Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

શહેરમાં ગણપતિની પીઓપીની મુર્તિ વેંચનારા ૮ શખ્સો સામે ફોજદારી

જુદા-જુદા પોલીસ મથક દ્વારા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી

રાજકોટ તા. ૨: આજથી ઠેર-ઠેર વિઘ્નહર્તા દેવ શ્રી ગણપતિજીના ઉત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ ઉત્સવની ઉજવણી અંતર્ગત અનેક નિયમો દર્શાવી જાહેરનામુ બહાર પાડ્યું હતું. તે અંતર્ગત...પીઓપીની મુર્તિ વેંચવા પર પ્રતિબંધ હોવા છતાં આ નિયમનો ભંગ થતાં પોલીસે બે દિવસમાં કુલ સાત ગુના નોંધી વેંચનારા સામે કાર્યવાહી કરી છે.

 માલવીયાનગરના પીએસઆઇ જે. એસ. ચંપાવતે  જીપીએકટ ૧૩૧ મુજબ મોહન નરસીભાઇ સોલંકી (ઉ.૪૦-રહે. લોહાનગર-૧, ગોંડલ રોડ) સામે પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આનંદ બંગલા ચોકમાં આ શખ્સ પીઓપીની મુર્તિ વેંચી રહ્યો હતો.

આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી. એસ. વણઝારા અને ટીમના પીએસઆઇ એન. ડી. ડામોર, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા,  અરજણભાઇ, ઉમેશભાઇ, ભગીરથસિંહ સહિતે કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં શકિતનગર પાસે ઝૂપડપટ્ટી બાર પીઓપીથી બનાવેલી ગણેશજીની મુર્તિ વેંચી રહેલા માનારામ ગીગાજી ચારણ (મારવાડી) (ઉ.૪૨), બાબુ ગીગાજી ચારણ (ઉ.૩૨), રમેશ ગંગારામ રાઠોડ (ઉ.૩૪) તથા અનિલ ભૈરારામ ભાટી (ઉ.૨૦) સામે જીપીએકટ ૧૩૧ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં ગોપાલ ચમનભાઇ પટની (દેવીપૂજક) (ઉ.૩૯-રહે. ગ્રીનલેન્ડ ચોકડી મણીનગર) તથા સંત કબીર રોડ પર કે.ડી. ચોકમાં હીરા ભાણાભાઇ સોલંકી (મારવાડી) (ઉ.૪૦-રહે. સાત હનુમાન પાસે ઝૂપડામાં) પીઓપીની ગણપતિની મુર્તિ વેંચતા હોઇ બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ ડામોર, વિરમભાઇ, કેતનભાઇ, મહેશભાઇ સહિતે ૧૩૧ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે કુવાડવા પી.આઇ. એમ.આર. પરમાર, દિલીપભાઇ બોરીચા, એચ.એચ. પરમાર સહિતે માલિયાસણમાં ચામુંડા ફર્નિચર પાસે પીઓપીની મુર્તિ વેંચી રહેલા ઉમેશ શ્રીસુકવાસીલાલ પ્રજાપતિ (ઉ.૪૦-રહેે. હાલ માલિયાસણ) પાસેથી પીઓપીની ત્રણ મુર્તિ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

(1:29 pm IST)