ્વાસ ઉઠી જતાં મેં પૈસા પાછા માંગ્યા હતાં. પરંતુ તેણે પૈસા પણ ન આપી અને ડોગ પણ ન આપી છેતરપીંડી કરતાં અંતે પોલીસને ફરિયાદ કરી છે.

પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં હેડકોન્સ. અશોકભાઇ કલાલે તપાસ શરૂ કરી છે.

(3:23 pm IST)