Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

એરપોર્ટ પાસે ખમણનો ધંધો કરતાં વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને દંડ

રાજકોટ તા. રઃ રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે આવેલ ખમણનાં વેપારીને ચેક રીર્ટનનાં કેસમાં એક વર્ષની સજા તથા દંડનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે રાજકોટમાં રહેતા અનિલભાઇ મોહનભાઇ ધનવાણીએ એરપોર્ટ ફાટક પાસે આવેલ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે આવેલ જલારામ ખમણનાં નામે ખમણનો વેપાર કરતા હેમેન્દ્ર પ્રભુદાસ હિંડોચા સામે અત્રેની કોર્ટમાં ચેક રીર્ટન થવા અંગે ફરિયાદ નોંધાવેલી.

ફરિયાદીએ તેની ફરીયાદમાં જણાવેલ કે ફરીયાદી પાસેથી રૂ. ૩,૦૧,૦૦૦/- આરોપીને સંબંધના દાવે ટુંક સમય માટે હાથ ઉછીના લીધેલા તે રકમની ફરીયાદીએ આરોપી પાસે માંગણી કરતા આરોપી હેમેન્દ્ર હિંડોચાએ ફરીયાદીને ચેક આપેલો જે ચેક બેન્કમાં રજુ કરતા વગર વસુલાતે પરત કરેલો.

સદરહું ફરીયાદ અત્રેનાં એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એન. એચ. વસવેલીયા મેડમની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાનું ઝીણવટ ભર્યું મુલ્યાંકન કરી પોતાના ચુકાદામાં ઠરાવેલ છે કે આરોપી તરફે ફરીયાદીની જે લંબાણ પૂર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ છે તેમાં આરોપીએ ચેકમાં પોતાની સહી હોવા બાબતે તથા પોતાના બેન્ક એકાઉન્ટનો ચેક ન હોવા અંગે કોઇ તકરાર લીધેલ નથી. તેથી કાયદાની જોગવાઇ મુજબ ધારણ કરતાની તરફેણમાં અનુમાન કરવાનું રહે છે તેમજ ફરીયાદીનાં કાયદેસરનાં લેણાની જવાબદારી સ્વિકારી ચેક ઇસ્યુ કરેલ હોવાનું અનુમાન થઇ શકે.

આરોપીએ વિશેષ નિવેદનમાં એવો બચાવ લીધેલો કે તેઓએ રૂ. ૩૦,૦૦૦/- લીધેલ જે ચેકમાં તેમની સહી છે. આંકડામાં રકમ તેમણે લખેલ નથી જયારે નોટીસનાં જવાબમાં આરોપી એમ જણાવે છે કે ફરીયાદીને તેઓ ઓળખતાં નથી કે તેમની પાસેથી કોઇ જ રકમ લીધેલ નથી. જો આરોપી ફરીયાદીને ઓળખતા જ ન હોય તો ફરીયાદી પાસેથી રૂપિયા લીધેલ જ ન હોત કે ચેકમાં સહી કરી ફરીયાદીને આપેલ જ ન હોત. આમ આરોપી ફરીયાદીને ઓળખતા ન હોવાનો તેમજ રકમ લીધેલ ન હોવાનો બચાવ ટકવા પાત્ર નથી તેમ ઠરાવી આરોપી હેમેન્દ્ર પ્રભુદાસ હિંડોચાને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનાં ગુન્હમાં તકશીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. પ,૦૦૦/- દંડનો હુકમ કરેલ છે.

આ કામે ફરીયાદી અનિલભાઇ મોહનભાઇ ધનવાણી વતી રાજકોટનાં એડવોકેટ કેતન પી. દવે, બિનીતા શાહ, ભાવિશા પંડિત રોકાયેલ હતાં.

(4:38 pm IST)