Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પતિ સાથેની માથાકુટને કારણે દિશુબેન ખુંટે આજીડેમે જઇ ઝેર પીધા બાદ પાણીમાં છલાંગ મારીઃ લોકોએ બચાવી

રણુજા મંદિર પાસે જે. કે. પાર્કમાં સાસરૂ ધરાવતી પરિણિતા માંડા ડુંગર પાસે હાલ માવતરને ત્યાં રોકાઇ હતી : પતિ અલ્પેશ પણ ૨૯મીએ અગાસીએથી પડી ગયો હતોઃ પતિ છૂટાછેડા માંગી હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ

રાજકોટ તા. ૨: કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે જે. કે. પાર્કમાં સાસરૂ  ધરાવતી અને હાલ બે દિવસથી માંડા ડુંગર પાસે માવતરના ઘરે રહેતી દિશુબેન અલ્પેશ ખુંટ (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ સવારે માવતરના ઘરેથી નીકળી આજીડેમે પહોંચી ઝેર પીધા બાદ ડેમના પાણીમાં કૂદકો મારતાં ત્યાં હાજર લોકોએ તેણીને બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પતિ સાથે માથાકુટ ચાલતી હોઇ જેથી થોડા દિવસથી તે માવતરે હતી. ત્યાંથી આજે દવા લેવા જવાનું કહીને એકટીવા લઇને નીકળ્યા બાદ પગલુ ભર્યાનું તેણે કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ એક યુવતિએ સવારે આજીડેમે પહોંચી ઝેર પીધા બાદ પાણીમાં છલાંગ લગાવતાં ત્યાં હાજર લોકોએ તેણીને બચાવી લઇ ૧૦૮ બોલાવતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પુછતાછમાં તેણીએ પોતાનું નામ દિશુબેન ખુંટ હોવાનું કહ્યું હતું. આજીડેમ પોલીસ મથકમાં આ અંગે એન્ટ્રી નોંધાવાઇ હતી.

દિશુબેને કહ્યું હતું કે તેણીના લગ્ન બે વર્ષ પહેલા જે. કે. પાર્કના અલ્પેશ ખુંટ સાથે થયા છે. પોતાના માવતર માંડા ડુંગર નજીક ઓમ તિરૂમાલા પાર્કમાં રહે છે. પિતાનું નામ મનોજભાઇ તલસાણીયા અને માતાનું નામ ભાવનાબેન છે. પોતે એક ભાઇ એક બહેનમાં મોટી છે. પતિ અગાઉ ઇમિટેશનનું કામ કરતો હતો. હાલમાં કંઇ કામ કરતો નથી. પોતાને માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરાય છે અને પતિ છુટાછેડા આપી દેવા કહી સામા પૈસા માંગે છે. પોતે માંડા ડુંગર પાસે બ્યુટી પાર્લર ચલાવે છે અને દરજી કામ પણ કરે છે. ૨૯મીએ પતિ અગાસીએથી પડી ગયો હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોતે હાલ માવતરને ત્યાં હોઇ ત્યાંથી આજે સાસરીયે જવા નીકળી હતી. રસ્તામાંથી પતિને ફોન કર્યો હતો. પણ તે ફોન ઉઠાવતો ન હોઇ માઠુ લાગી જતાં આજીડેમે જઇ ઝેર પીધા બાદ પાણીમાં ઠેકડો માર્યો હતો. જો કે લોકોએ બચાવી લીધી હતી. તેણીના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:18 pm IST)