Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજકોટ સહિત રાજયભરની ૧પ હજાર ખાનગી બસોના પૈડા થંભી ગયા...

લોકડાઉન-પ માં અપાયેલ છુટછાટમાં ભારોભાર અન્યાયઃ કેન્દ્ર સરકારની ર૦ લાખ કરોડની સહાય જાહેરાતમાં ટ્રાવેલ્સ વ્યવસાય વંચિત રખાયો છે... : અખીલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ દ્વારા એલાને જંગઃ સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો સ્કુલ-મેડીકલ-કંપની બસો પણ બંધ કરવાની ચેતવણી : કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવી રજુઆતઃ અમારા ઉદ્યોગથી લાખો લોકો રોજગારી મેળવે છેઃ લોકડાઉન-પમાં અમૂક સમય મર્યાદાની છૂટછાટ અને પ૦ ટકા મુસાફરોનું વહન તો નિયમો સાથે ચાલવું અમારા માટે અશકય છે

રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસો.દ્વારા આજે કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર આપી રજૂઆતો કરાઇ હતી, તસ્વીરમાં ઇગલ ટ્રાવેલ્સ ખાતે એસો.ના અગ્રણીઓ આવેદનપત્ર સાથે નજરે પડે છે, બપોરે૧૧ાા વાગ્યાની આસપાસ અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર : શહેર ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસો.ના અગ્રણીઓ અને અન્યોએ આજે કલેકટરશ્રી રેમ્યા મોહનને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ સબબ રજુઆતો કરી હતી. અને ગઇકાલથી રાજયવ્યાપી શરૂ કરાયેલ હડતાલ અંગે જાણ કરી હતી, તથા સરકાર માંગણીઓ ધ્યાને નહી લ્યે તો કંપની-સ્કુલ-મેડીકલ લાઇનમાં ચાલતી બસો બંધ કરી દેવાશે. તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

આવેદનપત્ર દેવામાં અગ્રણીઓ પ્રમુખશ્રી દશરથભાઇ વાળા, ઉપપ્રમુખ હારૂનભાઇ મેતર, મંત્રી દિવ્યેશભાઇ ચોલેરા, મહામંત્રી સિદ્ધરાજસિંહ ચૌહાણ, ખજાનચી ભાવેશભાઇ કનેરીયા, તથા ઇગલ ટ્રાવેલ્સના હાર્દિકભાઇ દિનેશભાઇ બાવળીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આવેદનમાં અગ્રણીઓએ જણાવેલ કે અમારી સંસ્થા અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ ખાનગી પ્રવાસી વાહન સંચાલકોનું સંચાલન કરતી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. ગુજરાતભરમાં ૧પ હજાર જેટલી ખાનગી બસોનું સંચાલન સભ્યો દ્વારા કરાય છે, લાખો લોકોને રોજગારી મળી રહે છે, પરંતુ કેન્દ્ અને ગુજરાત સરકારની લોકડાઉન-પ ની છૂટછાટોની જાહેરાતમાં અમારા ટ્રાવેલ્સ ઉદ્યોગને ભારોભાર અન્યાય થયો છે, અને તેના પરિણામે વિવિધ માંગણીઓ સાથે ગઇકાલથી રાજકોટ સહિત રાજયભરની ૧પ હજાર ખાનગી ટ્રાવેલ્સની બસોના પૈડા થંભી ગયાનું હડતાલ કરાયાનું અને બેમુદતી ખાનગી બસો બંધ રાખવામાં આવશે તે અંગે કલેકટરને અપાયેલ આવેદનમાં જાણ કરાઇ હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, કોવીડ-૧૯ ના કારણે ધાર્મિક યાત્રા, પ્રવાસો, સ્કુલ પ્રવાસ, ભારત દેશના તમામ ફરવા (લાયક સ્થળો દેવ સ્થાનોઓને ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી લોકડાઉનના કારણે બંધ હોય તેમજ હાલ ઉનાળુ વેકેશન અને લગ્ન સરાની સિઝન પણ પુરી થઇ ગઇ હોવાના કારણે અમારો ટ્રાન્સપોર્ટનો ધંધો સદંતર બંધ છેજેના કારણે અમારા વ્યવસાયને થયેલ માઠીઅસર બાબતે આપનું ધ્યાન દોરીએ છીએ. તેમજ ધંધો બંધ હોવાના કારણે અમોએ લીધેલ લોનના હપ્તાઓ પણ ભરી શકેલ નથી. અમારા ડ્રાઇવર કંડકટર, ઓફીસ સ્ટાફ અને અમારા પરિવારનું ભરણ પોષણ કરવું ખુબ મૂશ્કેલ હોય ત્યારે અમારી અમુક રજુઆતો અંગે યોગ્ય કરવા વિનંતી છે.

આવેદનમાં અગણીઓએ જણાવેલ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ર૦ લાખ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત દેશના નાગરીકો તથા ઉદ્યોગોને આર્થિક મદદ મળે તે અર્થે કરવામાં આવી છે. જે ખરેખર સરાહનિય છે. પરંતુ અમારો વ્યવસાય તેમાથી વંચિત રહી ગયો હોય તેવું અમને લાગી રહ્યું છે ગુજરાત સરકારને અમે મહિનો ૩પ૦/- કરોડથી પણ વધારે ટેકસ ભરીએ છીએ અને આડકતરી બોજો દરમહિને ૬પ૦/- કરોડથી પણ વધારે ટેકસ અમો દ્વારા મળી રહ્યો હોય ત્યારે ગુજરાત સરકાર અમારી સાથે ઓરમાયું વર્તન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં લઇને આગામી ડિસેમ્બર ર૦ર૦ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રાબેતા મુજબ થાય તેવા કોઇ સંજોગો જણાતા નથી. આવા સંજોગોમાં અમારો વ્યવસાય મૃતઃપ્રાય પરિસ્થિતિમાં ધકેલાઇ જશે અને તેનાથી અસંખ્ય બેકારીનો વ્યાપ વધશે.

અમે જણાવેલ મુદા અંગે સરકારને રજુઆત કરી દેવા છતા આજદીન સુધી કોઇપણ પ્રકારનો નિર્ણય સરકાર કે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ નથી, તથા સરકારની લોકડાઉન-પ-૦ ની ગાઇડલાઇન મુજબ અમુક સમય મર્યાદાની છુટછાટ તથા બસોની સીરીઝ કેપેસીટીના પ૦% મુસાફરોનું વહન કરી શકીએ તેવા નિયમો સાથે ચાલવું અમારા માટે અશકય છે. જુન માસ માટે અંદાજી ૧૦,૦૦૦થી પણ વધારે બસો ગુજરાતભરમાંથી ઇમેઇલ દ્વારા નોનયુઝ મુકવામાં આવેલ છે તે સ્થાનિક આર.ટી.ઓ. દ્વારા મંજુર રાખવામાં આવે તે અર્થે 'અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ' દ્વારા તાજેતરમાં વિડીયો કોન્ફરન્સથી કારોબારી સભ્યોની મિટીંગ યોજવામાં આવેલ હતી જે મિટીંગમાં વિચાર વિમર્શ કર્યા બાદ સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે કે ગઇકાલ તા.૧ થી સમગ્ર ગુજરાત રાજયની તમામ નાનીમોટી પેસેન્જર ખાનગી બસો અનિશ્ચિત સમય માટે બંધ રાખવામાં આવશે અને જો ટુંક સમયમાં અમારી માંગણીઓને સરકાર ધ્યાને નહી લે તો ગુજરાતમાં ચાલતી કંપની બસ, સ્કુલ બસ અને મેડિકલ લાઇનમાં ચાલતી તમામ બસો આ બંધમાં જોડાશે તેવો નિર્ણય લેવાયો છે.

આવેદનમાં કરાયેલ માંગણીઓમાં અમારા ઉદ્યોગને લોકડાઉન ખૂલ્યા પછી એટલે કે જયારથી પેસેંજર વાહન ચલાવવાની સરકાર તરફથી પરવાનગી મળે તે પછીથી ૬ માસ સુધી આર.ટી.ઓ. તમામ ટેકસ/એસજીએસટીમાંથી મુકિત આપવી તદુપરાંત પ્રોપર્ટી ટેકસ અને રાજયના ધોરીમાર્ગ પર લાગુ પાડવામાં આવેલ ટોલ ટેકસમાં માફી આપવામાં આવે. પેસેંજર વાહનોનોે કાયમી ધોરણે નોન યુઝ મુકવા માટે એડવાન્સ ટેકસમાંથી મુકિત આપવામાં આવે.  જયારે લોકડાઉનનો સમયગાળો પુરો થાય પછી અમારા વાહનો શરૂ કરતી વખતે મેઇન્ટેનન્સ કરવા માટે વાહન દીઠ રૂપિયા ૩પ,૦૦૦ની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે. આ ઉદ્યોગને ફરી રનિંગ કરવા વાહન દીઠ ૧,૦૦,૦૦૦/- સુધીની વગર વ્યાજે લોન આપવામાં આવે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બેન્કોને ધિરાણની રીપેમેન્ટ પર ૬ મહિના માટે મુકિતના આદેશ આપવામાં આવે તેમજ આ મુકિતના સમયમર્યાદા દરમિયાન ધિરાણ પરનું વ્યાજ પણ માફ કરવાની સુચના આપવામાં આવે.

સંપૂર્ણ લોકડાઉન સમય દરમિયાન બ્રેક ડાઉન રહેલી લકઝરી બસો માટેના દિવસો તથા બીજા પંદર દિવસ માટે વીમાના સમયમાં વધારાના પ્રીમીયમ ભર્યાવગર એકસટેશન મળવું જોઇએ.

મુખ્ય માંગણીઓ

   ૬ માસ સૂધી RTO સહિતના ટેકસમાંથી મૂકિત આપો

   પેસેન્જર વાહનોને કાયમી ધોરણે નોન યુઝ મૂકવા માટે એડવાન્સ ટેકસમાંથી મૂકિત આપો

   વાહન દીઠ મેઇનટેન્સ માટે સરકાર ૩પ હજારની સહાય આપે

        ૧ લાખની વગર વ્યાજની લોન આપો

(3:53 pm IST)