Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જેટકો ચોકડી-રૈયાધાર ખાતે નવા બની રહેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારી ઇએસઆરની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરઃ ત્રણેય પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા સુચના

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને આપવામાં રહેલી વિવિધ સુવિધાઓનું માળખું વધુ ને વધુ મજબુત બને તે માટે આવશ્યકતા અનુસાર અલગઅલગ પ્રોજેકટ હાથ ધરવામાં આવે છે. શહેરના વિકાસમાં પીવાના પાણીની સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  પીવાના પાણીનું એકત્રીકરણ, શુદ્ઘિકરણ અને વિતરણનું સમગ્ર માળખું વધુ મજબુત અને સમૃદ્ઘ બને તે માટે હાલ મહાનગરપાલિકા દ્વારા જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે બની રહેલા નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં બની રહેલ નવા ઈ.એસ.આર.ની કામગીરી સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આજે અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી આ ત્રણેય પ્રોજેકટ્સ સાઈટ્સની મુલાકાત કરી હતી. આ ઉપરાંત રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવા માટે થતી પ્રક્રિયા વિશે પણ કમિશનરશ્રીએ માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરએ આ ત્રણેય પ્રોજેકટ સાઈટ્સની વિઝિટ કરી કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે આ ત્રણેય પ્રોજેકટ ઝડપભેર પૂર્ણ કરવા દિવસ રાત કામગીરી આગળ ધપાવવા સૂચના આપી હતી.

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે એડિશનલ સિટી એન્જિનિયર એમ. આર. કામલિયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેર હિતેશભાઈ ટોળીયા હરેશભાઈ સોંડાગર અને જગદીશભાઈ શીંગાળા, કેમિસ્ટ એ. બી. જાડેજા, અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)