Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

રાજકોટમાં રોડ ક્ષમતા કરતા ૪.૪૨ ગણા વધુ વાહનો દોડે છે

સમગ્ર ગુજરાતમાં આવી સ્થિતિ : ક્ષમતાથી ત્રણ ગણા વધુ વાહનોઃ કાર ટુ વ્હીલર્સનો રાફડો ફાટયો છે : ટ્રાફિક સમસ્યા રોજેરોજ વકરી રહી છે

અમદાવાદ તા. ૨ : કયારેય વિચાર કર્યો છે કે દરેક ટ્રાફિક સિગ્નલે ખાસ્સો સમય સુધી શા માટે અટકવું પડે છે? કે પછી રોજબરોજ થતા અકસ્માતોમાં આટલો વધારો કેમ થઈ રહ્યો છે? આંતરરાષ્ટ્રીય ધોરણોના આધારે જોઈએ તો અમદાવાદમાં તેની રોડ ક્ષમતા કરતાં ત્રણ ગણા વાહનો દોડી રહ્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ૨૦૧૭માં જાહેર કરેલા ડેટા મુજબ અમદાવાદમાં ૨૮૧૩ કિમીના રોડની સામે ૪૩ લાખ વાહનો રજિસ્ટર થયેલાં છે.

જો બે વાહનો વચ્ચે લઘુત્તમ સેફટી ડિસ્ટન્સ ત્રણ મીટર રાખીએ તો પણ અમદાવાદની રોડ ક્ષમતા ૩.૬૫ ગણાથી વધુને ઓળંગી જાય છે. આ મામલે રાજકોટમાં રોડ ક્ષમતાથી ૪.૪૨ ગણા વધુ વાહનો દોડી રહ્યાં છે, સુરતમાં ૩.૬૬ ગણા વધુ વાહનો દોડી રહ્યાં છે અને વડોદરામાં પણ તેની રોડ ક્ષમતાથી વધુ ૩.૧૩ ગણા વધુ વાહનો દોડી રહ્યાં છે.

IIM અમદાવાદના પ્રોફેસર અમિત ગર્ગ, રિસર્ચર વિધિ અવાશિયા અને રિસર્ચ એસોસિયેટ શ્રૃતિકા પરિહારે 'લેન્ડ યુઝ ચેન્જ ઓફ ઈન્ડિયન સિટીઝઃ અ બર્ડ્સ આય વ્યૂ'નામના પોતાના સંશોધન અંતર્ગત ટ્રાફિક અને શહેરી વિસ્તારોમાં ગીચતાનું પરિક્ષણ કર્યું હતું. વિધિ અવાશિયાએ કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અકસ્માતને અટકાવવા સામાન્ય રીતે બે વાહનો વચ્ચે એક કાર જેટલી જગ્યા રહેવી જોઈએ, પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં આ સપના સમાન છે.'

સંશોધકોએ જણાવ્યા મુજબ ભારતમાં કુલ શહેર વિસ્તારના ૧૫ ટકા પર રોડનો કબજો હોય છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની હદમાં ૨૮૧૩.૫ કિમીનો રોડ છે. સેપ્ટ યુનિવર્સિટીના એકિઝકયુટિવ ડાયરેકટર એચ.એમ. શિવાનંદ સ્વામીનું કહેવું છે કે આપણા શહેરોના રોડ પર કાર, ટૂ-વ્હીલર્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય કેટલાય પ્રકારનાં વાહનો દોડી રહ્યાં છે જે આપણે સમજવાની જરૂર છે અને હવે અગાઉ કરતાં પણ વધુ કારનો ઉમેરો થઈ રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે આજે લોકો નજીકમાં જવાનું હોય અને એકલા જ મુસાફરી કરવાના હોય તો પણ કાર લઈને નીકળી પડે છે તેવામાં ટ્રાફિક સમસ્યા વધુ વિકરાળ બનતી હોય છે. શહેરના રોડ સેફટી એકસપર્ટ અમિત ખતરીનું કહેવું છે કે શહેરમાં રોડ પોપ્યુલેશનના ૭૦ ટકા ટૂ-વ્હીલર્સ વાળા છે. આ સમસ્યાના સમાધાન માટે યોગ્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાની જરૂર છે.(૨૧.૯)

(3:57 pm IST)