Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વ્યાજની ઉઘરાણી માટે જંગલેશ્વરના યુસુફ અને મિત્ર ઇમરાન પર હનીફશા અને ફિરોઝનો છરીથી હુમલો

ફ્રુટના ધંધાર્થી યુસુફ કહે છે-ધંધા માટે રૂ. ૪૫ હજાર વ્યાજે લીધા'તાઃ ૧૪મીએ મહિનો પુરો થતો હોવા છતાં વહેલુ વ્યાજ માંગી હુમલો કરાયોઃ મિત્ર ઇમરાન વચ્ચે પડતાં તેને પણ બેઠક અને કમરે ઘા ઝીંકી દેવાયા

હુમલામાં ઘાયલ  યુસુફ વાડીવાલા અને ઇમરાન સોલંકી

રાજકોટ તા. ૨: જંગલેશ્વરમાં રહેતાં ફ્રુટના ધંધાર્થી મેમણ યુવાન પર વ્યાજની ઉઘરાણી માટે બે શખ્સોએ છરીથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં અને તેનો મિત્ર વચ્ચે પડતાં તેને પણ છરીના ઘા ઝીંકી દેવાતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જંગલેશ્વર તવક્કલ ચોક શેરી નં. ૨૮માં રહેતો અને ફ્રુટનો ધંધો કરતો યુસુફ અમીનભાઇ વાડીવાલા (ઉ.૩૭) અને તેનો મિત્ર ઇમરાન આરીફભાઇ સોલંકી (ઘાંચી) (ઉ.૩૦) રાત્રે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે પહોંચતા અને પોતાને જંગલેશ્વર-૪માં સાગર એસટીડી પીસીઓ પાસે હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ફકીર) તથા તેની સાથેના ફિરોઝ સેતા (સંધી)એ છરીના ઘા ઝીંકી દીધાનું કહેતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.

પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાએ યુસુફની ફરિયાદ પરથી હનીફશા અને ફિરોઝ સામે આઇપીસી ૩૨૬, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે યુસુફે અગાઉ હનીફશા પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતાં તે સમયસર પાછા આપી ન શકતાં ઉઘરાણી કરી છરીથી હુમલો કરવામાં આવતાં યુસુફને ગુપ્તાંગની જમણી બાજુએ પેડુના ભાગે તથા જમણા સાથળમાં ઇજા પહોંચાડાઇ હતી. મિત્ર ઇમરાન વચ્ચે પડતાં તેને બેઠક અને કમરના ભાગે ઘા ઝીંકાયા હતાં.

યુસુફે હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે ફ્રુટના ધંધા માટે હનીફશા પાસેથી હનીફશા પાસેથી ૪૫ હજાર ૨૦ ટકા વ્યાજેથી લીધા હતાં. તેના ૧૦ હજાર અગાઉ કાપી લેવાયા હતાં. આગામી ૧૪મીએ મહિનો પુરો થતો હોઇ ત્યારે વ્યાજ આપવાનું હતું. પણ ગઇકાલે જ પોતાને સાગર એસટીડી પાસે બોલાવાતાં પોતે મિત્ર સાથે ત્યાં જતાં તાત્કાલીક વ્યાજ આપવા હનીફશા અને ફિરોઝે ડખ્ખો કરી છરીથી હુમલો કરી દીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:40 pm IST)