Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાજકોટ કોર્પોરેશનના લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર તરીકે વિજય ગોજીયા ફરજ ઉપર હાજર ન થતા નોકરીમાંથી પાણીચુ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના એ.એન.સી.ડી. વિભાગમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવેલી હતી. જેમાં મેરીટના ક્રમાનુસાર ક્રમ નં.૧૧ ના ઉમેદવાર વિજય ડી.ગોજીયાની નિમણુંક કરવામાં આવતા મજકુર દ્વારા ફરજ પર હાજર થવા રીપોર્ટ આપવામાં આવેલો છે. વિજય ગોજીયા હાજર થયા બાદ ફરજ પર ન આવતા ફરજ પર હાજર થવા જાણ કરવા છતાં ફરજ પર હાજર ન થતા આખરી નોટીસ આપવામાં આવેલી હતી. નોટીસ રજીસ્ટર્ડ. એ.ડી.થી સ્વીકાર કરવા છતાં તેઓ ફરજ પર હાજર ન થયા તેમજ હાજર થવા અંગે કોઈ લેખિત જવાબ પણ આપ્યો નહોતો.

આ વિગતો ધ્યાને લેતા ઉમેદવારને નોકરીની જરૂરિયાત જણાતી ન હોવાથી ગુજરાત રાજ્ય (શિસ્ત અમે અપીલ)નિયમો-૧૯૭૧ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને મળેલી સત્તાની રૂએ કલમ-૬(૭) મુજબ વિજય ડી.ગોજીયાને મહાનગરપાલિકાની સેવામાંથી રૂખસદ આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં.૨/બ માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કિશોરભાઇ બચુભાઇ ચૌહાણ તેમના ઉપરી અધિકારીની કોઇપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી છેલ્લા ઘણા સમયથી સતત ગેરહાજર રહેલા છે, જેના કારણે લગત વોર્ડના વિસ્તારમા સફાઇની અનેક ફરીયાદો ઉપસ્થિત થાય છે, તેમજ કોર્પોરેશનના સરળ વહિવટમાં પારાવાર વિક્ષેપ પડેલો છે, તેમ મ્યુનિસિપલ કમિશનર બંધાનિધિ પાનીએ જણાવ્યુ હતુ.

આ સફાઇ કામદાર તેમના ઉપરી અધિકારીની કોઇપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી બિનઅઘીકૃત રીતે ગેરહાજર છે. અગાઉ ફરજ ૫રની લાંબી ગેરહાજરી સબબ નોટીસ આ૫વામાં આવેલી હતી. જેના જવાબમાં તેમના દ્રારા લેખિતમાં પુર્વ મંજુરી વગર ગેરહાજર રહેતા હોવાની કબુલાત કરવામાં આવેલી છે. આ બિનઅઘીકૃત લાંબા સમયની ગેરહાજર સબબ તેઓને આખરી નોટીસ આપવામાં આવેલી હતી. પરંતુ તેમણે તેનો જવાબ આપવાની પણ તસ્‍દી લીધેલી નથી.

આથી, જાહેર આરોગ્યલક્ષી આવશ્યક સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષ કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેમજ તેમની લાંબી ગેરહાજરીથી સંસ્થાના સરળ વહિવટમા વિક્ષેપ થતો હોય, સફાઇ કામદારકિશોરભાઇ બચુભાઇ ચૌહાણને તેમને સોંપેલ સફાઇની કામગીરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

(9:36 am IST)