Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

યુનિવર્સિટીનું HRDC ઢ ? નેક માટે નિયત સમયમાં SSR ન રજૂ થયો.... ઓનલાઈન કોર્ષ માન્ય ન થયા

બે લાખથી વધુ માસિક પગાર ધરાવતા કલાધર આર્ય અને ધીરેન પંડ્યાની અણઆવડતથી અધ્યાપકોને પારાવાર નુકશાન : મફત ઓનલાઈન કોર્ષને બદલે હવે થશે લાખોનું આંધણ : ગણગણાટ

રાજકોટ, તા. ૨ : અગાઉ એ ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિયત સમયમાં સેલ્ફ સ્ટડી રીપોર્ટ એસએસઆર રજૂ ન કરી શકતા એ ગ્રેડ યુનિવર્સિટીમાંથી છીનવાયો. પરિણામે લાખો વિદ્યાર્થીઓની એ ગ્રેડ છીનવાતા પદવી અને પ્રતિષ્ઠા બંને પડકારરૂપ બન્યા હતા. તેવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ એકેડમી સ્ટાફ કોલેજ એચઆરડીસીએ પણ તેના જવાબદાર ડાયરેકટર અને ડેપ્યુટી ડાયરેકટરની અણ આવડતને કારણે નિયત સમયમાં એસએસઆર રજૂ ન કરી શકયા. પરિણામે હજારો અધ્યાપકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરીસરમાં આવેલ એકેડમી સ્ટાફ કોલેજ એચઆરડીસી નેક કમીટી માટે જે એસએસઆર રજૂ કરવાનો હોય તે નિયત સમયમાં કરી શકી નથી. તેમજ હાલની લોકડાઉનની સ્થિતિમાં શોર્ટ ટર્મ કોર્ષ ઓરીયન્ટેશન કોર્ષ તેમજ રીફ્રેશર કોર્ષની મંજૂરી ન માગતા કોર્ષ માટે પણ માન્યતા પ્રાપ્ત ન થતાં સૌરાષ્ટ્રના અધ્યાપકોને મોટો ઝાટકો લાગ્યો છે.

કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમીક સ્ટાફ કોલેજ એચઆરડીસીમાં જો ઓનલાઈન અભ્યાસક્રમની મંજૂર થયા હોત તો અધ્યાપકો ઘરે બેઠા લોકડાઉનની સ્થિતિમાં અભ્યાસ કરી શકત અને ભારત સરકારના કરોડો રૂપિયાનું આંધણ થતા બચત.

અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ અધ્યાપક બહારથી યુનિવર્સિટી ખાતે ઓરીયન્ટેશન રીફ્રેશર કે શોર્ટ ટર્મ કોર્ષ કરવા આવે તો તેમને યુનિવર્સિટીમાં ફરજીયાત રોકાણ હજારો રૂપિયાનો ખર્ચ થતો હતો ત્યારે ભારત સરકારે ઓનલાઈન શિક્ષણ માટે દેશભરમાં છૂટ આપી છે ત્યારે સોરાષ્ટ્ર યુનિવર્સિટીના એચઆરડીસી વિભાગને માન્યતા ન મળતા ઓનલાઈન કોર્ષ ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડમીક સ્ટાફ કોલેજના ડાયરેકટર કલાધર આર્ય અને ડેપ્યુટી ડાયરેકટર ધિરેન પંડ્યા દર મહિને ૨ લાખથી વધુ પગાર મેળવતા હોય છે. મહત્વની શિક્ષણ સંસ્થામાં નિયત સમયમાં કાર્ય ન કરી શકતા ભારે રોષ ફેલાયો છે.  કલાધર આર્ય અને ધીરેન પંડ્યા ગલોફામાં તમાકાવાળા પાન ચડાવી યુનિવર્સિટીના રાજકારણમાં ધુબાકા મારે છે. એકેડેમીક સ્ટાફ કોલેજ જેવી માતબર અને ગૌરવપૂર્ણ સંસ્થામાં ચાલતુ લોલમલોલ સામે અધ્યાપક આલમમાં ભારે રોષ ફેલાયો છે.

તાજેતરમાં કલાધર આર્યના અને ધીરેન પંડ્યાના નેતૃત્વમાં ૩૦ માનીતા અધ્યાપકોને દરરોજ એક દિવસનંુ વ્યકિતદીઠ ૩૦ હજાર રૂપિયાના ખર્ચે શિક્ષણ મેળવવા અમદાવાદ લઈ ગયા હતા. જેમાં ભારત સરકારને ૩૫ લાખથી વધુ ખર્ચ થયો હોવાનું અંદાજવામાં આવ્યુ છે.

(3:58 pm IST)