Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

લોકશાહી ઢબના વિરોધ પ્રદર્શનોને ભાજપના ઇશારે પોલીસ મંજુરી આપતી નથીઃ કોંગ્રેસ

નિયમ પાલન અને પોલીસ કહે તે મુજબની બાંધછોડની બાંહેધરી આપવા છતાં દેખાવો પુર્વે કોંગ્રેસ દ્વારા મંજુરી માટે થતી અરજીઓ ફગાવી દેવાય છે! : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામેના વિરોધ પ્રદર્શન વખતે યુવા આગેવાન રાજદીપસિંહ સાથે ગુન્હેગાર જેવું વર્તન અને ઘોડાને ફટકારવાની અશોભનીય ઘટનામાં પગલાની માંગ

કોંગ્રેસ દ્વારા  લોકશાહી ઢબે થતી રજુઆત અને વિરોધ પ્રદર્શનો પુર્વે પોલીસ સમક્ષ મંગાતી મંજુરીઓ ભાજપના ઇશારે ફગાવી દેવાતી હોવાનો રોષ પોલીસ કમિશ્નર સમક્ષ શહેર કોંગ્રેસ દ્વારા ઠાલવી ન્યાયીક રીતે વર્તવા અને કોંગ્રેસના યુવા આગેવાન રાજદીપસિંહ સાથે પોલીસ અધિકારીઓએ કરેલા બેહુદા વર્તનની ઘટનામાં જવાબદારો સામે પગલા લેવા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પુર્વ પ્રમુખ મહેશ રાજપુત સહીતની આગેવાની હેઠળ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. (ફોટોઃસંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨:  પેટ્રોલ-ડીઝલના કમ્મરતોડ ભાવ વધારાના મુદ્દે પ્રજાકીય ફરીયાદોનો પડઘો પાડવા કોંગ્રેસ દ્વારા રાજયભરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા થયેલા બેહુદા વર્તન અને અવારનવાર ભાજપના ઇશારે કોંગ્રેસના લોકશાહી ઢબના વિરોધ પ્રદર્શનોને ડામી દેવા પોલીસ દ્વારા થતી ચેષ્ટાને સખત શબ્દોમાં વખોડી કાઢી ન્યાયીક ઢબે પોલીસ વર્તે તે માટે રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, પુર્વ  પ્રમુખ મહેશ રાજપુત, મ્યુનિસીપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પુર્વ પ્રદેશ ઉપપ્રમુખ હેમાંગભાઇ વસાવડા, પુર્વ પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, જીલ્લા કોંગ્રેસના દિનેશ ચોવટીયા અને પ્રદીપ ત્રિવેદીની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ દ્વારા લેખીત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવાયું છે કે તા.ર૯-૬-ર૦ર૦ના ભાજપ પ્રેરીત ભારત સરકાર સામે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ત્રાસી ગયેલી જનતાના અવાજનો પડઘો પાડવા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પુર્વે તા.ર૬-૬-ર૦ર૦ના પોલીસ કમિશ્નર કચેરીમાં ઘોડા રેલી કાઢવાની લેખીત માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં તમામ નિયમોનું પાલન અને પોલીસ કહ ેતે મુજબ ઘોડાની સંખ્યા ઘટાડવા, રેલી રૂટમાં ફેરફાર કરવા અને કોવીડ-૧૯ મુજબની ગાઇડ લાઇનનું પાલન કરવા બાંહેધરી આપી હોવા છતાં મંજુરી ફગાવી દેવામાં આવી હતી. અવારનવાર પોલીસ કમિશ્નર કચેરી દ્વારા કોંગ્રેસ સાથે ઉપર મુજબનું વલણ અખત્યાર કરવામાં આવે છે. તેના પરથી એવું ચિત્ર ઉપસે છે કે સરકારના ઇશારે કોંગ્રેસના લોકશાહી ઢબના વિરોધને ગળે ટંુપો આપવાનું કામ રાજકોટ પોલીસ કરી રહી છે.મંજુરી ન મળવાના કારણે શહેર કોંગ્રેસ દ્વારા અલગ-અલગ વોર્ડમાંથી અલગ-અલગ અગ્રણીઓને અને કાર્યકર્તાઓને ઘોડા પર નીકળી વિરોધ પ્રદર્શીત કરવો, તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર અને અગ્રણીઓ દ્વારા નક્કી થયું હતું. આ અંતર્ગત થઇ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન યાજ્ઞીક રોડ ઉપર યુવા આગેવાન રાજદીપસિંહ જાડેજાને ગુન્હેગારની માફક આંતરી ઘોડાને ફટકારી અત્યંત ગલીચ ભાષામાં રાજદીપસિંહ સાથે બેહુદુ વર્તન કરી ખેંચી જીપમાં ઢસડીને ફેંકી દેવાના એસીપી રાઠોડ, પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ જેબલીયાએ આચરેલું કૃત્ય અત્યંત દુઃખદ છે. આ ઘટનાના પુરાવા રૂપ મોબાઇલ વિડીયો કલીપ પણ વાયરલ થયેલી છે. આ વિડીયો કલીપના આધારે જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં અશોકભાઇ ડાંગર, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઇ રાજપુત, ડો.હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, વશરામભાઇ સાગઠીયા, કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી અશોકસિંહ વાઘેલા, દિનેશભાઇ મકવાણા, મયુરસિંહ જાડેજા, મનસુખભાઇ કાલરીયા, વિજયભાઇ વાંક, આદિત્યસિંહ ગોહીલ, ધરમ કાંબલીયા, નિદત બારોટ, નિલેશ મારૂ, પ્રતિમાબેન વ્યાસ, દિપ્તીબેન સોલંકી સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

(4:02 pm IST)