Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ફરસાણના કારીગરને કોરોના થયો છે...એવો ખોટો મેસેજ વાયરલ કરનારા વિરૂધ્ધ ફરિયાદ

લક્ષ્મીવાડીના વેપારી શાંતિભાઇ અમૃતિયાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રાવ

રાજકોટ તા. ૨: કોરોના મહામારીનો અમુક લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા પણ ઉપયોગ કરતા થઇ ગયા છે. સોશિયલ મિડીયા પર ગમે તેના નામે તેને કોરોના થઇ ગયો છે...એવા મેસેજ વહેતા કરી દઇ હેરાન પરેશાન કરવામાં આવે છે. આવી એક ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. લક્ષ્મીવાડી મેઇન રોડ પર ભારત ફરસાણ નામે દૂકાન ધરાવતા વેપારી શાંતિભાઇ ઘેલાભાઇ અમૃતિયાએ લેખિત ફરિયાદ કરી પોતાની દૂકાન-ધંધાને બદનામ કરવા કોઇએ કોરોનાના નામે ખોટા મેસેજ વહેતા કર્યાનું જણાવ્યું છે.

વેપારીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે-અમારા કારીગરને કોરોના થઇ ગયો છે...આ પ્રકારનો મેસેજ કોઇએ જાણી જોઇને સોશિયલ મિડીયા પર વહેતો કરી દીધો છે. પરંતુ હકિકતમાં આવું કંઇ થયું નથી. પોતે છેલ્લા ૪૫ વર્ષથી આ દૂકાનમાં બેસી વેપારી કરે છે. કદી કોઇને નુકસાન થાય એવું કર્યુ નથી. પોતાના ધંધાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા અને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનારાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(3:08 pm IST)