Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

લાખોની ગાડી ટોળકીના હાથમાં આવતાં જ કોડીની થઇ જતી! ચોરી કરી સાંચોર રાત રોકાતાં, બીજા દિ'એ બાડમેરમાં વેંચતા

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, નડિયાદ, પેટલાદ, વડોદરા, સાણંદ, આણંદથી ઉઠાવી હતી ગાડીઓઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચને રાજસ્થાની ટોળકીને ઝડપી લેવામાં સફળતાઃ મોટા ભાગે રાતે બે વાગ્યે ચોરી કરતાં :ક્રાઇમ બ્રાંચે ત્રણ મહિનાની મહેનત બાદ પકડ્યાઃ બાડમેરના ડ્રગ્સ માફીયાઓમાં સ્કોર્પિયોની માંગ રહેતી હોઇ તેને ૧૭ થી ૨૦ લાખની ગાડી માત્ર લાખથી બે લાખમાં વેંચી મોજ કરતાં: સુત્રધાર ઓમપ્રકાશ ખીલેરી, અર્જુન ઉર્ફ અર્જુનરામ, પીરારામ અને ઓમપ્રકાશ ઉર્ફ પ્રકાશ ડારાની ધરપકડઃ બીજા ચારના નામ ખુલ્યા :અમિતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર અને એભલભાઇ બરાલીયાની સફળ બાતમીઃ ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, એમ. વી. રબારીની ટીમને સફળતા

રાજકોટ તા. ૨: ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી મોટે ભાગે સ્કોર્પિયો ગાડીની ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને ત્રણ મહિનાની જહેમત બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા છે. આ ટોળકીએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, નડિયાદ, પટેલાદ, વડોદરા, સાણંદ, આણંદથી સ્કોર્પિયો ગાડીની ચોરી કર્યાનું કબુલ્યું છે. રાજસ્થાન બાડમેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકી સ્કોર્પિયોનો જ ઉપયોગ કરતી હોઇ ઉઠાવગીરો ગુજરાતથી આવી જ ગાડીઓ મોટે ભાગે રાત્રીના બે વાગ્યા આસપાસ ચોરી જઇ રાતોરાત રાજસ્થાનના સાંચોર પહોંચી જઇ બીજા દિવસે બાડમેરમાં ડ્રગ્સ માફીયાઓને વેંચી દેતા હતાં. પંદરથી વીસ લાખની ગાડી ઉઠાવગીર ટોળકીના હાથમાં આવતાં આ ગાડીની કિંમત કોડીની થઇ જતી હતી! ઉઠાવગીરો માત્ર એક લાખથી ત્રણ લાખ સુધીમાં આવી કિંમતી ગાડી ડ્રગ્સ માફીયાઓને પધરાવી દઇ રોકડી કરી લેતાં હતાં.

શહેર ક્રાઇમ બ્રાંચની ટીમના અમિતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પાંચ રાજસ્થાની ઉઠાવગીરો સુત્રધાર  ઓમપ્રકાશ સ ખંગારારામ સુર્જનરામ ખીલેરી (રહે. આંમ્બાકા ગોલીયા ગામ (જાંબ) તા. ચિતલવાના જી. જાલોર રાજસ્થાન),  અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ ખીલેરી બીસ્નોઇ (રહે, નીમલીપટલાને તા. રોહત જી. રાજસ્થાન), ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ ડારા-બીસ્નોઇ (રહે. પુરગામ ડારાકી ધાણી સ્કુલ પાસે, તા.રાનીવાડા જી. જાલોર રાજસ્થાન) અને પીરારામ લાડુરામ જાણી-બીસ્નોઇ (રહે. પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર)ને પકડી લઇ તેની પાસેથી મારૂતિ સ્વીફટ કાર જીજે૦૩જેસી-૬૬૩૪, જીજે૦૧આરઝેડ-૦૮૭૨ તથા કી પ્રોગ્રામર, કાર સ્કેનર, જીપીએસ ટ્રેકર ઇન્સ્ટ્રુમેન્ટ, ચાર મોબાઇલ ફોન, બે ડિસમીસ અને ચાર નંબર પ્લેટ મળી રૂ. ૭,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ચારેય બે સ્વીફટ કારમાં રાજકોટમાંથી સ્કોર્પિયોની ચોરી કરવા આવ્યા હતાં અને દબોચાઇ ગયા હતાં.

આ ટોળકી સાથે બીજા ચારની પણ સંડોવણી ખુલી છે. તેમાં મોટારામ મુળારામ કડવાસરા રહે. ચવાગામ તા. બાયતુ જી. બાડમેર, બંશીલાલ અન્નારામ ખીલેરી રહે. મોખાત્રા ગામ તા. રાણીવાડા જી. જાલોર, ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ ખીલેરી બીસ્નાોઇ રહે. પનોરીયા તા. સેડવા જી. બાડમેર તથા ઓમપ્રકાશ  જોરારામ ખીલેરી રહે. અરણાય ગામ તાલુકો સાંચોર જી. જાલોર થાના કરડા) સામેલ છે. જે પૈકી મોટારામ ડ્રગ્સના ગુનામાં ઉદેપુર જેલમાં છે.

આ ટોળકીના શખ્સો સ્કોર્પીયોની ચોરી કરવા જે તે શહેરમાં પહોંચી રાતે દસ વાગ્યે રેકી કરી લેતી હતી એ પછી રાતે બે વાગ્યે જ્યાં સ્કોર્પિયો પાર્ક હોય ત્યાં પહોંચી જતાં હતાં. ચોરી વખતે સોૈ પહેલા ગાડી નીચે જઇ કારના સાયરનનો કેબલ કાપી નાંખતા, જેથી દરવાજો ખુલે તો સાયરન ન વાગે. એ પછી કારની વચ્ચેના દરવાજામાં આવેલ બે કાચ પૈકી નાના કાચની રીબીન કાઢી બે ડિસમીસથી આખો કાચ ઉતારી નાંખી અંદર હાથ નાંખી દરવાજો ખોલી લેતાં. એ પછી સ્ટીયરીંગ વ્હીલની નીચે આવેલુ ઇમોબીલાઇઝરના સ્ક્રૂ ખોલીસ તે કાઢી નાંખી પોતાની પાસેનું ઇમોબીલાઇઝર ફીટ કરી દેતાં. ત્યાર પછી બોનેટ ખોલી ઇસીએમ કાઢી પોતાની પાસેના સેટનું ઇસીએમ લગાવી દેતાં, એ પછી ગાડી ચાલુ કરી ચોરી લેતાં. એર આવે તો ગાડીના સ્કેનરથી ફોલ્ટ દૂર કરી લેતાં હતાં. અગાઉથી નક્કી થયેલા રૂટ પર ગાડી ફુલસ્પીડથી હંકારી આગળ નીકળી જતાં અને ગાડીમાં જીપીએસ છે કે નહિ? તે પણ જીપીએસ સ્કેનરની મદદથી ચેક કરી જો હોય તો જીપીએસ કાઢી ફેંકી દેતાં હતાં.

એ પછી સો પહેલા તેઓ ચોરાઉ સ્કોર્પીયો સાથે સાંચોર પહોંચી જતાં ત્યાં એક રાત રોકાયા બાદ બીજા દિવસે બાડમેર પહોંચી ત્યાંના ડ્રગ્સ માફીયાઓને આવી ગાડી સાવ પાણીના ભાવે પધરાવી દેતાં હતાં. પંદરથી વીસ લાખની ગાડીના એન્જીન-ચેસીસ નંબર ગ્રાઇન્ડરથી ભુંસી નાંખી નંબર પ્લેટો કાઢી નાંખી એક થી ત્રણ લાખમાં આવી ગાડી વેંચી દેતાં હતાં. જેમાંથી મળતી રકમના બધા ભાગ પાડી મોજશોખમાં વાપરતાં હતાં.

બાડમેરના ડ્રગ્સ માફીયાઓ આવી ચોરાઉ ગાડીનો એનડીપીએસની હેરાફેરીમાં ઉપયોગ કરતાં હતાં. આવી જ એક ગાડીનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી વખતે થતો હતો ત્યારે રાજસ્થાન ભીલવાડા પોલીસે અટકાવતાં તેના પર ફાયરીંગ કરતાં બે પોલીસ જવાન શહીદ થયા હતાં. આ ગુનામાં રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પરની સોસાયટીમાંથી ચોરાયેલી સ્કોર્પિયોનો ઉપયોગ થયો હતો. આ ગાડી પીરારામે વેંચી હતી. એ ગાડીમાં રાજેશ ઉર્ફ રાજુ ફોૈજી બિસ્નોઇ તથા બીજા લોકો હતાં અને ફાયરીંગ કર્યા હતાં.

આ કામગીરી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા એમ. પરમાર, પી. ડી. ઝાલા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, સિધ્ધરાજસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલાએ કરી હતી. આ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશનરશ્રી તરફથી રૂ. ૧૫ હજારનું રોકડ ઇનામ અપાયું હતું.

પકડાયેલી ટોળકીનો કબ્જો હવે તાલુકા પોલીસે લીધો છે. બાદમાં બી-ડિવીઝન પોલીસ મેળવશે.  ટોળકીએ છેલ્લા બે વર્ષમાં વડોદરા, સુરેન્દ્રનગર રતનપર, વણવાણ,નડિયાદ, પેટલાદ, વડોદરા, સાણંદ, મોરબી, રાજકોટ, આણંદ, ગાંધીધામ, રાજસ્થાનથી સ્કોર્પિયો ચોરી હતી. અમુક કિસ્સામાં ગાડીને અકસ્માત નડતાં છોડીને ભાગી પણ ગયા હતાં.

(11:54 am IST)