Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જિલ્લા સહકારી બેંકની ચૂંટણી ૨૬મીએ

કોરોના પછીની પ્રથમ સહકારી ચૂંટણી, સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમો જળવાશે : મતપેટીની પદ્ધતિથી મતદાનઃ મંગળવારથી ફોર્મ ભરવાની મુદતઃ રાજકીય ગરમાવો : બેંકમાં ૨૨ વર્ષથી રાદડિયા જુથનું શાસન છેઃ આ વખતે પણ મોટાભાગની બેઠકો જયેશ રાદડિયા જુથ તરફી બિનહરીફ થવાના સંજોગોઃ ખેતીમાં ૧૩ બેઠકો - ૪૫૯ મતદારોઃ શરાફીમાં બે બેઠકો અને ૨૪૬ મતદારોઃ ઈતરમાં ૧ બેઠક ૧૦૯ મતદારો, રૂપાંતરાં ૧ બેઠક ૨૩ મતદારો

રાજકોટ, તા. ૨ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા સહકારી બેન્ક (આરડીસી)ના બોર્ડ ઓફ ડીરેકટર્સની અગાઉ મુલત્વી રહેલ ચૂંટણી પ્રક્રિયા આગળ ધપી છે. ચૂંટણી અધિકારી અને ધોરાજીના પ્રાંત અધિકારી જી.વી. મિયાણીએ ૨૬ જુલાઈએ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી જાહેર થતા સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

ખેતી વિભાગની ૧૩, બીનખેતી વિભાગની ૨ તથા રૂપાંતર અને ઈતર વિભાગની ૧ - ૧ મળી કુલ ૧૭ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ૪ જુલાઈએ કામચલાઉ મતદાર યાદી અને તા. ૬ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. તા. ૭ થી ૧૦ શહેર પૂર્વની મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા. ૧૧મીએ ફોર્મ ચકાસણી થશે. તા. ૧૩ થી ૧૫ ફોર્મ પાછા ખેંચવાનો સમય છે. જરૂર પડે તો તા. ૨૬મીએ રવિવારે સવારે ૯ થી ૪ ચૌધરી હાઈસ્કૂલ ખાતે મતદાન થશે. બીજા દિવસે સવારે ૯ વાગ્યાથી તે જ સ્થળે મત ગણતરી થશે.

જિલ્લા બેન્કમાં છેલ્લા ૨૨ વર્ષથી રાદડીયા જુથનું વર્ચસ્વ છે. વર્ષો સુધી વિઠ્ઠલભાઈ ચેરમેન રહ્યા બાદ હાલ તેમના સુપુત્ર જયેશ રાદડિયા સુકાની છે. આ વખતે પણ બધી અથવા મોટાભાગની બેઠકો રાદડીયા જુથ તરફી બીનહરીફ થઈ જાય તેવા અત્યારના સંજોગો છે. કોરોના પછી સહકારી ક્ષેત્રે પ્રથમવાર ચૂંટણી આવી રહી હોવાથી સોશ્યલ ડીસ્ટન્સ સહિતની બાબતોનું પાલન થશે.

(2:57 pm IST)