Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ભાજપ પોતાની નિષ્ફળતા ઢાકવા દોષનો ટોપલો કોંગ્રેસને ન ઓઢાડેઃ હિતેષ વોરા

રાજકોટ તા.૨: યુ.પી.એ સરકારે દસ વર્ષમાં ખેડુતોના હિતમાં શું કર્યુ? એનો હિસાબ કોંગ્રેસે નહી પણ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપવાનો છે. છાશવારે કોંગ્રેસ ઉપર પોતાની નિષ્ફળતાઓનો દોષનો ટોપલો ઢોળી દેવો એવી માનસીકતામાંથી ભા.જ.પે. બહાર આવવું જોઇએ. એમ કૃષિ મંત્રી શ્રી ફળદુએ પ્રેસ કોન્ફરન્સમાં ઉચ્ચારેલ શબ્દો સામે, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષભાઇ વોરાએ જણાવેલ છે.

હિતેષભાઇ એ વધુમાં જણાવેલ કે, ૧૯૯૯ થી ૨૦૧૪ સુધી એન.ડી.એની બનેલ સરકાર હતી. ત્યારે ખેડુતો દેવાદાર હતો. ફીલગુડ અને સાઇનીંગ ઇન્ડિયાના પોકળ દાવાઓની વચ્ચે યુ.પી.એ સરકાર આવી. અને આવતાની સાથે જ દેવાદાર બનેલ ખેડુતોના ૭૨૦૦ કરોડના દેવા શ્રી મનમોહનસિંહની સરકારે માફ કરીને ખેડુતોને પગભર બનાવવાનો શૈધ્ધાંતિક નિર્ણય કર્યો હતો.કપાસની આયાત નિકાસ નીતિ, ખેડુતોના હિતમાં ઘડીને ખેડુતોને કપાસના મણના ૧૪૦૦ થી ૧૫૦૦ અપાવેલ હતા. વિલેજ ડેવલપમેન્ટ ઇન્ફાસ્ટ્રકચર કાર્યક્રમ હેઠળ ગામડાઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ડાયરેકટ પંચાયતને આપીને ગામડાના વિકાસને વેગવંતો બનાવેલ.

આવા તો અનેક દાખલાઓ છે. પણ શ્રી ફળદુ ભુલી ગયા હોય એમ લાગે છે. જયારે ભા.જ.પ.ના રાજમાં મગફળી કાંડ થાય છે કપાસના ભાવ મળતા નથી. દવા બિયારણ જંતુનાશક દવાઓ મોંઘી થયેલ છે. ખેડુતોને લુંટી લેવા જમીન સંપાદન કાયદો અમલમાં લાવવાના ત્રાગા કરે છે. આ બધુ ખેડુતો જાણે છે. માટે ખોટુ બોલવાનું બંધ કરો, બીજા ઉપર દોષના ટોપલા ઢોળવાથી તમે મોટા નથી થઇ જવાના તેમ હિતેષભાઇ વોરાએ  યાદીના અંતમાં જણાવેલ છે.

(3:36 pm IST)