Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ડાયરાઓ બંધ થતાં ગાયક ગાંજો વેંચવા માંડ્યોઃ 'માલ' આવતાં જ બંધાણીઓને ફોન કરી કહેતો-ચાલો 'પ્રસાદી' આવી ગઇ

શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજો પકડ્યો, વધુ એક વખત સુરતનું કનેકશન નીકળ્યું : અમુક બંધાણીઓએ ગાંજાને 'દવા'નો કોડવર્ડ આપ્યો છેઃ માધાપર ચોકડી અવધ રેસિડેન્સીના મનિષદાને છએક મહિનાથી ગાંજાનો ધંધો ચાલુ કર્યો'તોઃ માલિયાસણ પાસેથી કાર સાથે દબોચી લેવાયોઃ થેલામાંથી ગાંજાના ૬ બોકસ મળ્યા : એસઓજીના જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડની બાતમી

રાજકોટ તા. ૨: શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજો ઝડપી લીધો છે. આ વખતે પણ ગાંજાનું સુરત કનેકશન સામે આવ્યું છે. એસઓજીના જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડની ચોક્કસ બાતમી પરથી માલિયાસણથી સોખડા ચોકડી વચ્ચે સફેદ રંગની જીજે૧૪એએ-૧૫૧૫ નંબરની આઇ-૨૦ કારમાં રૂ. ૯૭,૫૨૪ની કિંમતના ગાંજાના છ બોકસ લઇને નીકળેલા માધાપર ચોકડી પાસે અવધ રેસિડેન્સી એ-૨૦૨માં રહેતાં ગાયક કલાકાર મનિષદાન નવલદાન બાદાણી (ગઢવી) (ઉ.૩૨)ને ઝડપી લઇ ગાંજો, કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫,૦૭,૫૨૪નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ગાયક કલાકારે રટણ કર્યુ હતું કે લોકડાઉનને કારણે ડાયરાઓ બંધ થતાં પોતે ગાંજો વેંચવાના રવાડે ચડી ગયો હતો!...જો કે પોલીસે શંકા છે કે તે સાત-આઠ મહિનાથી આ ધંધો કરે છે. ગાંજો પોતાની પાસે આવી જતાં જ તે બંધાણીઓ, ગ્રાહકોને ફોન કરીને 'ચાલો પ્રસાદી આવી ગઇ છે' તેવો ફોન કરી પડીકીઓ પહોંચાડી આવતો હતો. અમુક બંધાણીઓએ ગાંજાને 'દવા' એવો કોડવર્ડ આપ્યો છે.

પીએસઆઇ એમ. એસ. અંસારીએ ફરિયાદી બની ઝડપાયેલા ગાયક મનિષદાન સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીના, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી હેઠળ એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આઇ-ટ્વેન્ટી કાર અટકાવી ગાડીની પાછળની સીટમાં રાખેલા બે થેલા તપાસતા છ બોકસ મળ્યા હતાં. એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં તે ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં રૂ. ૯૭,૫૨૪નો ૧૬.૨૫૪ કિ.ગ્રા ગાંજો કબ્જે કરાયો હતો.

પ્રાથમિક પુછતાછમાં મનિષદાન ગઢવીએ પોતે સાયલા ખાતેથી આ ગાંજાના બોકસ લાવ્યાનું અને ત્યાં સુરતથી ઓરિસ્સા તરફનો એક શખ્સ આ ગાંજો આપી ગયાનું રટણ કર્યુ હતું. હાલમાં લોકડાઉનને કારણે ડાયરા થતાં ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં ગાંજો લાવીને વેંચવાનું ચાલુ કર્યાનું રટણ તેણે કર્યુ છે. જો કે તે સાત આઠ મહિનાથી આ ધંધો કરતો હોવાની શકયતા છે. તે અઢી અઢી કિલોના પેકીંગ સુરતથી લાવી તેમાંથી પડકીઓ બનાવી ૧૫૦ કે ૨૦૦ લેખે બંધાણીઓને વેંચતો હતો. તેના ગ્રાહકો માટે તેણે ગાંજાના કોડવર્ડ 'પ્રસાદી' અને 'દવા' રાખ્યા હતાં. પોતાની પાસે ગાંજો આવી જાય એટલે તે ફોન કરીને પ્રસાદી આવી ગઇ છે, દવા આવી ગઇ છે...કહી માલ પહોંચાડી રોકડી કરી લેતો હતો. કામગીરીમાં એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ રાવલ, પીએસઆઇ અંસારી, જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, અઝહરૂદ્દીનભાઇ બુખારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, પ્રદિપસિંહ, કૃષ્ણદેવસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતાં.

મનિષદાનનો કબ્જો કુવાડવા રોડ પોલીસે સંભાળ્યો છે. તે કેટલા સમયથી ગાંજો લાવીને વેંચે છે? કોને કોને વેંચે છે? ખરેખર કયાંથી અને કોની પાસેથી લાવે છે કે કોણ સપ્લાય કરી જાય છે? તે સહિતના મુદ્દે પીઆઇ એમ.બી. વાળાની રાહબરી હેઠળ તપાસ શરૂ થઇ છે.

ગામડે આટો મારી આવું કહી મિત્રની કાર માંગી'તી

. પોલીસે જે કારમાંથી ગાયક મનિષદાનને ગાંજા સાથે પકડી લીધો એ આઇ ટ્વેન્ટી કાર જીજે૧૪એએ-૧૫૧૫ કિંમત રૂ. ૪ લાખની તેની પોતાની નથી. માધાપર રહેતાં મિત્રને ખોટુ બોલી 'ગામડે આટો મારી આવું' કહીને તેની કાર માંગીને  લીધી હતી. જેમાં સાયલાથી ગાંજાના બોકસ લઇને આવતો હતો અને ઝડપાઇ ગયો હતો.

(2:58 pm IST)