Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ડી.ડી.ઓ.ની સામે પડતા ચંદુભાઈ શીંગાળાઃ વિકાસ કમિશનરને રાવ

રાજકોટ, તા. ૧ :. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ચંદુભાઈ શીંગાળાએ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા પર નિશાન તાકી તેમના વિરૂદ્ધ વિકાસ કમિશનરને લેખિત ફરીયાદ કરી છે.

તેમણે પત્રમાં ડી.ડી.ઓ. પંચાયતના સત્તા પક્ષના ચોક્કસ લોકોને લાભ આપવા માટે નિયમોનું ખોટુ અર્થઘટન કરી રહ્યાનો આક્ષેપ કરી પગલા લેવા માંગણી કરી છે. નજીકના ભૂતકાળમાં સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠકનો એજન્ડા માત્ર અડધી કલાકના અંતરે બહાર પાડયો, ચાલુ સામાન્ય સભાએ સ્થળ છોડીને બહાર ગયા વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તા. ૨૮-૯-૨૦૧૮ની સામાન્ય સભામાં ડી.ડી.ઓ. ૩૦ મીનીટ મોડા આવેલ. સભ્યોની કોઈ વાત સાંભળ્યા વગર બીનલોકશાહી પદ્ધતિથી સમિતિની બેઠક પુરી કરી નાખી હતી તેવુ પત્રમાં જણાવ્યુ છે. પ્રમુખે કિશોરભાઈ આદિપરાની રજૂઆત અન્વયે કારોબારી સમિતિમાં કોઈ કાર્યવાહી ન કરવા વચગાળાનો મનાઈ હુકમ આપેલ છતા કોઈ અગમ્ય કારણસર ઠરાવોની અમલવારી કરી નાખેલ છે. તેઓ પ્રમુખના આદેશને અવગણી રહ્યા છે. ડી.ડી.ઓ. દ્વારા વિકાસ કમિશનરને અપાતી માહિતી પણ ખરાઈ કરવા પાત્ર છે. પત્રની રજૂઆતના તમામ મુદ્દા ચકાસી ડી.ડી.ઓ.ની વર્તુણંક અંગે કાયદેસર કાર્યવાહી કરવા માગણી છે. જરૂર પડયે સાધારણ સભામાં બહુમતી સભ્યો દ્વારા ડી.ડી.ઓ.ને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ કરવાની જરૂર પડશે તેમ ચંદુભાઈએ પત્રમાં જણાવ્યુ છે.(૨-૨૫)

(4:10 pm IST)