Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કાંગશીયાળીની કરોડોની સરકારી જમીન હડપ કરી વેચી નાંખવાનું કારસ્તાન ૮ સામે ગુન્હો નોંધાયો

જમીન માલીકીના ખોટા સોગંદનામા ઉભા કરી સરકારી જમીનમાં ગોડાઉન અને શો રૂમ ઉભા કરી વેચી નાંખ્યા : મુકેશ રમણીકભાઇ ડોબરીયા, ઓસમાન સુમારભાઇ કુક્કડ, વિભા ઘુસાભાઇ ભરવાડ, માલદેવ કરશનભાઇ ગઢવી, રાજેન્દ્રસિંહ ગજુભા વાળા, ભરત મમૈયાભાઇ ગમારા, મનીષ બટુકભાઇ પરમાર તથા ભાનુબેન પાટડીયા સામે શાપર પોલીસમાં ફરીયાદ કરતા તપાસનો ધમધમાટ

રાજકોટ,તા. ૧ :  રાજકોટની ભાગોળે અને શાપર-વેરાવળ પોલીસની હદમાં આવેલા કાંગશીયાળી ગામની કરોડોની કિંમતી ગણાતી સરકારી જમીનના માલીકીના ઉતરોતર ખોટા સોગંદનામા ઉભા કરી સરકારી જમીનમાં ગોડાઉન અને શો-રૂમ ઉભા કરી વેંચી નાંખવાના કૌભાંડનો લોધીકા મામલતદાર પર્દાફાશ કરી કૌભાંડ આચરનાર ૮ શખ્સો લોધીકા-પોલીસમાં ફરીયાદ કરી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મામલતદાર જમનભાઇ રવજીભાઇ હિરપરાએ સરકારી જમીનમાં કૌભાંડ આચરનાર મુકેશ રમણીકભાઇ ડોબરીયા, ઓસમાન સુમારભાઇ કુક્કડ, વિભા ઘુસાભાઇ ભરવાડ, માલદેવ, કરશનભાઇ ગઢવી, રાજેન્દ્રસિંહ ગજુભા વાળા, ભરત મૈમયાભાઇ ગમારા, મનીષ બટુકભાઇ પરમાર તથા ભાનુબેન વિઠ્ઠલભાઇ પાટડીયા અને તપાસમાં ખુલ્લે તે શખ્સો સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત શખ્સોએ એકબીજા સાથે  રાજકોટ ગોંડલ હાઇવે રોડ ઉપર કાંગશીયાળી ગામની સીમમાં અશોક લેલન્ડ શો રૂમની સામે આવેલા કાંગશીયાળી ગામના જુના સર્વે નં. ૩૮/૩ નવા સર્વે નં.ર૧૦ ઉપર આવેલ સરકારી ખરાબાની જમીન હડપ કરી જવાનું ગુન્હાહિત કાવત્રુ રચી સદરહું જગ્યા પચાવી પાડવા ઉતરોતર જમીન માલીકીના ખરીદ-વેચાણના નોટીસ સોગંદનામા બનાવ્યા હતાં જેમાં રોનક સોફાસેટ વાળી જમીન જમીન રપ૦ ચો.વાર. તેમજ સરદાર એનીમલ ક્રુડ વાળી જમીન ર૦૦ ચો.વાર. મળી કુલ ૪પ૦ ચો.વાર જમીનના ખોટા સોગંદનામાના ડોકયુમેન્ટ આધારે જમીન માલીકીના હકક સ્થાપિત કરી કરોડોની કિંમતી ગણાતી આ સરકારી જમીન હડપ કરી કબ્જો ભોગવટો રાખી આ સરકારી જમીન ઉપર મોટા ગોડાઉન અને શોરૂમના બાંધકામ ઉભા કરી તેનું વેચાણ કરવા નોટરાઇઝ લખાણો ખોટા માલીકી હકના બનાવી ખરીદનાર અને વેચનારે કાયદેસર ચૂકત અવેજની રકમ મળી ગયાની કિંમતી જમીનગીરીનું લખાણ કરી નોટરાઇઝ લખાણો માલીકી અંગેના ખોટા  હોવા છતાં તે ખરા તરીકે દર્શાવી અને નોટરી લખાણો માલીકી અંગે તબદીલ થયાનું અભિપેત કરવા બનાવી સરકારી જમીનના ખોટા માલીકી હક ઉભા કરી વેચી નાંખી હતી.

આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત તમામ શખ્સો સામે આઇ.પી.સી. કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪ર૩, ૧૧૪ તથા ૧ર૦ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

વધુ તપાસ શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

(11:51 am IST)