Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સો વાતની એક વાત-જીવવું હોય, દૂકાનો ચલાવવી હોય તો પૈસા દેવા પડશે...ખંડણીખોર થાનના કનુને રાતોરાત દબોચી લેવાયો

ત્રણ વર્ષ પહેલા બૂલેટ લઇને આવી કહ્યું-હાલો એય દૂકાનો બંધ કરો, મને ઓળખો છો હું ધીરૂબાપુનો દિકરો કનુઃ એ પછી ગત ફેબ્રુઆરીથી ખંડણી ઉઘરાવવા માંડ્યો : કુવાડવા પોલીસે કુવાડવાના પટેલ વેપારીની ફરિયાદ પરથી કાર્યવાહી કરીઃ હજુ એક બૂલેટવાળા શખ્સની શોધખોળ : એસીપી ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, હિતુભા ઝાલા, અરવિંદભાઇ મકવાણા અને વિરદેવસિંહ સહિતની ટીમે કનુ કરપડાને થાનથી પકડ્યો : પહેલા ૩ લાખ સોનીબજારના આંગડીયા મારફત વસુલ્યા હતાં: બીજા ૩૫ હજાર રૂપિયા લેવા એક છોકરાને બૂલેટ લઇને મોકલ્યો'તો : સતત ફફડતાં વેપારીએ છેલ્લે પુત્ર-પોૈત્રએ આપેલી હિમ્મતને કારણે પોલીસને જાણ કરીઃ એ સાથે કુવાડવા પોલીસે આકરી કાર્યવાહી કરી : વર્ષો પહેલા કુવાડવા રહેતાં ધીરૂભાઇ કરપડા હાલ હયાત નથીઃ તેનું વીસ વર્ષ પહેલા ફૂલેકુ કઢાયું હતું એ જોનારા બધાની જિંદગી બગાડી નાંખવાની ધમકી પણ કનુએ આપી'તી

રાજકોટ તા. ૨: થાનગઢ રહેતાં અને હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ, દારૂ, છરી, મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કનુ કરપડા નામના શખ્સે કુવાડવાના પેંડાના વેપારી પટેલ વૃધ્ધને ચિઠ્ઠી લખી ધમકી દઇ તેના એકના એક દિકરાને મારી નાંખવાની ધમકી આપી રૂ. ૩.૩૫ લાખની ખંડણી પડાવી લેતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી આ શખ્સને રાતોરાત દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

આ બારામાં કુવાડવા પોલીસે કુવાડવા ગામ પટેલવાડી સામે રહેતા અને ગામમાં ફેમસ ડેરી નામે દૂધ દહી પેંડાનો વેપાર કરતાંમોહનભાઇ ઠાકરશીભાઇ ઢોલરીયા (પટેલ) (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી થાનગઢ રહેતાં અને હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ, દારૂ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કનુ ધીરૂભાઇ કરપડા (કાઠી) (ઉ.વ.૩૪) તથા બૂલેટ નં. ૬૫૧૯ પર આવેલા અજાણ્યા ૨૦ વર્ષના શખ્સ સામે આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી રાતોરાત કનુને થાનથી ઉઠાવી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

મોહનભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહુ છું અને કુવાડવા ગામમાં મેઇન બજારમાં મારી ડેરી છે. આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ કનુ  ધીરૂભાઈ કરપડા ત્યા બજારમાં આવેલ અને અમો ચાર પાંચ દુકાનવાળાઓને દુકાન બંધ કરવાનું કહ્યું હતું.  તે વખતે મને કનુ કરપડાએ કહેલ કે, મને ઓળખો છો? હુ ધીરૂબાપુ કાઠીનો દિકરો, હાલો બધાય દૂકાનો બંધ કરો'... એ વખતે મને ખબર પડેલ હતી કે આ ધીરૂભાઇ કરપડાનો દિકરો છે.ધીરૂભાઇ વિસેક વર્ષ પહેલા કુવાડવા ગામમાં રહેતા હતાં. જેને હું ઓળખતો હતો. હાલમાં ધીરૂભાઇ હયાત નથી. મને જાણવા મળેલ કે કનુ કરપડા માથાભારે માણસ છે અને હથીયારો રાખવાના અને મારામારીના ગુનામાં પોલીસમાં ઘણી વખત પકડાયેલ છે.એ પછી આ કનુ કરપડા દોઢ બે વર્ષ પહેલા કુવાડવા જી.ઈ.બી.ના અધિકારી સાથે  માથાકુટના ગુનામાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. આ ઉપરાંત તેની સામે બીજા સુરેન્દ્રનગર જીલ્લાના ગુનાઓ પણ તેના ઉપર નોંધાયેલા છે. જેથી મને ખબર હતી કે આ માથાભારે માણસ છે.

દરમિયાન ગત તા. ૧૩/૦૨/૨૦૨૧ના રોજ લગભગ સાંજના પાંચેક વાગ્યે કનુ કરપડા મારી દૂકાને આવેલ હતો અને મને એક ચિઠ્ઠી આપી તુરંતજ નિકળી ગયો હતો. મંે ચિઠ્ઠી વાંચતા તેમા મને ધમકી આપતું લખાણ હતું.  તેમાં લખ્યું હતું  કે, ૧૦૦ વાતની એક વાત, તમારી બઉ પેલા અમે જોયુ છે, તમે હાજર હતા અને મારા બાપુનુ ફુલેકુ ગામમાં નિકળ્યુ હતું એ તમને જરૂર યાદ હશે અને એજ મારા બાપુ અને મને કહેતા ગયા છે હવે મારા ફુલેકા જેને જોયા છે એમની જીંદગી બગાડી નાખજે,અને પોઇન્ટની વાત, તમારે એક દિકરો અને એકનો એક, જાજી વાતુના ગાડા ભરાય એમા બધુ સમજી જાવાનુ,આમંત્રણ-શ્રી કનુભાઇ (સાથે મોબાઇલ નંબર)'...તેવું લખાણ ચિઠ્ઠીમા હતું. જેથી મને આ ધમકીની ચિઠ્ઠી લાગેલ પણ મને શું કામ, ક્યા ઇરાદે ધમકીની ચિઠ્ઠી આપેલ તેની મને ખબર પડેલ નહી અને ચિઠ્ઠી મે મારી પાસે રાખી દિધેલ હતી મે કોઈને આ બાબતે વાત કરેલ ન હતી.

આ પછી ત્રણ-ચાર દિવસ બાદ આ કનુ કરપડા  બપોર પછી ચારેક વાગ્યાની આસપાસ મારી દુકાને આવેલ અને મને કહેલ કે ચીઠ્ઠીમા મારા મોબાઇલ નંબર આપેલ હતા તો'ય ફોન કેમ નો કર્યો? જેથી મે કહેલ કે હંુ ફ્રી નહોતો જેથી ફોન નથી કર્યો, તો તેણે મને કનુએ કહેલ કે,હવે જે કાઇ હોય પૈસા લેવાના થાય છે,  જીવવું હોય અને દુકાનો ચલાવવી હોય તો. જેથી હું મુંજાઇ ગયેલ હતો અને તેણે મને કહેલ કે બે દિવસની અંદર મને ફોન કરજો, નહીતર પરીણામ સારૂ નહિ આવે. એ પછી તે જતો રહેલ. બીજે દિવસે મે મારા મોબાઇલ પરથી આ કનુ કરપડાને ફોન કરેલ હતો અને વાત કરેલ ત્યારે મને તેણે જણાવેલ કે, પાંચ જણાને ચિઠ્ઠી આપેલ છે તમે આજે ફોન કર્યો એટલે તમારે ખાલી ૩ લાખ આપવાના છે, બીજા બધા પાસેથી પાંચ લાખ લેવાના છે. જેથી મે કહેલ કે મારી પાસે એટલા બધા પૈસા નથી તેણે કહેલું કે, આવી બધી ચર્ચા હુ ફોનમા નથી કરતો પૈસા ટાઇમે પહોચી જવા જોઇએ કેવી રીતે પહોચતા કરશો તે હું જણાવીશ. ટાઈમે પૈસા મળશે નહી તો તમારે એકનો એક દિકરો છે તે સમજી લેજો મર્ડર કરતા વાર નહિ લાગે. તેની આવી ધમકીથી હું એકદમ ડરી ગયેલ હતો અને મેં કોઈને વાત પણ કરી નહોતી.

એ પછી ત્રણેક દિવસ પછી ફરીવાર આ કનુકરપડાનો ફોન આવેલ હતો અને તેણે જણાવેલ હતુ કે, મારે ત્રણ લાખ રૂપીયા આવતી આઠ તારીખે જ જોઇએ છે,  તમારે જે વ્યવસ્થા કરવી હોય તે કરી નાખજો અને મને આઠ તારીખ સુધીમાં પૈસા મળશે નહી તો એનુ પરીણામ ભોગવવા તમે તૈયાર રહેજો. આવી ધમકી આપી હતી.

ત્યારબાદ તા. ૮/૩/૨૧ના સવારના અગીયારેક વાગ્યાના અરસામાં મે કનુ કરપડાને ફોન કરેલ હતો અને જણાવેલ કે આ પૈસા કઈ રીતે આપવાના? જેથી કનુએે જણાવેલ કે,  પી.એમ.આંગડીયા પેઢી સોની બજારમાં આવેલ છે ત્યાં જમા કરાવી દેજો અને મારા નામે થાન મોકલાવી દેજો. જેથી મારી પાસે રોકડા પૈસાની વ્યવસ્થા ન હોઇ જેથી મે સી.કે. જીનના અંકુરભાઈ કાકડીયાને વાત કરેલ હતી અને તેણે પૈસાની વ્યવસ્થા કરી આપવાનું જણાવેલ હતુ. ત્યારબાદ ત્યાં વહીવટ સંભાળતા વલ્લભભાઈ કાકડીયાએ રૂપીયા ત્રણ લાખ રોકડા આપેલ હતા અને તે ત્રણ લાખ રૂપીયા મેં આંગડીયામાં જમા કરાવી દીધા હતાં. તે પછી મેં કનુને ફોન કરેલ પણ ઉપાડેલ નહી જેથી મે ફરીવાર એક કલાક પછી ફોન કરેલ ત્યારે તેણે ફોન ઉપાડેલ અને પોતાને પૈસા મળી ગયા છે તેવું કહ્યું હતું. મારી પાસે કનુએ ત્રણ લાખ ખંડણી લીધેલ છે તેવી વાત મે મારા ઘરે કરી નહોતી. તે માથાભારે હોઇ હું ફરિયાદ કરતાં પણ ડરતો હોઇ મારા રેગ્યુલર ધંધે ચડી ગયો હતો.

આ પછી ગત તા. ૧૨/૦૬/૨૧ના રોજ ચારેક વાગ્યે કનુએ મને ફોન કરી ફરીવાર તાત્કાલીક રૂ. ૩૫ હજારની જરૂર છે તેમ કહેતાં મેં ના પાડતાં તેણે  ધમકી આપેલી કે તારા એકના એક છોકરાને ગામમા નિકળવુ અઘરૂ પડશે અને ગમે ત્યારે ખુન થઈ જાય અને ટાંટીયા પણ ભાંગી જશે અને દુકાન પણ નહી ખોલવા દઉ. આથી હું ડરી ગયો હતો અને પૈસા આપવા તૈયાર થયો હતો. એ પછી તેણે એક છોકરાને વાઘેલા પાન પાસે બૂલેટ નં. ૬૫૧૯ લઇને મોકલ્યો હતો. તેને મેં પૈસા આપી દીધા હતાં.

આ પછી મારા ઘરના લોકોએ મને પૈસા બાબતે પુછતા મે આ બધી હકીકત જણાવી દીધી હતી અને મારા પુત્ર સતીષ અને પૌત્ર રાજે જણાવેલ કે આવા માથાભારે માણસો તો આપણી પાસે આવી રીતે કાયમ પૈસા માંગે અને આપણે તેનંુ કઇ કરી પણ ના શકીએ, આપણે આ બાબતે પોલીસ ફરીયાદ કરવી જાઇએ.  જેથી મે પોલીસમા અરજી કરવાનું વિચારેલ અને તે પછી મે આ બબતે અરજી કરી હતી. તેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ.આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ સહિતની ટીમે તત્કાલ ગુનો નોંધી ગત રાતે જ થાન પહોંચી માથાભારે કનુ કરપડાને ઉઠાવી લીધો હતો. તેની વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે. તેમજ તેના વતી બૂલેટ પર આવી પૈસા લઇ ગયેલા શખ્સની પણ શોધખોળ હાથ ધરાઇ છે.

  • નવતર કિમીયો...ચિઠ્ઠી લખીને ધમકી દીધી...જે વેપારીએ પહેલો ફોન કર્યો તેને બે લાખનું ડિસ્કાઉન્ટ!

કનુએ વેપારીઓને ધમકાવવા ચિઠ્ઠીઓ લખી હતી. પાંચ વેપારીને આવી ચિઠ્ઠી આપી હતી. વાંચી ફોન કરતાં કનુએ કહ્યું-મેં પાંચ જણાને ચિઠ્ઠી આપી છે, તમારો પહેલો ફોન છે એટલે તમારે ૩ લાખ દેવાના, બીજા પાસેથી પાંચ-પાંચ લાખ લઇશ! તેવું કનુએ કહી સતત ગર્ભીત ધમકી આપી ખંડણી પેટે પૈસા પડાવ્યા હતાં.

(12:53 pm IST)