Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં દિવ્યાબેનને મળ્યુ નવજીવન : હ્ય્દયમાં ગાંઠનું વિનામુલ્યે ઓપરેશન

રાજકોટ તા. ૨ : 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડયું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦  (દસ લાખ) થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ૨૦,૦૦૦ (વીસ હજાર) થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.

આવાજ એક દર્દી દિવ્યાબેન ધીરજભાઈ પરમાર (ઉ.વ. ૪૩) રહેવાસી રાજકોટ. લાંબા સમયથી હૃદયરોગથી પીડીત હતા. આ દર્દીએ રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં નિદાન માટે તપાસ કરાવી હતી. ત્યાંથી દર્દીને જાણ કરવામાં આવી કે એમને હૃદયનું ઓપરેશન કરવું પડશે.

દિવ્યાબેનના કુટુંબમાં પતિ - પત્ની બે જ જણા છે. તેઓને કોઈ સંતાન નથી. દિવ્યાબેનના પતિ છૂટક ઇલેકિટ્રક રીપેરીંગનું કામ કરે છે અને આશરે માસિક ૮ થી ૧૦ હજારની આવક ધરાવે છે. આમ, આ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ દિવ્યાબેનનું ઓપરેશન કરાવી શકે તેમ ન હતા.

દિવ્યાબેનને ચાલવામાં ખુબ જ શ્વાસ ચડતો હતો, ધબકારા અનિયમિત રહેતા હતા. આ દર્દી તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટમાં નિદાન માટે આવેલા હતા. જયાં તેમના જરૂરી રિપોર્ટસ અને ઇકો કાર્ડીઓગ્રામના નિદાન પરથી જણાયું કે દર્દીને હૃદયના ઉપરના જમણા ખાનામાં ખુબ જ મોટી ગાંઠ હતી. જે જવલ્લેજ હજારમાંથી એકાદ દર્દીમાં જોવા મળે છે. આથી દર્દીને તરત જ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલ હતા અને બીજે જ દિવસે તેમનું ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન થઈ જવાથી દર્દીને જીવનપર્યંત દવા લેવાની જરૂર રહેતી નથી. આમ, બાબાના આશીર્વાદથી દિવ્યાબેન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(3:07 pm IST)