Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કરણસિંહજી હાઇસ્કુલ અને બાઇસાહેબા ગર્લ્સ સ્કુલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીપીપી ધોરણે સંભાળેઃ નિદત બારોટ

રાજય સરકારના નિર્ણયને આવકાર : કુલપતિને પત્ર પાઠવી સામાજીક ઉતરદાયીત્વ નિભાવવા માંગ

રાજકોટ, તા., ૨: ગઇકાલે ગુજરાત સરકારે જાહેર કરેલ બાઇસાહેબા ગર્લ્સ સ્કુલ અને શ્રી કરણસિંહજી હાઇસ્કુલને પીપીપી ધોરણે ચલાવવાના નિર્ણયને શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નિદત બારોટે આવકારી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીપીપી ધોરણે સંભાળીને સામાજીક ઉતરદાયીત્વ નિભાવવા અનુરોધ કરેલ છે.

ડો.નિદત બારોટે જણાવ્યું છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે કરેલી જાહેરાત મુજબ રાજકોટની ઐતિહાસીક શ્રી કરણસિંહજી હાઇસ્કુલ અને બાઇસાહેબા ગર્લ્સ સ્કુલનો વિકાસ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે કરવામાં આવનાર છેે. રાજય સરકારશ્રીનો આ નિર્ણય આવકારદાયક છે. શહેરમાં આવી ઐતિહાસીક શૈક્ષણીક સંસ્થાઓ ટકી રહે અને વિકાસ પામે તેની અતિ આવશ્યકતા છે.

ડો.નિદત બારોટે કુલપતિને પત્ર પાઠવી જણાવેલ કે  રાજય સરકારની આ પહેલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્વીકારી લેવી જોઇએ.

રાજય સરકારને આ બંને ઐતિહાસીક શાળાઓ સંભાળવા અને તેનો વિકાસ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તૈયાર છે તેવો અભિગમ રાજય સરકારને જણાવવો જોઇએ. મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી દ્વારા સ્કુલ ચલાવવામાં આવે છે એટલે યુનિવર્સિટી દ્વારા શાળા સંભાળતી અને ચલાવવી તે કાયદાકીય રીતે પણ શકય છે. આમ કરવાથી રાજય સરકારનો હેતુ પુરો પડશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વિદ્યાર્થીઓ માટે શહેરની મધ્યમાં સેન્ટર શરૂ કરી શકાશે. આમ યુનિવર્સિટીને સામાજીક ઉતરદાયીત્વ નિભાવવાનો મોકો મળશે જેનો લાભ ભવિષ્યમાં નેકના એક્રીડીટેશનમાં પણ થશે.

અગાઉની સેનેટ મીટીંગમાં ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડના પુર્વ સદસ્ય અને આ સેનેટ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે દરખાસ્ત કરી હતી કે યુનિવર્સિટીમાં તાલીમી વિદ્યાર્થીઓની કોલેજો ઉપરાંત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષણ વ્યવસ્થા માટે જે પ્રયોગો કરાઇ છે તે માટે એમ.એસ.યુનિવર્સિટીની જેમ પ્રાયોગીક શાળા હોવી જોઇએ. જે વાતને તમામ સેનેટ સભ્યોએ સ્વીકારી સીન્ડીકેટને યોગ્ય કરવા ભલામણ કરી હતી. રાજય સરકારના ઐતિહાસીક શાળાના વિકાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હકારાત્મક અભિગમ અપનાવી સામેથી રાજય સરકારને દરખાસ્ત કરી બંને શાળાઓ સંભાળવા અને નિભાવવા તૈયારી બતાવે તેવી અંતમાં ડો.નિદત બારોટે  અનુરોધ કરેલ છે.

(3:54 pm IST)