Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટ જિલ્લા પંચાયતના ૪૦૦ તલાટીઓ હડતાલના માર્ગે : પેનડાઉન

તલાટીઓની બદલી આડેધડ થયાની લાગણી, ડી.ડી.ઓ. સામે નારાજગી

રાજકોટ, તા. ૨ :. જિલ્લા પંચાયતના વિકાસ અધિકારીએ ૨૦ તલાટીની બદલી કરી તેમાની કેટલીક બદલીઓ આડેધડ અને અન્યાયી હોવાની લાગણી સાથે આજથી તલાટી મંડળે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કોરોના જેવી અત્યંત આવશ્યક સિવાયની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તલાટી કમ મંત્રી મંડળે ડીડીઓ અનિલકુમાર રાણાવાસિયા સમક્ષ કરેલી રજુઆતનો સાનુકુળ પ્રતિભાવ ન મળતા અને ફરી મળવા ન બોલાવતા તલાટી મંડળે આંદોલનનું એલાન કર્યુ છે.

મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયા અને મંત્રી એમ.ટી. વાઘેલાના જણાવ્યા મુજબ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં જેમણે નિષ્ઠાથી ફરજ બજાવી છે અને જેની સામે કોઈ ફરીયાદ નથી તેવા કેટલાક તલાટીઓની આડેધડ બદલી કરેલ છે. આ હુકમ સુધારીને જે તે તાલુકામાં જ નિમણૂકનો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી તલાટીઓ પેનડાઉન હડતાલ રાખશે. હાલ કોરોનાની મહામારીમાં આવશ્યક સેવા તેમજ કુદરતી આપત્તિને લગતી કામગીરી સિવાયની તમામ વહીવટી કામગીરીથી તલાટીઓ દૂર રહેશે. માંગણી ન સંતોષાય ત્યાં સુધી પેનડાઉન હડતાલ યથાવત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૬૦૦ જેટલા ગામો અને ૪૦૦ જેટલા તલાટીઓ ફરજ બજાવે છે. તલાટીઓની હડતાલથી પંચાયતને લગતી કામગીરીમાં મોટી અસર આવવાની સંભાવના છે.

(11:45 am IST)