Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પીડીયુ મેડિકલ કોલેજની લેબોરેટરીમાં ટેકનીશિયનનો આપઘાતનો પ્રયાસઃ દરવાજો તોડીને બચાવી લેવાયા

મહિલા કર્મચારીના પગલાથી ચકચારઃ ગળાફાંસો ખાવા પ્રયાસ કર્યોઃ કારણ અંગે રહસ્ય

રાજકોટ તા. ૨: પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલી પીડીયુ મેડિકલ કોલેજની લેબોરેટરીમાં આજે બપોરે લેબ ટેકનીશિયન મહિલા કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. દેકારો મચી જતાં સ્ટાફ દોડી ગયો હતો અને મહામહેનતે દરવાજો તોડીને તેમને બચાવી લેવામાં આવ્યા હતાં. જો કે આ બનાવ અંગે પોલીસ સુધી માહિતી પહોંચી નથી. મહિલા કર્મચારીએ પારિવારીક કારણોસર આવુ પગલુ ભરવાનો પ્રયાસ કર્યો કે પછી આંતરિક મુશ્કેલીઓને કારણે આમ કર્યુ? તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મેડિકલ કોલેજના પહેલા માળે આવેલી લેબોરેટરીમાં લેબ ટેકનીશિયન તરીકે ફરજ બજાવતાં કર્ક રાશીનું નામ ધરાવતાં મહિલા કર્મચારીએ બપોરે સાડા બારેક વાગ્યે લેબોરેટરી રૂમનો દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઇ લેવાનો પ્રયાસ કર્યો હતો. સિકયુરીટી ગાર્ડ બારીમાંથી જોઇ જતાં તેણે દેકારો મચાવતાં દોડધામ મચી ગઇ હતી. બૂમાબૂમ સાંભળી નીચેના માળેથી એસઆઇ મેહુલભાઇ ત્રિવેદી, સિકયુરીટીના ઓફિસર મનિષભાઇ ત્રિવેદી સહિતના દોડી ગયા હતાં. આ બધાએ દરવાજો ખખડાવવા છતાં અને બૂમાબૂમ કરવા છતાં મહિલા કર્મચારીએ દરવાજો ન ખોલતાં અંતે બધાએ ભેગા મળી બળપૂર્વક દરવાજો તોડી નાંખ્યો હતો.આ વખતે મહિલા કર્મચારી ફાંસો ખાવાની તૈયારીમાં જ હોઇ બધાએ તેમને ટેકો આપી ઉપાડી લઇ ગાળીયામાંથી છોડાવી લીધા હતાં. બનાવને પગલે મેડિકલ કોલેજમાં ચકચાર મચી ગઇ હતી. જો કે આ બનાવ પોલીસ સુધી પહોંચ્યો નથી. મહિલા કર્મચારીના પતિને તથા પરિવારજનોને જાણ થતાં તેઓ પણ કોલેજ ખાતે દોડી આવ્યા હતાં. મહિલા કર્મચારીને બે સંતાન હોવાનું મેડિકલ કોલેજના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. મહિલા કર્મચારીએ પોતે જ્યાં નોકરી કરે છે એ લેબોરેટરીમાં જ આવુ પગલુ ભરવાનો પ્રયાસ શા માટે કર્યો? તે અંગે કોઇ સાથી કર્મચારીઓ કંઇ જાણતા નથી. જો સિકયુરીટીનું ધ્યાન ન ગયું હોત તો શું ઘટના બની ગઇ હોત તે વિચાર જ થથરાવી મુકે તેવો છે. આ મહિલા લેબ ટેકનીશિયન તરીકે કાયમી કર્મચારી છે. પોલીસ સુધી વાત પહોંચાડવામાં આવી ન હોઇ કારણ બહાર આવ્યું નથી.

(4:11 pm IST)