Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજારામ સોસાયટીમાં સોનલ પ્રજાપતિ પતિ, સાસુ, સસરા, દિયરના ત્રાસથી મરી જવા મજબૂર બની

કરિયાવર અને ઘરકામ મામલે સતત ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવ દીધો : આપઘાત કરનારના થાન રહેતાં માવતરની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધ્યો : દિકરીની હત્યા થયાનો માવતરે આક્ષેપ કર્યો હતો

ત્રાસથી કંટાળી મોત મેળવી લેનારી સોનલબેનનો નિષ્પ્રાણ દેહ અને દિકરીની હત્યા થયાનો આક્ષેપ કરનાર માતા-પિતા-ભાઇઓ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨: સામા કાંઠે સંત કબીર રોડ પર રાજારામ સોસાયટી-૮માં રહેતી સોનલબેન ધર્મેશભાઇ ભલગામીયા (ઉ.વ.૨૮) નામની વરીયા પ્રજાપતિ પરિણીતાએ સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. દિકરીને ટીંગાડી દઇ સાસરિયાએ હત્યા કર્યાનો માવતર પક્ષે આક્ષેપ કર્યો હતો. પોલીસે પતિ, સાસરિયાઓએ ત્રાસ આપી આ પરિણીતાને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.

સોનલબેને સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી વિજયભાઇ ગઢવીએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજુભાઇ મકવાણાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એ. એલ. બારસીયા સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સોનલબેનના લગ્ન અગિયાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર જીયાંશુ (ઉ.વ.૧ાા) તથા મોૈની (ઉ.વ.૭) છે. તેણીના માવતર થાન રહે છે. પિતાનું નામ હસમુખભાઇ ગણેશભાઇ દાનાણી અને માતાનું નામ શારદાબેન છે. સોનલબેન બે ભાઇની એકની એક બહેન હતી. માવતર પક્ષે આક્ષેપ કર્યો હતો કે અમારી દિકરીને સતત કરિયાવર અને ઘરકામ સહિતની બાબતે ત્રાસ અપાતો હતો. વારંવાર માવતરેથી પૈસા લઇ આવવા કહેવાતુ હતું. હજુ અઠવાડીયા પહેલા જ દિકરી અમારા ઘરે આવી ત્યારે જમાઇએ દસ હજાર મંગાવ્યાની વાત કરી હતી. પણ અમારી પાસે ન હોઇ પછી આપશું તેમ કહ્યું હતું. તું ઘરેથી કંઇ લાવી નથી તેમ કહી પતિ-સાસરિયા સતત હેરાન કરતાં હતાં.

થોરાળા પોલીસે આપઘાત કરનારના શારદાબેન હસમુખભાઇ દાનાણી (ઉ.૬૦-રહે. થાનગઢ, ફુલવાડી)ની ફરિયાદ પરથી મૃતકના પતિ ધર્મેશ બાબુભાઇ ભલગામીયા, સાસુ કંચનબેન, સસરા બાબુભાઇ રવજીભાઇ ભલગામીયા અને દિયર હાર્દિક બાબુભાઇ ભલગામીયા વિરૂધ્ધ આઇપીસી ૩૦૬ , ૪૯૮ (ક), ૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમો હેઠળ તેણીને ત્રાસ આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે. પીઆઇ જી. એમ. હડીયા, અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ, પીએસઆઇ બારસીયા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(12:58 pm IST)