Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મોરબી રોડ પરના સોહમનગરમાં વહેલી સવારે દરોડો :૬ શખ્સો ૪ લાખના દારૂ સાથે ઝડપાયા

બુટલેગર કોળી શખ્સ તેના સાગ્રીતો સાથે મળી 'માલ'નું 'કટીંગ' કરે એ પહેલા પોલીસ ત્રાટકી : બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર, એએસઆઇ હિતુભા ઝાલા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને ની બાતમી પરથી પંકજ લાવડીયા (કોળી)ના ઘરમાં દરોડોઃ સોહિલ પારેખ અને તેના માસીનો દિકરો પોલીસને જોઇ ભાગી ગયા : ગાંધી જયંતિએ જ દારૂની રેલમછેલ થાય એ પહેલા પોલીસે લાખોનો 'માલ' પકડ્યો :ક્રાઇમ બ્રાંચે ભાવેશને ૫૫ બોટલ સાથે પકડી લીધો : હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, ચેતનસિંહ ચુડાસમા અને અમિતભાઇની બાતમી પરથી પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટીમની કાર્યવાહી

તસ્વીરમાં બી-ડિવીઝન પોલીસે પકડેલા શખ્સો અને દારૂનો જથ્થો તથા નીચેની તસ્વીરમાં ક્રાઇમ બ્રાંચે પકડી લીધેલો ભાવેશ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: સોહમનગરમાં આજે ગાંધી જયંતિની વહેલી સવારે ચાર વાગ્યે બી-ડિવીઝન પોલીસે કોળી શખ્સના ઘરે દરોડો પાડી રૂ. ૪,૦૬,૮૦૦નો ૧૩૦૮ બોટલ દારૂ જપ્ત કરી ૬ શખ્સોને ઝડપી લીધા છે. દરોડો પડતાં બે શખ્સ ભાગી ગયા હતાં. મુખ્ય બુટલેગર કોળી શખ્સે મંગાવેલા દારૂનું કટીંગ થાય એ પહેલા જ પોલીસ ત્રાટકી હતી.

બી-ડિવીઝન ડી. સ્ટાફની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ડામોર, એએસઆઇ હિતુભા ઝાલા, હેડકોન્સ. વિરમભાઇ ધગલને બાતમી મળતાં મોરબી રોડ સોહમનગર મેઇન રોડ પર પંકજ પોપટભાઇ લાવડીયા (કોળી) (ઉ.૨૯)ના ઘરે ત્રાટકતાં ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડો પડતાં એક શખ્સ ભાગી ગયો હતો. સાત શખ્સો પંકજ લાવડીયા તેમજ શહેઝાદ હનીફભાઇ જુલાણી (ઉ.૨૨-રહે. આકાશદિપ સોસાયટી દૂધ સાગર રોડ), ગોપાલ ધીરૂભાઇ બાંભણીયા (ઉ.૧૯-રહે. પેડક રોડ પટેલ પાર્ક-૩), આશિષ ભાવેશભાઇ આલ (ઉ.૧૯-રહે. રાજારામ સોસાયટી-૧), જાવીદ ઇબ્રાહીમભાઇ દાઉદાણી (ઉ.૨૦-રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી દૂધ સાગર રોડ), ઇમરાન હનીફભાઇ પંડ્યા (ઉ.૨૭-રહે. આકાશદિપ સોસાયટી-૧૦)ને પકડી લીધા હતાંજ્યારે  સોહિલ મહમદભાઇ પારેખ (ઉ.૨૧) (રહે. ગુ.હા. બોર્ડ આકાશદિપ સોસાયટી) તથા તેના માસીનો દિકરો પોલીસને જોઇ ભાગી ગયા હતાં.

પોલીસે જુદી-જુદી બ્રાન્ડનો ૧૩૦૮ બોટલ દારૂ (રૂ. ૪,૦૬,૮૦૦નો) તથા રૂ. ૧૬ હજારના ચાર મોબાઇલ ફોન, જીજે૩કેએ-૫૧૨૧ નંબરનું ૪૦ હજારનું એકટીવા મળી કુલ રૂ. ૪,૬૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસના કહેવા મુજબ પંકજ કોળી અગાઉ પણ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તે આ દારૂ કયાંથી લાવ્યો અને કોને કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા ,એસીપી જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડે દારૂની બદ્દી નાબુદ કરવા આપેલી સુચના અંતર્ગત બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ, કિરણભાઇ પરમાર, મહેશભાઇ ચાવડા, મનોજભાઇ મકવાણા, પ્રકાશભાઇ ખાંભરા સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચનો દરોડો

બીજા દરોડામાં જ્યારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ આર. રાણા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમિત ટુંડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ફિરોઝભાઇ શેખ, ચેતનસિંહ અને યોગીરાજસિંહની બાતમી પરથી મનહરપરા-૪માં મેલડી માતાજીના મંદિરવાળી શેરીમાં રહેતાં ભાવેશ ધનજીભાઇ દેત્રોજા (દેવીપૂજક) (ઉ.૪૦)ને તેની ઓરડીમાંથી રૂ. ૧૬૫૦૦ના ૫૫ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(3:14 pm IST)