Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટ બાર એસો. ઉકળી ઉઠયું: ખાનગી સ્કુલો નહિ નફો-નુકશાનના ધોરણે ફી વસુલ કરે એવુ કરાવો

હવે વકિલોકાયદેસરની કાર્યવાહી કરશેઃ કોઇપણ વાલી બાર એસો.નો સંપર્ક કરી શકે છે : ઓનલાઇન શિક્ષણ આપવુ હિતાવહ નથીઃ મોબાઇલ-કોમ્પ્યુટર બાળકોની આંખ માટે જોખમકારક.. : ખાનગી સ્કુલવાળા પાસેથી તેની આવક-ખર્ચનો હિસાબ માંગો તો અનેક હકિકતો બહાર આવશેઃ કલેકટરને આવેદન

રાજકોટ બાર એસો. દ્વારા ખાનગી સ્કુલની ફી ઓનલાઇન શિક્ષણ અંગે કલેકટરને રજૂઆતો કરી હતી.

રાજકોટ તા. ર :.. શહેર બાર એસો.ના અગ્રણીઓએ આજે લોકડાઉનમાં શિક્ષણ ફી માફ કરવા કલેકટરને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવેલ કે, લોકડાઉનની પરીસ્થિતિમાં હાલમાં વકીલો અને વાલીઓ અનેક આર્થીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવા સમયે રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટ જીલ્લાના શિક્ષણ અધિકારી શ્રી સાહેબશ્રીને લેખીત આવેદન આપી રૂબરૂ રજૂઆતમાં જણાવેલ હતું કે દરેક સ્કુલ જુદા જુદા ઘણા ખર્ચાઓ કરે છે અને તેની સામે સ્કુલ પ્રવેશની પ્રક્રિયામાં તગડી ફી ની વસુલાત કરે છે. ઘણા સમયથી ચાલતી સ્કુલોમાં ઘણી આવકો થયેલ હશે. સ્કુલોમાં ટયુશન ફી, એડમીશન ફી, યુનિફોર્મ, પુસ્તકો આવા જુદા જુદા પ્રકારની ફી વસુલ કરવામાં આવે છે.

હાલ કોરોના વાયરસ જેવી મહામારીમાં સ્કુલો બંધ હોઇ, જેથી સ્કુલમાં વિજળી બીલ, બસોની ફી, ઓછો સ્ટાફ, જાળવણી ખર્ચ, સ્ટેશનરી ખર્ચ આવા અનેક ખર્ચાઓમાં ખૂબ ઘટાડો થયો છે., તેમજ આટલા સમયથી ખાનગી સ્કુલોએ વાલીઓ પાસેથી ફી અને ડોનેશનો ઘણું મેળવ્યું છે. તેથી હાલ આવા સમયમાં જો શિક્ષણ ફી માફ કરવા અને સિવાયના અભ્યાસ કરતા બાળકોને નહિ નફો કે નહીં નુકસાનના ધોરણે ફી વસુલ કરે અને આવી આફતમાં એક પ્રકારની દેશ સેવા કરી વાલીઓને રાહત આપી અને જે લોકો હાલ શિક્ષણને વેપાર બનાવી દીધો છે તેવુ સમજનારને હાલના સમયમાં રાહત આપી શિક્ષણ ક્ષેત્રે સારી મિસાલ કાયમ કરે તેવી અરજ છે.

તેમજ હાલ કપરા સમયમાં ઘણા વકીલો કોર્ટ બંધ હોવાથી અને બીજા વાલીઓને ધંધો - રોજગાર ચાલતો ન હોવાથી આવક બંધ હોઇ અને પરિવારનું ગુજરાન પણ મુશ્કેલીથી ચલાવી શકે તેમ હોઇ અને સ્કુલ ફી ભરવામાં મુશ્કેલી થતી હોય, તેમ છતાં સ્કુલવાળા માસિક, ત્રિમાસિક, છ માસિક જેવી ઓફરો કરી સ્કુલ ફી ભરવા માટે વાલીઓને મજબૂર કરી રહ્યા છે. તેથી પ્રાથમિક શિક્ષણ ફી માફ કરી અને તેના સિવાય અભ્યાસ કરતા બાળકોને સ્કુલ ફી માં વધુને વધુ રાહત કરી આપવા નમ્ર અરજ છે. આવેદનમાં ઉમેરાયું હતું કે, હાલ ખાનગી સ્કુલ સખ્તાઇથી ફી વસુલ કરે છે અને ફી ન ભરો એડમિશન રદ કરવા માટેનું કહે છે. તેમજ સ્કુલના ઘણા ખર્ચાઓમાં ઘટાડો થયો હોવા છતાં રેગ્યુલર ફી વસુલ કરવામાં આવે તે ગેર વ્યાજબી છે.

તેમજ પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવં હિતાવાહ નથી. ઘણા નિષ્ણાંત ડોકટરોના મત મુજબ મોઇબાઇલ કોમ્પ્યુટર બાળકોની આંખો અને માનસીક રીતે બહુ જોખમકારક અને નુકશાન કારક છે.તેમજ ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટ ફોનની જરૂર પડે છે. જે સ્માર્ટ ફોન લેવાની બધા વાલીઓની કેપેસિટી હોતી નથી અને તેને ઓપરેટ કરવા માટે પણ સક્ષમ હોતા નથી અને ઘર અને ધંધાનું કામ કાજ મુકી આજુ બાજુ વાળાની મદદ લેવી પડે છે.

બધીજ શિક્ષણ પ્રવૃતિ એક ટ્રસ્ટ છે જેના હિસાબની માહિતી જાહેર કરવી જોઇએ. ખાનગી સ્કુલવાળા પાસેથી તેની આવક અને ખર્ચાઓનો હિસાબ માંગવામાં આવે તો ઘણી હકીકતો બહાર આવે તેમ છે. તેમજ ઘણી સ્કુલોમાં કોલીફાઇડ શિક્ષકો રાખવાને બદલે બીજા શિક્ષકો રાખી તેને ઓછો પગાર આપી હિસાબોમાં વધારે પગાર દેખાડી ખર્ચાઓ વધુ દેખાડવામાં આવે છે.

આમ ઉપરોકત બાબતે પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકોને જયાં સુધી સ્કુલ ચાલુ ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ બંધ કરી ફી માફ કરવા અને તે સિવાય અભ્યાસ કરતા બાળકોને ફી માં વધુને વધુ રાહત આપાવવા અને આજે શિક્ષણ એક ધંધો બની ગયેલ હોઇ તેને બંધ કરાવી અને ખોટા ખર્ચાઓ બંધ કરાવી ફીનું ધોરણ નકકી કરી આપવા નમ્ર અરજ છે.

આ રજુઆત સંબંધે આ આંદોલન માટે રાજકોટના ઘણા બધા વકીલો પણ વાલીઓના સમર્થનમાં જોડાયેલ છે અને તમામ વકીલો કાયદેસર રીતે કાર્યવાહી કરશે જેની પણ નોંધ લેશો. કોઇપણ નાના મોટા વાલી મંડળો તથા કોઇપણ વાલીઓને સ્કુલ ફી બાબતે કોઇપણ પ્રકારની તકલીફ હોયતો નિઃસંકોચ રાજકોટ બાર એસોસીએશનનો સંપર્ક કરી શકો છો.

આવેદન આપવામાં રાજકોટ બાર એસોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ. રાજાણી(ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો. જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાઇબેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય સર્વશ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર તથા શ્યામલ  સોનપાલ, સી.એચ.પટેલ, બોઘરા, ભાજપ લીગલ સેલના હિતેશભાઇ દવે તથા વાલી મંડળની મંડળના પ્રમુખ હિંમતલાલ લાબડીયા, એન.આર., જાડેજા, ધર્મેશ સખીયા,  તૈતન્ય સાયણી, હર્ષિલ શાહ, કિશન રાજાણી, વિમલ માધાણી, પરેશ ત્રાડા, રાજુ જોશી,  વિશાલ સોલંકી વિગેરે જોડાયા હતા.

(3:59 pm IST)