Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

શહેરમાં 'સ્માર્ટ ખાડા' : રસ્તામાં પાણીના ખાબોચીયા : તંત્રની પોલ છતી

તાત્કાલીક પેચવર્ક : પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા ફલાઇંગ સ્કવોડની જાહેરાત પોકળ

સ્માર્ટ સીટી કે ખાડા નગરી ? : શહેરને સ્માર્ટ સીટી બતાવવાની વાતો પોકળ હોવાની પ્રતિતિ કરાવતી આ તસ્વીરમાં વોર્ડ નં. ૧૮ના રાજ માર્ગો મોટા ગાબડા અને પાણીનાં ખાબોચિયા ભરેલી સ્થિતિમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર :  મ.ન.પા.માં તંત્ર વાહકોએ ચોમાસામાં રસ્તાના ખાડાઓમાં પંચવર્ક અને રસ્તાઓમાં  પાણી ભરાવાની સમસ્યા સહિતના લોક પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા ''ફલાઇંગ સ્કવોડ''ની રચના  સહિતની જાહેરાતો કરાઇ હતી પરંતુ આ જાહેરાત પોકળ સાબીત થઇ રહી છે.

કેમકે વોર્ડ નં. ૧૮માં ઢેબર રોડ માલધારી રેલ્વે ફાટક વિસ્તારના જાહેર માર્ગો અત્યંત જર્જરીત અને મોટા ખાડા ઓ વાળા તેમજ આ ખાડાઓમાં પાણીના તળાવ ભરાઇ ગયેલ હોવાની સ્થિતિ આજે પણ યથાવત છે.

આ અંગે બાબરીયા કોલોની વિસ્તારનાં સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશનરશ્રીને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે વોર્ડ નં. ૧૮ના રિધ્ધ-સિધ્ધી સોસાયટીના નાલા પુલની અંદર તથા ઢેબરભાઇ રોડ વરસાદ પડ્યા બાદ આ ખાડાઓમાં પાણીનાં તળાવડા ભરાયા છે. જેના કારણે કાદવ-કીચડથી ગંદકી તેમજ મોટા ખાડા હોવાથી નાના-મોટા અકસ્માતો થવાનો ભય છે.

ઉપરાંત આ રસ્તાઓ પર ભારે વાહનોનો ટ્રાફિક હોઇ ખાડાઓમાં વાહનો ફસાવાની ભીતી પણ છે.

માલધારી રેલ્વે ફાટક સુધીનો રોડ વગેરે મુખ્ય રસ્તાઓ પર એસ.ટી. બસ ત્થા માલવાહક વાહનોનો ટ્રાફીક રહે છે. આથી આ રોડ અત્યંત જર્જરીત અને મોટા મોટા ખાડાઓ વાળા થઇ ગયા છે.

આથી આ રસ્તાઓ પર યુદ્ધના ધોરણે ખાડાઓ બુરવા માટે મોરમ-મેટલીંગ નંખાવી પેચવર્ક કરાવવુ અત્યંત જરૂરી છે. અન્યથા આ રસ્તાઓ પર પસાર થતા પેસેન્જર વાહનો અને માલવાહક વાહનોના અકસ્માતનો ભય છે.

(3:15 pm IST)