Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

અટીકાના આહિર ચોકમાં વાહન અથડાતાં બે શખ્સો બારોટ યુવાન પર તૂટી પડ્યાઃ છરી ઝીંકી

મહેશ દેવાયતકા હોસ્પિટલના બિછાનેઃ હુમલો કરી એકટીવા પર ભાગેલા બંનેની શોધ

રાજકોટ તા. ૨: નજીવી વાતે મારામારીના બનાવ અવાર-નવાર બનતા રહે છે. રવિવારે સાંજે અટીકા નહેરૂનગર આહિર ચોકમાં શ્યામ હોલ પાસે બારોટ યુવાનના હોન્ડા સાથે એક એકટીવા અથડતાં તેનો ચાલક અને પાછળ બેઠેલો શખ્સ પડી જતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ બારોટ યુવાનને માર મારી ગાળો દઇ હાથમાં છરી ઝીંકી દેતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું.

કોઠારીયા રોડ સનાતન પાર્ક-૪માં રહેતો અને માઇક્રોમીટર રિપેરીંગનું કામ કરતો મહેશ મોહનભાઇ દેવાયતકા (ઉ.૩૦) નામનો બારોટ યુવાન સાંજે કામ પતાવી પોતાનું બાઇક હંકારી ઘર તરફ જતો હતો ત્યારે આહિર ચોકમાં સામેથી ડબલસવારી વાળુ એકટીવા અથડાતાં તેનો ચાલક અને પાછળ બેઠેલો શખ્સ પડી જતાં બંનેએ ઉભા થઇ ગાળાગાળી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો અને એક શખ્સે છરી કાઢી હુમલો કરતાં મહેશને ડાબા હાથના પંજામાં ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

લોકો ભેગા થઇ જતાં બંને હુમલાખોર ભાગી ગયા હતાં. મહેશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગરના એએસઆઇ સુરેશભાઇ મકવાણાએ તેની ફરિયાદ પરથી આશરે ૨૮ થી ૩૦ વર્ષના બે શખ્સો સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(12:25 pm IST)