Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કાગદડીના મહંતના આપઘાત કેસમાં વકીલ રક્ષીત કલોલાની ધરપકડ સામે ૧૬ જુલાઇ સુધી હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ તા. રઃ કાગદડીના મહંતના આપઘાત કેસમાં રાજકોટના એડવોકેટ રક્ષીત કલોલાની ધરપકડ સામે ગુજરાત હાઇકોર્ટે ૧૬ જુલાઇ સુધીનો સ્ટે ફરમાવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડો. નિમાવતની ધરપકડ સામે પણ હાઇકોર્ટે તેઓની અટકાયત ન કરવી તેવો ૧૬ જુલાઇ સુધીનો સ્ટે ફરમાવેલ હતો.

આ કિસ્સામાં હાઇકોર્ટે ડોકટરને રાહત આપતા તેના પગલે વકીલે પણ હાઇકોર્ટમાં કરેલ આગોતરા અરજીના સંદર્ભમાં હાઇકોર્ટે આજે તેઓને પણ ૧૬ જુલાઇ સુધી અટકાયત કરવી નહિં તેવી વચગાળાની રાહત આપી છે.

રાજકોટ મોરબી રોડ ઉપર કાગદડી ગામે ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાત પ્રકરણમાં બનાવ જાણવા છતાં જાહેર નહિ કરવાના ગુનામાં આરોપી વકીલ કલોલા તેમજ ખોટું ડેથ સર્ટિફિકેટના આરોપી ડો. નિમાવતની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

આ કેસની હકીકત મુજબ રાજકોટની ભાગોળે કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસજીએ આપઘાત કર્યો હોવાની જાણ હોવા છતા  ટ્રસ્ટી વકીલ રક્ષિત કલોલા સામે  પોલીસમાં જાહેરાત વિના મહંતની અંતિમ વિધિ કરી નાંખવા તેમજ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધાયો છે. જેમાં વકીલ રક્ષિત કલોલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ ઉપરાંત મહંતે આપઘાત કરી લીધા છતાં તેને હાર્ટએટેક આવી ગયાનું બોગસ ડેથ સર્ટિફિકેટ તૈયાર કરવાની ડો. નીલેશ નિમાવતે તેની હોસ્પિટલમાં કામ કરતા ડો. કમલેશ કારેલીયાને સુચના આપી હતી, ડો. કારેલીયાના કહેવાથી મેડીકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રાએ સર્ટિફિકેટ બનાવી આપ્યું હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તપાસનીશ પોલીસ અધિકારીની એફિડેવિટમાં ડોકટરે એમ્બ્યુલન્સ બોલાવી મહંતનો મૃતદેહ પી.એમ. માટે લઈ જવાને બદલે પોતાની હોસ્પિટલે લઈ જઇ હોસ્પિટલ પાસે ૧૦ મિનિટ ગાડી ઉભી રાખી હતી. જેના સીસીટીવી ફૂટેજ હોવાનું અને બાદમાં આશ્રમ ખાતે લઇ જઈ અંતિમ વિધિ કરી નાંખી હોવાનું તેમજ હાર્ટ એટેકથી મૃત્યુ થયાના સર્ટિફિકેટની વ્યવસ્થા કર્યાનો ગુનો આચર્યો હોવાનું બહાર આવતા પોલીસે સરકારી વકીલ રક્ષિત કલોલા અને ડૉ.નિમાવત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહંતના આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા સરકારી વકીલ કલોલા અને ડો. નિમાવતે પોલીસ ધરપકડની દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ સરકારી વકીલ રક્ષિત કલોલા અને ડૉ.નિમાવતની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ કામમાં હાઇકોર્ટમાં વકીલ વતી એડવોકેટ ભરતભાઇ નાયક તથા પ્રેમલભાઇ રાચ્છ તથા રાજકોટના એડવોકેટ અનિલભાઇ દેસાઇ રોકાયા હતાં.

(3:17 pm IST)