Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટની અદાલતમાં ૪ ઓગષ્ટની ફીઝીકલ ફાઇલો સ્વીકારવા અંગે જીલ્લા ન્યાયાધીશનો પરિપત્ર

ફાસ્ટટ્રેક કોર્ટના દરવાજા પાસે કાગળો સીલબંધ કરવામાં સ્વીકારવા માટેનું કલેકશન કાઉન્ટર ઉભુ થશે : ૧૧ થી ૨ સુધીના સમયમાં જ કેસો દાખલ કરી શકાશે

રાજકોટ,તા.૧ : ગુજરાત વડી અદાલત પરિપત્રના અનુસંધાને રાજકોટ જિલ્લાના ન્યાયાધીશ ઉત્કર્ષ દેસાઇએ માર્ગદર્શિકા બહાર પાડીને આગામી તા.૪ ઓગષ્ટથી ફીઝીકલ ફાઇલો સ્વીકારવા માટેની વ્યવસ્થા કરી છે.

આ વ્યવસ્થા મુજબ ફાસ્ટટેક કોર્ટના મુખ્ય દરવાજાની અંદર જતા કોર્ટ બિલ્ડીંગની એન્ટ્રી કે જ્યાં વકીલોને બેસવા માટે વેધરશેડ કરવામાં આવેલ છે. તે જગ્યાએ ૪ ઓગષ્ટથી કલેકશન કાઉન્ટર કરવામાં આવશે

આ કલેકટર સેન્ટરમાં વડી અદાલતની સુચના પ્રમાણે સીલબંધ ૩ કવરમાં કેસો, કાગળો સ્વીકરવામાં આવશે જેના સમય સવારના ૧૧ થી બપોરના ૨ સુધીના સમયમાં આવેલ છે.

વકીલો કે પત્રકારોએ પોતાના કેસો ઉપરોકત કલેકશન કાઉન્ટર ખાતે જ આપવા પડશે. વકીલો તેમજ પત્રકારોએ ફીઝીકલ ફાઇલ દાખલ કરતી વખતે નામ, મોબાઇલ નંબર, ઇમેલ એડ્રસ, કેસનો પ્રકાર તેમજ કેસોની સુનાવણી માટે અરજન્સી છે કે કેમ? તે જણાવાનું રહેશે.

વધુમાં ડીસ્ટ્રીકટ જજ ઉત્કર્ષ દેસાઇની માર્ગદર્શિકામાં આપેલ સુચનામાં જણાવાયું છે કે, સીલબંધ કવરમાં સામેલ કાગળોની વિગત કવરના ઉપરના ભાગે અનુક્રમણિકામાં  દેખાય તે રીતે કલેકશન કાઉન્ટર ઉપર સીલબંધ કવરમાં જમા કરવાનુ રહેશે.

અંતમાં જણાવ્યું છે કે, તમામ વકીલો, પત્રકારોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સામાજીક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. અને ફેશ માસ્ક પહેરવાનું રહેશે.

(3:28 pm IST)