Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જિલ્લા પંચાયતને લગતા પ્રશ્નો આંગળીના ટેરવે : 'એપ' લોકાર્પણ કરતા વિજયભાઇ

પ્રમુખ ભૂપત બોદરે આધુનિક ટેકોનોલોજી આધારિત સુવિધા ઉપલબ્ધ કરાવી : પ્રશ્નોના નિકાલ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડા સુધી પહોંચાડવાની નેમ

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા બનાવાયેલ પ્રજાના પ્રશ્નો એપ.નું વિડીયો કોન્ફરન્સથી મુખમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કરેલ. આ પ્રસંગે પ્રમુખ ભૂપત બોદર, સાંસદ મોહનભાઇ કુંડારીયા ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, પંચાયતના સભ્ય મોહનભાઇ દાફડા, અગ્રણી રાજેષ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

રાજકોટ, તા. રઃ  જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે તૈયાર કરાવેલ પ્રજાના પ્રશ્નો એપ્લીકેશનનું આજે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કરેલ. આ એપ.થી ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના પ્રશ્નોની સરળતાથી રજુઆત કરી શકશે અને ઝડપી ઉકેલ આવશે તેવો વિશ્વાસ પ્રમુખે વ્યકત કર્યો છે. સોફટવેર એન્જિનીયર હીરેન, ઘેલાણીએ એપ. તૈયાર કરી છે.

પ્રમુખ ભૂપત બોદરે પત્રકારોને જણાવેલ કે રાજકોટ જિલ્લામાં અંદર આવતા ૧૧ તાલુકાઓમાં આવતા પ૯પ ગામડાઓ સાથે સીધુ સંવાદ થઇ શકે, કોઇપણ વ્યકિતને કંઇપણ પ્રશ્ન હોઇ તો એ પ્રશ્ન જિલ્લા પંચાયત પ્રમુખ સુધી પહોંચી શકે. ટેકનોલોજીના માધ્યમથી હર એક ગામડાના વ્યકિતઓને સરપંચ સાથે અને સરપંચને જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથેની કામગીરીને સરળ બનાવતી સરળ વ્યવસ્થા ગોઠવાયેલ છે. કોઇપણ વ્યકિતને પોતાના વિસ્તાર માટેનું કોઇપણ સજેશન આપવું હોઇ તો એ સીધું જિલ્લા પંચાયત પ્રમુખ સુધી પહોંચી શકે અથવા પ્રમુખ ને મળવા માટેની એપોઇન્ટમેન્ટ પણ આ સિસ્ટમ દ્વારા લઇ શકાશે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી રાજકોટ જિલ્લાના પ૯પ ગામડા સુધી પહોંચાડવા માટેનો આ પ્રયત્ન છે. ગુજરાત સરકારની બધી જ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો અને તે યોજનાઓમાં પોતાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું બધી માહિતી સરળતાથી મળી શકે છે.

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી હરએક કામગીરીની સંપૂર્ણ માહિતી પારદર્શક રીતે દરેક તાલુકા અને ગામડાના વ્યકિતઓ સુધી પહોંચવાની વ્યવસ્થા છે. ૧૧ તાલુકાઓના દરેક અધિકારીઓની સંપૂર્ણ માહિતીનું જોડાણ આ સિસ્ટમ સાથે કરેલ છે. પ૯પ ગામડાઓના સરપંચ તથા તલાટીશ્રીઓની સરનામા સાથેની સંપૂર્ણ માહિતી જિલ્લા પંચાયત પ્રમુખ પાસે મળી રહે તેવી સુવિધા એપ. માં રાખવામાં આવેલ છે.

(3:23 pm IST)