Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

માયાણીનગરના ખેડૂત સાથે જમીનના સોદામાં પડધરી ખજુરડીના મનસુખ વેકરીયા સહિત ત્રણની છેતરપીંડી

રોકડા લઇ વેંચાણ કરાર કર્યા બાદ મનસુખે આ જમીનનો રણછોડનગરના લાલજી વેકરીયા અને લક્ષ્મીબેન વેકરીયાના નામે દસ્તાવેજ કરી દીધાની એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨: માયાણીનગરમાં રહેતાં ખેડૂત પટેલ વૃધ્ધ સાથે પડધરીના ખજુરડીના શખ્સે જમીનના સોદા પેટે વેંચાણ કરાર કરી રૂ. ૨,૫૦,૦૦૦ લઇ લીધા બાદ આ જમીન બારોબાર બોગસ દસ્તાવેજ ઉભા કરી બીજાને વેંચી દઇ ઠગાઇ કરતાં મામલો પોલીસ સુધી પહોંચતા ખજુરડીના પટેલ શખ્સ તથા બીજા એક દંપતિ સામે ગુનો દાખલ થયો છે.

મવડી પ્લોટ માયાણીનગર-૨માં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ૬૦ વર્ષના મહેશભાઇ મોહનભાઇ હાપલીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે આ મામલે પડધરીના ખજુરડીના મનસુખ વશરામભાઇ વેકરીયા, પાણીના ઘોડા પાસે પેડક રોડ પર રણછોડનગર-૨૪/૨૬ના ખુણે રહેતાં લાલજી ખીમજીભાઇ વેકરીયા તથા લક્ષ્મીબેન લાલજી વેકરીયા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૧૫, ૪૧૭, ૪૨૦, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ૧૨૦-બી મુજબ કાવત્રુ ઘડી છેતરપીંડી કરી મહેશભાઇની પડધરીના ખજુરડી ગામે આવેલી જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરી જમીન વેંચી નાંખી કોૈભાંડ આચરવાનો ગુનો નોંધ્યો છે.

મહેશભાઇ હાપલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પડધરીના ખજુરડી ગામે જુના સેર્વ નં. ૫૧ પૈકી ૨ (નવા સર્વે નં. ૧૨૮)ની ખેતીની જમીન હે.આરે.ચો.મી. ૧-૮૧-૧૦ તથા જુના સર્વે નં. ૫૨/૩ પૈકી ૪ (નવા સર્વે નં. ૧૨૯)ની ખેતીની જમીન હે.આરે. ચો.મી. ૨-૩૬-૭૪ મળી કુલ ૪-૧૭-૮૪ મનસુખભાઇ વશરામભાઇ વેકરીયાની માલિકીની અને કબ્જા ભોગવટાની છે. આ જમીન અમે મનસુખભાઇ વેકરીયા પાસેથી તા. ૩/૧૨/૨૦૦૮ના રોજ રૂ. ૧૪,૮૫,૦૦૦ નક્કી કરી ૨,૫૦,૦૦૦ રોકડા અવેજની રકમ ચુકવી વેંચાણના સાટાખત કરારથી ખરીદ કરી છે.

આ વાદગ્રસ્ત જમીનનાભાગ વધી જતાં મનસુખભાઇએ મારી સાથે વેંચાણ કરાર કર્યો હોવા છતાં મારી જાણ બહાર છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી આ જમીન લાલજી ખીમજીભાઇ વેકરીયાને ૨-૩૬-૭૪ પૈકીની હે.આરે. ૨-૦૨-૩૪ રજીસ્ટર વેંચાણ દસ્તાવેજથી તા. ૨૮-૧૧-૨૦૧૯ના રોજ વેંચી દીધી છે. તેમજ લક્ષ્મીબેન લાલજી વેકરીયાને તેનો વેંચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. આમ મનસુખ વેકરીયાએ ઠગાઇના ઇરાદે મારી સાથે રૂ.૨,૫૦,૦૦૦નો વેંચાણ કરાર કરી રોકડા લઇ લીધા બાદ રકમ પચાવી પાડી છે. લક્ષ્મીબેન લાલજી વેકરીયાના નામે વેંચાણ દસ્તાવેજ કરી અપાયો તેમાં મારી (મહેશભાઇની) ખોટી સહી કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી પડધરી મામલતદારશ્રી સમક્ષ ચાલતાં જમીન તકરાર કેસમાં બાંહેધરી પત્રક રજૂ કરી સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.

પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં પીએસઆઇ વી. સી. પરમારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)