Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હાલ કોઈ મોટી સિસ્ટમ્સ નથી : તા.૯ થી ૧૬ વાતાવરણ સુધરશે

દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ ૧૯ જૂનથી આગળ વધ્યુ જ નથી, આગામી પાંચેક દિવસ હજુ આગળ ધપવાની કોઈ સંભાવના નથી : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : તા.૮ જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં અમુક દિવસે છુટોછવાયો તો ગુજરાત તરફ લગભગ દિવસોમાં શકયતા : હજુ બે દિવસ પવનનું જાર રહેશે, બાદ ઘટશે : તા.૭-૮ જુલાઈના ફરી વધશે

રાજકોટ, તા. ૨ : આ સપ્તાહમાં નહિં પણ આવતા અઠવાડીયાથી એટલે કે તા.૯ થી ૧૬ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વરસાદી માહોલમાં સુધારો આવશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ‘અકિલા’ સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગત ૧૯ જૂનથી આગળ વધ્યુ જ નથી. હાલમાં રાજસ્થાનના અમુક ભાગોથી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ યુપીના થોડાક ભાગોમાં હજુ ચોમાસાને બેસવાના બાકી છે. હજુ પણ પાંચેક દિવસ આગળ વધવાની કોઈ સંભાવના નથી.

એક ટ્રફ પશ્ચિમ યુપીથી આસામ તરફ જાય છે (વાયા પૂર્વ યુપી - બિહાર અને પશ્ચિમ બંગાળ) સામાન્ય રીતે ટ્રફ રાજસ્થાનથી એમ.પી., ઓડીશા થઈ બંગાળની ખાડી તરફ જતો હોય છે.

મધ્ય પશ્ચિમ રાજસ્થાન લાગુ પાકિસ્તાન બોર્ડર ઉપર ૩.૧ કિ.મી.ના લેવલનું એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. હાલમાં ગુજરાતમાં કયાંક કયાંક છૂટોછવાયો વરસી જાય છે. તો સૌરાષ્ટ્રમાં પ્રમાણ ઓછુ જોવા મળે છે. ગરમીની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદમાં ૩૭.૩ (૩૬ ડિગ્રી નોર્મલ), રાજકોટ - ૩૬.૩ (૩૫ ડિગ્રી નોર્મલ), ભુજ - ૩૪.૭ (૩૬ ડિગ્રી નોર્મલ), સુરેન્દ્રનગર - ૩૮.૧ મહત્તમ તાપમાન નોîધાયુ. આમ મહત્તમ તાપમાન નોર્મલથી થોડુ ઉંચુ જાવા મળી રહ્યુ છે. હાલમાં પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૨ થી ૮ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવે છે કે હાલ કોઈ મોટી સિસ્ટમ્સ નથી, આગાહીના સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં અમુક દિવસે છૂટોછવાયો વરસી જાય જયારે ગુજરાત તરફ આગાહીના લગભગ દિવસોમાં છુટોછવાયો વરસાદ પડશે. તો હાલ કેટલાક દિવસોથી પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. જે બે દિવસ હજુ રહેશે. તા.૪ થી ૬ જુલાઈ દરમિયાન પવનની ઝડપમાં આંશિક ઘટાડો આવશે. જે તા.૭ અને ૮ જુલાઈમાં ફરી ૨૦ થી ૩૦ કિ.મી.ની ઝડપે પહોંચી જશે.

  • આગોતરૂ એંધાણ

તા.૯ થી ૧૬ જુલાઈ દરમિયાન વરસાદનો માહોલ સુધરશે.

(2:46 pm IST)